વલસાડ જિલ્લો વિકાસ સપ્તાહ અંતગત વલસાડમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, કલાકારોએ વિવિધ કૃતિઓ રજૂ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, 2001ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે 2001 થી 2024 સુધીની તેમની 23 વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથા લોકો સુધી પહોંચે અને વિકાસલક્ષી પધ્ધતિથી લોકો જાગૃત થાય તે માટે તા.7 થી 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી થઈ રહી છે.
ત્યારે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વલસાડના સંસ્કાર કેન્દ્ર ખાતે વલસાડ ધારાસભ્ય ભરત પટેલ અને વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેષ દવેની ઉપસ્થિતિમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ વિકાસ સપ્તાહની શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ઉપસ્થિત મહાનુભાવો સહિત તમામ લોકોએ ‘વિકાસ શપથ’ લીધી હતી. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખેલા ‘આવતી કળાય’ ગરબા પર વિદ્યાર્થીઓએ રાસ રજૂ કર્યો હતો. ઢોલના તાલે આદીવાસી લોકનૃત્ય રજૂ કરી કલાકારોએ સૌને અચંબિત કર્યા હતા તો એક વણઝારી ઝૂલણ ઝૂલતી’ અને ‘સોનાનો ગરબો’ ગરબા ગીતનો વિદ્યાર્થીનીઓ સુંદર ગરબાઓ રજૂ કર્યા હતા.
દેશ રંગીલા ગીતના તાલે દેશભક્તિ નૃત્ય કરી દેશભક્તિ દર્શાવી હતી. અંતમાં સ્થાનિક સાંસ્કૃતિક કલાકારોએ લોક ડાયરો પ્રસ્તુત કર્યો હતો. ધારાસભ્યશ્રીએ વિકાસ સપ્તાહ વિશે વિસ્તૃત માહિતી આપતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રીએ 23 વર્ષના તેમના સુશાસનમાં દેશે ઉન્નતિ કરી છે, દેશને નવા શિખરે પહોંચાડ્યો છે. દેશ-વિદેશમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ નવી છપ ઊભી કરી છે. દેશના ભવિષ્ય એવા યુવાઓને ઘણું મહત્વ આપ્યું છે તેમજ તેઓ દરેક ક્ષેત્રે આગળ વધે એવા પ્રયત્નો કરી રહ્યા છે. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, વલસાડ પ્રાંત અધિકારી આસ્થા સોલંકી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી જોષી, વલસાડ મામલતદાર (ગ્રામીણ) પી. કે. મોહનાની, સ્થાનિક કલાકારો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.