• રેલ્વે સ્ટેશન પાસે ફૂટપાથની પાળી પર બેસવા મામલે કરણ ઠાકોરને છરીના ઘા ઝીંકી રહેંસી નાંખ્યો

’મે મર્ડર કર્યું છે’… પોલીસ કંટ્રોલ રૂમમાં અજાણ્યા નંબર પરથી આવેલા ફોન કોલએ પોલીસને દોડતી કરી દીધી હતી. અજાણ્યા શખ્સે હત્યા અંગે જણાવ્યા બાદ તાત્કાલિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ ખરાઈ કરતા સમગ્ર વાત હકીકત નીકળી હતી.

રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. રેલ્વે સ્ટેશન પાસે ફૂટપાથની પાળી પર બેસવા મામલે યુવાનને મિત્રએજ છરીના આડેધડ ઘા ઝીંકી રહેંસી નાંખી હત્યા નિપજાવતા ખળભળાટ મચી ગયો હતો. પ્ર. નગર પોલીસે ફરિયાદી બની આરોપીને ગણતરીની કલાકોમાં દબોચી કાર્યવાહી કરી હતી.

મામલામાં પ્ર. નગર પોલીસ મથકના કોન્સ્ટેબલ કનુભાઈ ઘેડે નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પ્રવિણ રમેશ વાઘેલા નામના શખ્સનું નામ આપતાં પ્ર. નગર પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લાં બે વર્ષથી પ્ર. નગર પોલીસ મથકમાં ફરજ બજાવે છે અને હાલ તે જંક્શન ચોકીમાં રાઇટર તરીકે કામ કરે છે. ગઈકાલે તેઓ જંક્શન ચોકીમાં ફરજ પર હતાં ત્યારે એક વાગ્યાની આસપાસ કોઈ રાહદારીએ તેમને જાણ કરેલ કે, રાજકોટ રેલ્વે સ્ટેશન સામે આશાપુરા હોટલ સામે ફુટપાથ ઉપર બે વ્યક્તિઓ એ ઝઘડો કરેલ છે અને એક વ્યક્તિ લોહી લુહાણ ઇજાગ્રસ્ત હાલતમાં પડેલ છે.

જેથી તેઓ તાત્કાલીક ત્યાં દોડી જઈ ઇજાગ્રસ્ત વ્યક્તિને 108 મારફતે સિવિલ હોસ્પીટલના સારવારમાં ખસેડેલ હતો.બાદમાં તેઓએ બનાવ વાળી જગ્યાની સામે આવેલ આશાપુરા હોટલ પર કામ કરતા વિરેન્દ્રસિંહ જાડેજાને બનાવ બાબતે પુછતાં તેમને જણાવેલ કે, કરણભાઈ અને પ્રવિણભાઈ વચ્ચે અમારી હોટલની સામે ઝઘડો થયેલ હતો અને કરણભાઈને પ્રવીણે છરીના તિક્ષ્ણ ઘા મારી દિધેલ છે.

બાદમાં આરોપી પ્રવીણ રેલવે સ્ટેશનના કમ્પાઉન્ડની અંદર દોડીને ભાગી ગયેલ હતો. બાદમાં આરોપી પ્રવીણ બનાવ સ્થળથી આગળ આવેલ જયહિંદ હોટલમાં કામ કરતો હોય જેથી તેઓ તાત્કાલિક જયહિંદ હોટલમાં ગયેલ અને હોટલના માલીક યુનુસભાઈએ જણાવેલ કે, પ્રવિણ વાઘેલા અહીં કામ કરે છે અને મારા મકાનમાં રહે છે અને તેમણે આરોપીના મોબાઈલ નંબર આપેલ હતા.

બાદમાં ત્યાથી આરોપીની તપાસમાં રેલવે સ્ટેશન પાછળના વિસ્તારમાં હતો ત્યાં પીસીઆર સાથે પ્ર.નગરના કર્મચારી રમાબેન મળેલ અને તેમણે કહેલ કે, મને રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાંથી કોલ આવેલ અને ક્ધટ્રોલ રૂમમાં પ્રવીણે કોલ કરીને કહેલ કે, મે મર્ડર કરેલ છે અને પોલીસ મોકલો, જેથી અમે પણ તપાસમાં આવ્યાં છીએ, ત્યારબાદ સીવીલ હોસ્પિટલ પર જતા જાણવા મળેલ કે, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ કરણભાઇ શિવજીભાઇ ઠાકોરનું ટૂંકી સારવારમાં મોત નિપજેલ છે. મારામારીના બનાવમાં આરોપી પ્રવીણને પણ ઈજા થયેલ હતી.

બનાવ અંગે વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું, કે, મૃતક ભંગાર વિણવાનું કામ કરતો તેમજ બનાવ સ્થળે જ આવેલ ફૂટપાથ પર જ પરીવાર સાથે રહેતો હતો. આરોપી તેનો મિત્ર હોય જે પણ અવારનવાર ત્યાં ફૂટપાથ પર બેસવા આવ્યો હોય અને આરોપીએ ફૂટપાથની પાળીની જગ્યા ખાલી કરવાનું મૃતકની કહીં તેને ત્યાં બેસવું છે તેમ કહેતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં આરોપીએ છરીના ઘા ઝીંકી નાસી છૂટ્યો હતો. પ્ર. નગર પોલીસે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડ્યો હતો. મૃતકને સંતાનમાં પોણા બે વર્ષની પુત્રી છે. જેમને પિતાની છત્રછ્યા ગુમાવતાં પરીવારમાં શોક છવાયો હતો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.