Vadodara : નવરાત્રિના બીજા નોરતે વડોદરાના ભાયલીમાં બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાએ સમગ્ર ગુજરાતને ઝંઝોડી નાંખ્યુ હતું. ત્યારે પોલીસ પણ આ મામલે કડક પગલાં લઈ રહી છે અને ચાર્જશીટ માટે પુરાવા એકત્રિત કરી રહી છે. તેમજ પોલીસને 14 ઓક્ટોબર સુધી આરોપીઓના રિમાન્ડ મળ્યા છે. જો કે, ગુજરાત પોલીસ માટે આ કામ અઘરૂ બનતું જઈ રહ્યું છે. કારણ કે હાલ આરોપી દ્વારા જે કબૂલાત કરવામાં આવી તેમાં તેઓ એકબીજાના માથે દોષનો ટોપલો ઢોળી પોતે છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં આરોપીના મોઢે સાચું ઓકાવું એ પોલીસ માટે એક મોટો પડકાર બની રહ્યો છે.
આરોપીઓનું કબૂલનામું
પોલીસની સામે આરોપી શાહરૂખે સમગ્ર દોષનો ટોપલો આરોપી મુન્નાના માથે ઢોળતા કહ્યું કે, મુન્નાએ સૌથી પહેલાં પીડિતા અને તેના મિત્રને ગાળો આપી હતી. ત્યારબાદ મુન્નાએ પીડિતા સાથે શારીરિક અડપલાં પણ કર્યાં ત્યારે પીડિતા સાથેનો છોકરો વચ્ચે પડ્યો તો મેં તેને ભગાડ્યો. તે સમયે મુન્નાએ પીડિતા અને છોકરા સાથે દાદાગીરી કરી અને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ અમે એક પછી એક દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ જ્યારે પીડિતાના મિત્રએ પ્રતિકાર કર્યો તો મુન્નો ત્યાંથી ભાગી ગયો હતો.
આરોપીઓનો પોલીસને ભટકાવવાનો પ્રયાસ
ભાયલી દુષ્કર્મ કેસમાં પકડાયેલા તમામ આરોપીઓ છે. જે પોલીસને વારંવાર ગોળ-ગોળ ફેરવી મુદ્દાને ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે પોલીસને હજુય પીડિતાનો મોબાઈલ મળ્યો નથી, જેને શોધવાનો પ્રયાસ હાથ ધરાયો છે. જો કે, તેમાં પણ આરોપીઓ પોલીસને ચકરાવે ચઢાવી રહ્યાં છે. તેમાં પહેલાં આરોપીએ કહ્યું હતું કે, તેમણે પીડિતાના ફોનને વિશ્વામિત્રી નદીના કોતરમાં ફેંક્યો છે, પરંતુ હવે આરોપી એવું કહે છે કે, મોબાઈલ નદીમાં ફેંક્યો છે અને સીમકાર્ડ છાણી વિસ્તારમાં ફેંક્યું છે. હવે પોલીસ સીમકાર્ડ શોધવા માટે આમ-તેમ ફરી રહી છે.
પોલીસની વધી મુશ્કેલી
પોલીસના પ્રશ્નોત્તરમાં પણ આરોપીઓ કંઈપણ બોલવા તૈયાર નથી. તેમજ પાંચેય આરોપીઓ એકબીજાના માથે દોષનો ટોપલો ઢોળી રહ્યાં છે. આ દરમિયાન નોંધનીય છે કે, પોલીસને 14 તારીખ સુધી આરોપીઓના રિમાન્ડ મળ્યા હતાં. હવે ફક્ત બે જ દિવસ બાકી છે અને આરોપીઓ કંઈપણ ખુલાસો કરવા તૈયાર નથી, ત્યારે પોલીસની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.
પીડિતા અને તેના મિત્રએ જણાવી સમગ્ર ઘટના
આ દરમિયાન પીડિતા અને તેના મિત્રએ પોલીસને સમગ્ર ઘટના જણાવી દીધી છે. જો કે, આરોપીઓ પીડિતાના ફોનને લઈને જે પ્રકારે ફોનને લઈને વારંવાર ગોળ-ગોળ વાતો કરી રહ્યાં છે તે મુજબ પોલીસ એકેય આરોપીના નિવેદન પર વિશ્વાસ કરી શકતી નથી. તેમાં 14 તારીખે રિમાન્ડ ખતમ થઈ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવાના છે અને ત્યાં સુધી આરોપીઓ બચે નહીં તેવી કડક ચાર્જશીટ પણ દાખલ કરવાની છે. તેમજ હવે ગુજરાત પોલીસ આ કેસને લઈને બે દિવસમાં સમગ્ર કોયડો ઉકેલી શકે છે કે નહીં તે જોવાનું રહ્યું.