• વિશ્ર્વ માનક દિવસની ઉજવણી
  • કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષ સ્થાને ભારતીય માનક સંસ્થા દ્વારા ‘વિશ્ર્વ માનકદિન’ ઉજવાયો: મહાનુભાવોની ઉપસ્થિતિ
  • વિવિધ ઉદ્યોગ ક્ષેત્રે પ્રથમ લાયસન્સ મેળવનારા ત્રણ ઉદ્યોગપતિઓને સન્માનીત કરાયા

ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના મંત્રી  નિમુબેન બાંભણિયાના અધ્યક્ષ સ્થાને ભારતીય માનક સંસ્થા, રાજકોટ દ્વારા “વિશ્વ માનક દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણિયાએ જણાવ્યું હતું કે, ” આપણાં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ “ભારતીય બ્રાન્ડ”નું મહત્વ વધ્યું છે, જેનાં કારણે ભારતની અર્થવ્યવસ્થા સબળ બની છે. આજે ભારત વિકાસની દિશામાં હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે.”

મંત્રીએ ઉમેર્યું હતું કે, “વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગરીબી નિર્મૂલન, સ્વચ્છ ભારત અભિયાન, પ્રાકૃતિક કૃષિ, જનધન યોજના સહિતના અનેકવિધ અભિયાનો થકી ગુજરાત સહિત દેશભરમાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ભારતમાં ઉત્પાદિત થતી વસ્તુઓની વૈશ્વિક લેવલે માંગ વધી છે અને ભારતના ઉત્પાદનો પર વિશ્વનો ભરોસો વધ્યો છે. આજે “મેક ઇન ઇન્ડિયા” પર વિશ્વને વિશ્વાસ છે જેનું આપણને સૌને ગૌરવ છે. દેશને વિકસિત બનાવવા ગુજરાત રોલ મોડલ તરીકે ઉભરી આવ્યું છે. દરેક વસ્તુની ક્વોલિટીમાં માનક મહત્વનું છે. ભારતીય માનક ફક્ત ગ્રાહકોની આરોગ્યની સુરક્ષા માટે જ નહીં પરંતુ પર્યાવરણની સુરક્ષા માટે પણ કાર્યરત છે.”  વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા ભારતીય માનક મહત્વનો પાયો છે.

આ વેળાએ ધારાસભ્ય  દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, “ભારતીય માનક બ્યુરો ઉત્પાદનમાં ગુણવત્તા, લોકોને તાલીમ આપવા, જાગૃત કરવા તથા ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ થાય તે સહિતની કામગીરી કરે છે. કોઈ વસ્તુ જ્યારે માર્ક સાથે વિદેશમાં જાય ત્યારે દેશનું સન્માન જળવાતું હોય છે. છેલ્લા વર્ષોમાં ભારતીય ઉત્પાદનોના નિકાસનું પ્રમાણ પણ વધ્યું છે, જે દર્શાવે છે કે માનક કેટલું મહત્વપૂર્ણ છે.

કાર્યક્રમમાં ભારતીય માનક સંસ્થા રાજકોટના ડાયરેક્ટર   પારિજાત શુક્લાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, ભારતીય માનક બ્યુરો દ્વારા દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સંસ્થા સામાન્ય નાગરિકો તથા વિદ્યાર્થીઓમાં માનક બાબતે જાગૃતિ ફેલાવવા માટેનું કામ પણ કરે છે. બાળકોમાં નાનપણથી જ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા પ્રત્યે જાગૃતિ ફેલાય, દરેક નાગરિક જાગૃત ગ્રાહક બની વસ્તુની ખરીદી કરે અને વેપારી તથા ઉદ્યોગપતિ સારી ક્વોલિટીની વસ્તુનું ઉત્પાદન કરે તે હેતુથી જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવે છે.

વધુમાં ભારતીય માનક બ્યુરો દ્વારા યોજાયેલા સાયન્સ એક્ઝિબિશનમાં સૌરાષ્ટ્રની વિવિધ સ્કૂલ માનક ક્લબના વિજેતા 5 શાળાના વિદ્યાર્થીઓને પુરસ્કાર દ્વારા સન્માનિત કરી પ્રમાણપત્ર પાઠવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ ઉદ્યોગ ક્ષેત્રે પ્રથમ લાયસન્સ મેળવનારા ત્રણ ઉદ્યોગપતિઓને મહાનુભાવોએ સન્માનિત કર્યા હતા. આ તકે વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત સાથે વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, તેમજ ભારતીય માનક સંસ્થાના વૈજ્ઞાનિક (સી.) શ્રી બી.વી. રમનાએ આ વર્ષની થીમ તથા માનક વિશે વિગતવાર જાણકારી આપી તેનું મહત્વ સમજાવ્યું હતું.

કાર્યક્રમમાં પૂર્વ સાંસદ શ્રી રમાબેન માવાણી, શ્રી રામજીભાઈ માવાણી, ભારતીય માનક બ્યુરોના અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ સહિત વિવિધ ઉદ્યોગપતિઓ, વેપારીઓ, શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.