• 2003-2004માં ગુજરાતમાં માત્ર 61.65 લાખ પ્રવાસીઓ આવતા હતા, જે 2022 -23માં 14 કરોડને પાર થયા
  • તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ પ્રવાસન અને યાત્રાધામો માટે જે વિકાસકાર્યો કર્યા હતા તેને કારણે આજે વર્લ્ડ ટુરિઝમ મેપ પર ગુજરાત ચમકી રહ્યું છે.

આજથી બે દાયકા પહેલાં ગુજરાતનું પ્રવાસન ક્ષેત્રે નામોનિશાન નહોતું જ્યારે આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે ગુજરાત પસંદગીનું રાજ્ય બન્યું છે. વર્ષ 2003-04માં રાજ્યમાં માત્ર 61.65 લાખ પ્રવાસીઓ આવતા હતા, જે 2022-23માં 14 કરોડને પાર થયા હતા. આમાં 22 લાખથી વધુ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. એટલું જ નહિ, વર્ષ 2001-02 માં પ્રવાસન વિભાગનું બજેટ માત્ર રૂ.12 કરોડ હતું, જે વધીને 2024-25માં રૂ. 1620.06 કરોડ થયું છે.

નરેન્દ્ર મોદીએ કચ્છમાં સફેદ રણનું પ્રવાસનની દ્રષ્ટિએ મહત્વ સમજીને વર્ષ 2005માં ‘રણોત્સવ’ની શરૂઆત કરાવી હતી. માત્ર ત્રણ દિવસથી શરૂ થયેલો રણોત્સવ આજે 4 મહિનાના લાંબા કાર્યક્રમમાં પરિણમ્યો છે. ગુજરાતના લોકપ્રિય ઉત્તરાયણના તહેવાર પ્રત્યે દેશ-વિદેશના લોકોને આકર્ષિત કરવા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે આવેલા કાંકરિયા તળાવ ખાતે વર્ષ 2009થી કાંકરિયા કાર્નિવલની દર વર્ષે ઉજવણી કરવામાં આવી છે. આ ઉપરાંત, વડનગરની બહેનોની સ્મૃતિમાં ઉજવાતા તાનારીરી મહોત્સવ, મોઢેરા સૂર્યમંદિર ખાતે ભારતીય નૃત્ય સંસ્કૃતિને ઉજાગર કરતા ઉત્તરાર્ધ મહોત્સવના કારણે પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. તો વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવના આયોજન થકી ગુજરાતની નવરાત્રિ અને તેના ગરબા વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બન્યા છે.

અખંડ ભારતના નિર્માતા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનથી ગુજરાતમાં કેવડિયા ખાતે 182 મીટર ઊંચાઇ ધરાવતી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’નું નિર્માણ કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીની આસપાસના વિસ્તારમાં જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, આરોગ્ય વન, વેલી ઑફ ફ્લાવર્સ, એકતા મોલ, એકતા નર્સરી, મિયાવાકી વન અને મેઝ ગાર્ડન સહિત વિવિધ પ્રવાસન આકર્ષણોનો વિકાસ કરવામાં આવ્યો છે. કેવડિયા ખાતે રેલ્વે સ્ટેશનનું નિર્માણ કરીને પ્રવાસીઓને પરિવહન માટે સરળ કનેક્ટિવિટી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કેવડિયાનો ટોટલ ટુરિઝમ ડેવલપમેન્ટ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે.

26 જાન્યુઆરી 2001માં આવેલા ગોઝારા ભૂકંપનો ભોગ બનેલા નાગરિકોની યાદમાં કચ્છમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કચ્છના ભૂકંપમાં અંજાર શહેરમાં દટાઇ ગયેલા બાળકો અને શિક્ષકોની સ્મૃતિમાં અંજાર શહેરની બહાર વીર બાળ સ્મારક તૈયાર કરવામાં આવ્યું જેનું ઉદ્દઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2022માં કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને વેગ આપવાના ઉદ્દેશથી ‘ગુજરાત ટુરિઝમ પોલિસી’, રાજ્યની ઐતિહાસિક વિરાસત-ઈમારતો સ્થળોને હેરિટેજ ટુરિઝમ ડેસ્ટીનેશન તરીકે પ્રોત્સાહિત કરવાના હેતુસર ‘હેરિટેજ ટુરિઝમ પોલિસી’ તેમજ દેશ-વિદેશના પ્રવાસીઓ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાથી વાકેફ થાય તેમજ ગુજરાતી વાનગીઓનો સ્વાદ માણી શકે તે હેતુથી રાજ્ય સરકારે ‘ગુજરાત હોમસ્ટે પોલિસી’ પણ અમલમાં મૂકી છે. મહત્ત્વની વાત એ છે કે, ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાથી સ્થાનિક લોકો માટે રોજગારીની તકો ઊભી થઈ છે.  છેલ્લા 23 વર્ષોમાં પાટણની રાણકી વાવ, ધોળાવીરા, અમદાવાદ શહેર અને ચાંપાનેરનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સમાવેશ થયો છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા કચ્છનું ધોરડો ગામ બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કરવામાં આવ્યું છે. યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું.

જૂનાગઢમાં ગિરનાર ખાતે એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી શ્રદ્ધાળુઓ માટે, ખાસ કરીને મોટી ઉંમરના વડીલો માટે માતાજીના દર્શન સુલભ બન્યા છે. ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે 51 શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે. આદ્યશક્તિ ધામના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને હવે એક જ સ્થળે એક સાથે તમામ 51 શક્તિપીઠના દર્શનનો લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે. પાવાગઢ ખાતે મા કાલિકા માતાના નવનિર્મિત મંદિર પર 500 વર્ષ બાદ સુવર્ણ શિખર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રને કાંઠે આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે પ્રવાસીઓ માટે સુવિધાયુક્ત સરકીટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રસાદ યોજના અંતર્ગત સોમનાથ ધામમાં યાત્રીઓની સુવિધાઓ માટે અનેક વિકાસના કામો થઇ રહ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.