ઓલપાડ તાલુકાના બરબોધન ગામે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત રૂ.2.64 કરોડ ખર્ચે મંજૂર થયેલ CCTV કેમેરા, પબ્લિક એનાઉસમેન્ટ સિસ્ટમ તેમજ સ્ટ્રીટ લાઈટ સહિતના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રીએ બરબોધન ગામમાં સુડા દ્વારા રૂ. 1 કરોડના ખર્ચે 4 કિ.મી.ના સ્ટ્રીટ લાઈટ પોલના કામનું ખાતમુહૂર્ત તેમજ સ્વભંડોળમાંથી રૂ.૧૩ લાખના ખર્ચે કેમેરા અને પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ, સાંસદની રૂ. 5 લાખની ગ્રાન્ટમાંથી નવનિર્મિત હળપતિ સમાજ ભવન, તેમજ સુવિદ્યાપથનું લોકાર્પણ કર્યું હતું.

03 16

આ પ્રસંગે વનમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2001 થી 2024 સુધીના કાર્યકાળમાં ગુજરાતને દરેક સેક્ટરમાં વિકાસ અગ્રેસર બનાવ્યું છે. જે સંદર્ભે વિકાસ સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણી થઈ રહી છે. ચોમેર વિકાસના કારણે ગુજરાત દેશનું વિકાસનું રોલ મોડેલ બન્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અમલી બનાવીને ૪ કરોડ લોકોના ઘરના ઘરનું સપનું પૂર્ણ કર્યું છે. ઓલપાડ તાલુકામાં જરૂરિયાતમંદોને 15 હજારથી વધુ આવાસની ફાળવણી કરવામાં આવી છે. સરકારની દરેક વિકાસલક્ષી યોજનાઓના લાભ જન જન સુધી પહોંચે એ માટે સહિયારા પ્રયાસો કરવા પર તેમણે ભાર મૂક્યો હતો.

02 22

વધુમાં મંત્રીએ બરબોધન ગામમાં ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરા સિસ્ટમથી ગામની સુરક્ષા પણ વધશે એમ જણાવી ઉમેર્યું હતું કે, કિસાન સન્માન યોજના હેઠળ ખેડૂતોને તેના બેન્ક એકાઉન્ટમાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે, આ સુવિધાએ લાખો કિસાનોને ઉન્નત ખેતી તરફ વાળ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે આયુષ્માન ભારત યોજના અમલી બનાવી જન જનના આરોગ્યની દરકાર લીધી છે. નીતિ આયોગના રિપોર્ટ મુજબ 2040માં પાણી માટે મુશ્કેલી ઊભી થશે તેવું અનુમાન છે.

04 11

ત્યારે જળ સમસ્યાના નિરાકરણ માટે જળસંચયને જનઆંદોલન બનાવી ‘કેચ ધ રેઈન’ અભિયાન થકી વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાનું સરકારે દેશવ્યાપી આયોજન કર્યું છે. જેમાં સૌના સહયોગની અપીલ તેમણે કરી હતી. મંત્રીશ્રીએ વિકાસલક્ષી પુસ્તકનું વિમોચન કરી સખી મંડળની બહેનો સાથે સંવાદ કર્યો હતો અને સ્વસહાય જૂથો થકી કરેલી પ્રગતિની વિગતો જાણી હતી. મંત્રી અને મહાનુભાવોએ ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષ વાવીને પ્રકૃતિ જતનનો સંદેશો પાઠવ્યો હતો. આ પ્રસંગે તા.પં.ઉપપ્રમુખ કિરણ પટેલ, સરપંચ દિશાંત પટેલ, અગ્રણી કિશન પટેલ, બ્રિજેશ પટેલ, મોનાબેન, તાલુકાના સરપંચો, ગ્રામ પંચાયત સભ્યો, સંગઠનના હોદ્દેદારો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.