મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વિકાસ સપ્તાહ અંતર્ગત તા. 15 ઓક્ટોબર ગાંધીનગર ખાતેથી ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચ કરવામાં આવી હતી. ત્યારે હાલના ભૂ-રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં આ નવી ટેક્સટાઈલ પોલિસીનું લૉન્ચીંગ એક મહત્વપૂર્ણ કદમ પુરવાર થશે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં આ વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત, નવા વિકાસ કામોની મંજૂરીના ઉપક્રમ યોજાયો હતો.
નવી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024 ની જાહેરાત કરવામાં આવી હતી. જેના મુજબ 2 હજાર થી 5 હજાર પે-રોલ પ્રતિ વ્યક્તિ 5 વર્ષ સુધી આપવામાં આવશે, જ્યારે 7 % સબસિડી 8 વર્ષ માટે આપવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી.
ગ્રામીણ મહિલાઓને વધુ રકમ મળે તેના પર ધ્યાન
વધુમાં મુખ્યમંત્રીએ ટેક્સટાઈલ પોલિસી 2024ને લઇ જણાવ્યું હતું કે નવી પોલિસી દ્વારા ગ્રામીણ વિસ્તારની મહિલાઓને વધુ રકમ મળે તેના પર ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત 30 હજાર કરોડ રોકાણ આવવાની સંભાવના છે. તેમજ કપાસ ઉત્પાદક ખેડૂતો અને યુવાનોમાં રોજગારી પૂરી પાડશે. નવસારીમાં મેગા ટેક્સટાઈલ પાર્ક બની રહ્યું છે.
1107 કરોડ રૂપિયાની સહાય
ગુજરાતમાં 10 મહિના બાદ આજે 15 ઓક્ટોબરના રોજ 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં ટેક્સટાઈલ પોલિસી જાહેર કરવામાં આવી હતી. જેમાં પહેલી વખત આ પોલિસીમાં 25 % કેપિટલ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે વ્યાજ પર સબસિડી જૂની પોલિસીમાં પાંચથી છ % હતી, જેને ઘટાડી 2% કરાય છે. જ્યારે પાવર સબસિડી યુનિટદીઠ એક રૂપિયો જોગવાઈ કરાય હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. તેમજ ગુજરાતના 5592 ઔદ્યોગિક એકમો માટે 1107 કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.
વર્ષ 2012 ની પોલીસીમાં 35 હજાર કરોડનું રોકાણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જણાવ્યા મુજબ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે ટેક્સટાઈલ પોલિસીનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ સાથે વર્ષોથી ગુજરાત કાપડના ઉત્પાદન અને વેપારનું કેન્દ્ર રહ્યું છે. જે ડેનિમ કેપિટલ તરીકે પ્રખ્યાત છે. ત્યારે 2012માં જાહેર કરવામાં આવેલ ટેક્સટાઈલ પોલિસીમાં 35 હજાર કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. જેના કારણે રાજ્યમાં કાપડ ઉદ્યોગને વેગ મળ્યો હતો. તેમજ આ ઉપરાંત ગુજરાત ટેક્સટાઈલમાં દેશમાં 25 % ફાળો આપે છે.
2019ની પોલિસી
આ પોલિસીમાં 6 % ઈન્ટરેસ્ટ સબસિડી વાર્ષિક 20 કરોડની કેપ સાથે નવા રોકાણ પર ઉદ્યોગકારોને 2થી 3 રૂપિયા પાવર સબસિડી, પ્લાન્ટ મશીનરીનું 25 %થી વધુનું એક્સાપન્શન કરવા પર જ સબસિડી આપવામાં આવતી હતી. આ ઉપરાંત એનર્જી વોટર ઓડિટમાં 50 % લેખે વધુમાં વધુ 1 લાખ સુધીની સબસિડી અને નાની મશીનરીઓની ખરીદી પર 20 % લેખે વધુમાં વધુ 30 લાખ સુધીની સબસિડી આપવામાં આવી હતી.
2012ની પોલિસી
2012ની ટેક્સટાઈલ પોલિસીમાં 6 % ટેક્નિકલ ટેક્સટાઈલ માટે અને 7 % સ્પિનિંગ માટે લોન સામે ઈન્ટરેસ્ટ સબસિડી, ફક્ત કોટન ઈન્ડસ્ટ્રીને હયાત બિલમાં યુનિટ દીઠ 1 રૂપિયાની સબસિડી, પ્લાન્ટ મશીનરીનું 25 %થી વધુનું એક્સપાન્સન કરવા પર સબસિડી, એનર્જી અને વોટર ઓડિટ માટે 20 % લેખે વધુમાં વધુ 50 હજાર સુધીની સબસિડી અને મોટી મશીનરી સાથે ખરીદાતી નાની મશીનરીમાં સબસિડી ન હતી
અન્ય કાર્યક્રમો
વિકાસ સપ્તાહ ઉજવણીના અંતિમ દિવસ એટલે કે આજે તા. 15 ઓક્ટોબર, 2024ના રોજ ઉદ્યોગ સાહસિકતા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ‘નવી ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-2024’ લૉન્ચની સાથે સાથે વિવિધ ઉદ્યોગ પ્રોત્સાહક ઉપક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.