- વિકાસ સપ્તાહ અંતર્ગત ઉજવાયો ઉદ્યોગ સાહસિકતા દિવસ
- નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024માં સંપૂર્ણ વેલ્યૂ ચેઈન અને રાજગાર સર્જન વિશેષત: મહિલા રોજગારી તથા મહિલા સ્વ-સહાય જૂથોના સશક્તીકરણને પ્રોત્સાહનનો વ્યૂહ પહેલીવાર અપનાવવામાં આવ્યો
- ઉદ્યોગમંત્રી-ઉદ્યોગ રાજ્યમંત્રી સહિત ટેક્સટાઈલ ક્ષેત્રના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ
- ઉદ્યોગ સાહસિકતા દિવસ અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે
- જીઆઈડીસી વસાહતોમાં ઉદ્યોગો માટે પાણી પુરવઠાના રૂ. 418 કરોડના કામોના ઇ-ખાતમુહૂર્ત
- રોડ નેટવર્ક અને પાણી પુરવઠાના રૂ. 146 કરોડના કામોના ઇ-લોકાર્પણ
- 5500 પ્રોત્સાહન પાત્ર ઉદ્યોગ એકમોને રૂ. 1100 કરોડથી વધુના મૂલ્યની સહાયનું વિતરણ
- રૂ. 699 કરોડની કુલ કિમતના ૪ ક્વોરી લીઝના લેટર ઑફ ઇન્ટેન્ટ અર્પણ
મુખ્યમંત્રી
- ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં નરેન્દ્ર મોદીએ કાપડ ઉદ્યોગને વિશ્વ ફલક આપવા ફાઈવ-એફ ફોર્મ્યુલા આધારિત ટેક્સટાઈલ પોલિસી-2012થી નવી દિશા આપી.
- ટેક્સટાઈલ ઉદ્યોગ માટે રાજ્યમાં સુદ્રઢ ઈકોસિસ્ટમનું નિર્માણ થયું
- રાજ્યમાં 40 ટકા ફેબ્રિકનું ઉત્પાદન મેન મેઈડ ફાઈબરમાંથી થાય છે
- ટેકનીકલ ટેક્સટાઈલના ઉત્પાદનમાં ગુજરાત 25 ટકાનો ફાળો આપે છે
- રાજ્યની અર્થવ્યવસ્થા સાથે દેશની આર્થિક પ્રગતિમાં કાપડ ઉદ્યોગની મહત્વપૂર્ણ ભૂમિકા છે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિકાસ સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણી અંતર્ગત આયોજિત ઉદ્યોગ સાહસિકતા દિવસે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 નું લોન્ચિંગ કર્યું હતું.
તેમણે રાજ્યની વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં પાણી પુરવઠા, રોડ રસ્તા સહિતની સુવિધાના 418 કરોડ રૂપિયાના વિકાસ કામોના ઈ-ખાતમૂર્હત અને રૂ. 146 કરોડના કાર્યોના ઈ-લોકાર્પણ સંપન્ન કર્યા હતા.
મુખ્યમંત્રીએ ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત, રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યસચિવ શ્રી રાજકુમારની ઉપસ્થિતિમાં ઇન્સેટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ અન્વયે 5500 ઉદ્યોગ એકમોને 1100 કરોડની સહાયનું વિતરણ અને કુલ 699 કરોડની કિંમતના ક્વોરી લીઝના લેટર ઓફ ઇન્ટેન્ટનું વિતરણ પણ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ઉદ્યોગ સાહસિકતા દિવસના કાર્યક્રમમાં કર્યું હતું.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં રાજ્યના કપાસ ઉદ્યોગ અને ટેક્સટાઈલ સેક્ટરને વિશ્વ ફલક આપવા ફાર્મ ટુ ફાઈબર, ફાઈબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેનની ફાઈવ ‘F’ ફોર્મ્યુલા આધારિત ટેક્સટાઈલ પોલિસી 2012માં આપીને આ ઉદ્યોગને નવી દિશા આપી હતી.
એટલું જ નહિ, આના પરિણામે રાજ્યમાં ટેક્સટાઈલ ઉદ્યોગ માટેની સુદ્રઢ ઈકોસીસ્ટમનું નિર્માણ થયુ અને ૩૫ લાખ જેટલા સ્પીન્ડલ્સની સ્થાપના થઈ સાથોસાથ 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થયુ અને અઢી લાખથી વધુ રોજગારી ઉભી થઈ છે.
નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રી તરીકેની આવી વિઝનરી લીડરશીપમાં ગુજરાતની વિકાસ યાત્રાને 7 ઓક્ટોબર 2001થી નવી ગતિ મળી તેની સફળતાના 23 વર્ષ પૂર્ણ થવા અવસરે 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી આપણે કરી રહ્યાં છીએ તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની આગવી ઓળખ સેક્ટર સ્પેસિફિક પોલીસીઝ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનસ અને ઈન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પ્રો એક્ટીવ અભિગમથી પ્રસ્થાપિત કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, 2017ની ખાસ નીતિ પછી 2019 માં નવી પોલીસી જાહેર કરવામાં આવી અને આ બધી જ પોલીસીઝને પરિણામે રાજ્યના કાપડ ઉદ્યોગને વેગ મળતાં પાંચ લાખ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થયું છે.
તેમણે ટેક્સટાઈલ પોલિસી-2024ની જાહેરાત કરતા ઉમેર્યુ કે, ગુજરાતમાં 40% ફેબ્રિકનું ઉત્પાદન મેન મેડ ફાઇબર માંથી થાય છે અને ટેકનિકલ ટેક્સ્ટાઇલના ઉત્પાદનમાં ગુજરાત ૨૫ ટકાનો ફાળો આપે છે. કાપડ ઉદ્યોગ રાજ્યની અર્થવ્યવસ્થા સાથે દેશની આર્થિક પ્રગતિમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
આ સંદર્ભમાં રાજ્ય સરકારે ટેક્સટાઈલવેલ્યુ ચેઈનના દરેક સેગમેન્ટનું એનાલિસિસ કરીને ગારમેન્ટ અને એપેરલ તથા ટેકનિકલ ટેક્સટાઇલમાં વિશેષ ફોકસ કરવાનો વ્યુહ આ નવી ટેક્સટાઈલ પોલિસી ૨૦૨૪માં અપનાવ્યો છે તેની ભૂમિકા તેમણે આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેક્સટાઈલ પોલિસી 2024માં પહેલીવાર ગ્રામીણ અને શહેરી ક્ષેત્રની મહિલાઓના સ્વ સહાય જૂથ-સેલ્ફ હેલ્પ ગ્રુપના સશક્તિકરણ અને આવક વૃદ્ધિ પર ભાર મૂકવા સાથે રોજગારીની તકો વધુ મજબૂત બનાવવાની નેમ રાખી છે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે ટેક્સટાઇલ સેક્ટર પુરક બને અને વિકસિત ભારત @ 2047માં ગુજરાત અગ્રીમ યોગદાન આપે તેવા ઉદાત્ત અભિગમથી આ ટેક્સટાઇલ પોલિસી ૨૦૨૪ જાહેર કરી છે.
તેમણે જણાવ્યું કે આ નવી પોલીસીના પરિણામે ભવિષ્યમાં અંદાજે 30,000 કરોડ જેટલું મૂડી રોકાણ રાજ્યમાં આવશે તેમજ વડાપ્રધાનએ ગરીબ, અન્નદાતા, યુવા અને નારી શક્તિના સશક્તિકરણ માટે ગ્યાનનો જે એપ્રોચ આપનાવ્યો છે તેમાં યુવા અને મહિલાઓને રોજગારી અને કપાસ ઉત્પાદક ખેડૂતોને મહત્તમ લાભ આપવામાં આ પોલીસી ઉપયુક્ત બનશે.
મુખ્યમંત્રીએ પીએમ મિત્રા પાર્ક, નવી ટેક્સટાઇલ પોલિસી તથા કાપડ ઉદ્યોગની સંપૂર્ણ વેલ્યુ ચેઈનના વિકાસથી ઇકો સિસ્ટમ મજબૂત બનશે તે વિકસિત ગુજરાતના નિર્માણને નવી દિશા આપશે તેમ વિશ્વાસ પૂર્વક જણાવ્યું હતું.
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2001 થી 2023 સુધી 23 વર્ષમાં રાજ્યના વિકાસના જે નવા કીર્તિમાન પ્રસ્થાપિત કર્યા છે તેને જનજન સુધી પહોંચાડવા અને વધુ ગતિ આપવા આવનારા 23 વર્ષ 2047 સુધી દર વર્ષે 7 થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવવાના નિર્ણયનો પુનરોચ્ચાર પણ આ ઉદ્યોગ સાહસિકતા દિવસે કર્યો હતો.
ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે વિકાસ સપ્તાહની ઉજવણીના નિર્ણયને બિરદાવતા કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના 13 વર્ષ અને દેશના વડાપ્રધાન તરીકેના 10 વર્ષમાં નરેન્દ્ર મોદી એક પણ રજા રાખ્યા વગર નાગરિકોની સુખાકારી અને ગુજરાત સહિત દેશના વિકાસ માટે હરહંમેશ કાર્યરત રહ્યા છે. વડાપ્રધાન અત્યારે પણ ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે મક્કમતા સાથે દરેક ક્ષેત્રે જનહિતલક્ષી નિર્ણયો કરી રહ્યા છે.
ઉદ્યોગ મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનની પરિકલ્પનાથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 10 સંસ્કરણોના પરિણામે ગુજરાત દેશમાં વિકાસનું રોલ મોડલ બન્યું છે અને અનેક રાજ્યોને પણ વાયબ્રન્ટ સમિટની પ્રેરણા મળી છે. આજે ભારતના વિકાસમાં ગુજરાતનો ફાળો અતિ મહત્વપૂર્ણ છે. ગુજરાત રોજગારી આપવામાં પણ અગ્રેસર છે. એક સમયે ગુજરાતનો બેરોજગારી દર 4.2 ટકા જેટલો હતો, તે આજે ઘટીને માત્ર 2.7 ટકા સુધી પહોંચ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના 360 ડિગ્રી વિકાસ માટે વિવિધ ક્ષેત્રને પ્રોત્સાહિત કરતી 20થી વધુ પોલિસી અમલમાં મૂકી છે. સાથે જ ગુજરાતના 19 લાખથી વધુ ઉદ્યોગકારોના હિતમાં અનેક હિતલક્ષી નિર્ણયો કર્યા છે,
આ પ્રસંગે ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વર્ષ -2001થી વિકાસ યાત્રાની શરૂઆત થઇ હતી. ગુજરાત વર્ષ 2002-03માં રૂ. 1.42 લાખ કરોડના પ્રારંભિક જીડીપીથી, વર્ષ 2022-23 સુધીમાં રૂ. 22.61 લાખ કરોડ જીડીપી સુધી પહોચ્યું છે, તે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ વધુ છે. પરિણામે આજે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન અને મેન્યૂફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્થાપિત થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન, રોજગારી અને નિકાસ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમાં ગુજરાત દેશના ઉત્પાદનમાં 18 (અઢાર) ટકાથી વધુનો હિસ્સો ધરાવે છે. વર્ષ 2022-23માં ગુજરાતે 22 લાખ કરોડ રૂપિયાની નિકાસ કરી છે, તે દેશની કુલ નિકાસના ૩૩ ટકા જેટલી છે. આનો શ્રેય ગુજરાતની જનતાને જાય છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર સંદિપ સાંગલે અને વરિષ્ઠ અધિકારીઓ સહિત ઉદ્યોગ સાહસિકો અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.