• વિકાસ સપ્તાહ : ગુજરાતને દેશની આર્થિક મહાસત્તા બનાવવામાં “વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ”ની ભૂમિકા પાયારૂપ
  • VGGSના 10 સંસ્કરણોમાં કુલ મળીને ગુજરાતમાં રૂ. 103.37 લાખ કરોડથી વધુના સૂચિત રોકાણ સાથે બે લાખથી વધુ MoU થયા
  • વર્ષ 2003માં માત્ર પાંચ સહભાગી સંસ્થા સાથે શરૂ થયેલી VGGSના ૧૦માં સંસ્કરણમાં ૩૫ દેશ અને 16 પ્રતિષ્ઠિત સંસ્થાઓ સહભાગી થઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના 23 વર્ષ પૂર્ણ થયા છે. આ 23 વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સંકલ્પ-સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જેની વિકાસગાથા જન જનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં તા. 7 થી 15 ઓક્ટોબર દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવાઈ રહ્યો છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાજ્યમાં શરૂ થયેલી “વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ” વગર ગુજરાતની વિકાસ યાત્રા અને વિકાસ સપ્તાહની ઉજવણી – બન્ને અધૂરી છે.

ગુજરાતને દેશની આર્થિક મહાસત્તા બનાવવાના માટે રોકાણકારોને આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ “વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ”ની પરિકલ્પના કરી હતી. કોર્પોરેટ લીડર્સ, વિવિધ ક્ષેત્રોના રોકાણકારો, થોટ લીડર્સ, પોલિસી અને ઓપિનિયન મેકર્સને એક મંચ પર લાવવા માટે ગુજરાતમાં પ્રથમવાર વર્ષ 2003માં “વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ”નું આયોજન કરવામાં આવ્યું હતુ.

ગુજરાતમાં અત્યાર સુધીમાં યોજાયેલા વાયબ્રન્ટ સમિટના કુલ 10 સંસ્કરણોને ભવ્ય સફળતા મળી છે. VGGSના આ દસ સંસ્કરણોમાં કુલ મળી ગુજરાતમાં આશરે રૂ. 103.37  લાખ કરોડથી વધુના સૂચિત રોકાણ સાથે બે લાખથી વધુ MoU કરવામાં આવ્યાં છે. VGGSના પરિણામે અનેક પ્રતિષ્ઠિત અને વૈશ્વિક ઉદ્યોગોએ ગુજરાતમાં રોકાણ કર્યું, જેના પરિણામે ગુજરાત આજે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે.

ગુજરાતમાં વર્ષ 2003માં માત્ર પાંચ સહભાગી સંસ્થા, 200 NRI અને 200 અગ્રણી મહાનુભાવો સાથે VGGSનું પ્રથમવાર આયોજન થયું હતું. જેમાં રૂ. 66,000 કરોડથી વધુના સૂચિત રોકાણ સાથે 80 MoU સંપન્ન થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વાવેલું આ બીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે. તાજેતરમાં જ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ યોજાયેલા VGGSના 10 માં સંસ્કરણમાં 35 દેશ અને 16 પ્રતિષ્ઠિત સંસ્થાઓ સહભાગી થયા હતા.

આટલું જ નહીં, લગભગ ૧૪૦થી વધુ દેશ અને 61,000થી વધુ દેશ-વિદેશના પ્રતિનિધિઓ VGGSના ૧૦માં સંસ્કરણમાં જોડાયા હતા. 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ફેબ્રુઆરી-2019 થી જાન્યુઆરી-2024 સુધીમાં ગુજરાતમાં આશરે રૂ. 47.51 લાખ કરોડથી વધુના સૂચિત રોકાણ માટે 98,900 થી વધુ MoU કરવામાં આવ્યા છે. પરિણામે સર્વસમાવેશક વૃદ્ધિ અને ટકાઉ વિકાસ માટે જરૂરી બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ માટે VGGS સૌથી પ્રતિષ્ઠિત ફોરમ તરીકે પ્રસ્થાપિત થઈ છે.

વર્ષ 2003 માં VGGSને મળેલી અદભૂત સફળતા બાદ વાયબ્રન્ટ સમિટના પ્રત્યેક સંસ્કરણને પ્રદર્શકો અને સહભાગીઓ તરફથી અસાધારણ પ્રતિસાદ મળ્યો હતો. આશરે ૩૬ પ્રદર્શકો સાથે યોજાયેલા પ્રથમ સંસ્કરણ બાદ અત્યારે VGGSમાં 2,000થી વધુ પ્રદર્ષકો દ્રારા પ્રદર્શન યોજવામાં આવે છે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પરિણામે વર્ષ 2002-03 થી 2022-23 દરમિયાન ગુજરાતનો CAGR એટલે કે, સંયોજિત વાર્ષિક વૃદ્ધિ દર 15% પહોંચ્યો છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધારે છે. સાથે જ GSDP એટલે કે, ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટની દ્રષ્ટિએ પણ ગુજરાત સાતત્યપૂર્ણ રીતે દેશમાં સૌથી ઝડપથી વિકસતા રાજ્યો પૈકીનું એક છે. ગુજરાતનો બેરોજગારી દર પણ માત્ર ૨.૨% જ છે. VGGSના પરિણામે જ ગુજરાત ઔધોગિક ક્ષેત્રે સૌથી તેજ ગતિએ વિકાસ કરતું રાજ્ય બન્યું છે.

આટલું જ નહીં, VGGS ના પરિણામે જ ગુજરાતમાં સુઝુકી, હોન્ડા, હિટાચી, ટોયોટા, બોમ્બાર્ડિયર, બેંક ઓફ અમેરિકા, DBS, એબોટ, અકઝોનોબેલ, BASF, સોંગવોન, યુનિલીવર, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, બેયર્સડોર્ફ, આર્સેલર મિત્તલ, POSCO, શેલ, વેસ્ટાસ, વોપાક જેવા પ્રતિષ્ઠીત ઉદ્યોગો તરફથી દેશમાં સૌથી વધુ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) પ્રાપ્ત થયું છે. રાજ્યમાં 100 થી વધુ ફોર્ચ્યુંન અને 500 વૈશ્વિક કંપનીઓ સહિત વિશ્વની અનેક મોટી મલ્ટિનેશનલ કંપનીઓ આવેલી છે.

ગુજરાતના વેગવંતા વિકાસ માટે સમયથી આગળનું વિચારીને દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનના નિર્ણયથી આજે ગુજરાત વૈશ્વિક વ્યાપારી સમુદાય સમક્ષ એક મજબૂત અને સશક્ત રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયુ છે. સાથે જ ગુજરાત અન્ય રાજ્યો માટે પણ રોલ મોડલ પૂરવાર થયુ છે. એ જ તર્જ પર આજે અનેક રાજ્યોમાં પણ ઇન્વેસ્ટર્સ સમિટ યોજાઈ રહી છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.