વિકાસ સપ્તાહ: 2024

સામાન્ય નાગરિકોની ફરિયાદોનું મુખ્યમંત્રીની કક્ષાએથી નિવારણ લાવવા હરહંમેશ તેમનું ‘સ્વાગત’

• બે દાયકાથી ચાલતા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં અત્યાર સુધીમાં 99.20 ટકા રજૂઆતોનું સુખદ નિરાકરણ
• સાડા છ લાખથી વધુ સામાન્ય નાગરિકોનીની સમસ્યાઓનો હકારાત્મક ઉકેલ આવ્યો
• સંવેદના સાથે લોકપ્રશ્નોનું ત્વરિત નિવારણ લાવી રાજ્ય સરકાર બની પ્રજાની સેવક

ભારતના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સતત માર્ગદર્શન હેઠળ ગુજરાત છેલ્લા 23 વર્ષથી અવિરતપણે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પ્રજા કલ્યાણના કાર્યક્રમોને સુપેરે આગળ ધપાવી રહ્યાં છે. છેલ્લા 23 વર્ષમાં ગુજરાતને વિકાસ મોડેલ બનાવવા રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રજાલક્ષી નિર્ણયો, કાર્યક્રમો તથા યોજનાઓ અમલમાં મુકાઈ છે. આવી જ એક મહત્વની પહેલ એટલે સ્વાગત કાર્યક્રમ, જેના થકી ગુજરાતના સાડા છ લાખથી વધુ સામાન્ય નાગરિકોનીની વિવિધ સમસ્યાઓનો હકારાત્મક ઉકેલ આવ્યો છે. આવા જન ભાગીદારીના કાર્યક્રમોને ઉજાગર કરવા રાજ્ય સરકાર દ્વારા તા. 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

સામાન્ય નાગરીકનો આવાજ અને તેના પ્રશ્નો લોકશાહીને સાચી દિશા આપે છે, અને આ પ્રશ્નોને સાંભળીને તેનું સુયોગ્ય નિવારણ લાવવું તે સુશાસનની સાચી ઓળખ છે. નાગરિકોના કોઇપણ પ્રશ્નનું યોગ્ય સ્તરે નિરાકરણ ન આવે તો તે પ્રશ્ન ફરિયાદનું સ્વરૂપ લે છે. નાગરિકોના આવા વણ ઉકેલ્યા પ્રશ્નોના નિવારણ માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં ૨૪મી એપ્રિલ, 2003થી SWAGAT (સ્વાગત-સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી) કાર્યક્રમની શરૂઆત કરી હતી.

અરજદારોની રજૂઆતો સ્વાગત કાર્યક્રમમાં આવે છે. જે પૈકી મોટાભાગની રજૂઆતો અને ફરિયાદોનું સુખદ નિવારણ કરાઈ રહ્યું છે. સ્વાગત કાર્યક્રમ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં 6.71 લાખથી વધુ રજૂઆતો આવી છે, જેમાંથી 6.66 લાખથી વધુ એટલે કે 99.20 ટકા રજૂઆતોનું સુખદ નિરાકરણ કરવામાં આવ્યું છે. વિભાગ મુજબ વાત કરીએ તો મહેસૂલ વિભાગની 98.14 ટકા અરજીઓનું સુખદ નિરાકરણ કરાયું છે. જ્યારે ગૃહ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, પંચાયત, ગ્રામ વિકાસ વિભાગ તેમજ જળ સંપતિ, પાણી પૂરવઠા વિભાગની 100 ટકા અરજીઓનું હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું છે.

આમ, લોકોની ફરિયાદોને વાચા આપતા સ્વાગત કાર્યક્રમ થકી તેમના પડતર પ્રશ્નોનું નિવારણ આવી રહ્યું છે. સ્વાગત કાર્યક્રમ થકી આજે નાનામાં નાનો અને છેવાડાનો માણસ પણ સીધો મુખ્યમંત્રીશ્રીને મળીને પોતાના પ્રશ્નોની રજૂઆત કરતો થયો છે. આ સ્વાગત કાર્યક્રમને બે દાયકા પૂર્ણ થયા છે. સામાન્ય નાગરિકોને સ્પર્શતા પ્રશ્નોમાં નીતિ વિષયક સુધારાઓની જરૂર હોય ત્યારે સ્વાગતના પ્રશ્નોના આધારે સરકારે જરૂરી નીતિ વિષયક ફેરફાર પણ કર્યા છે.

કોઈપણ જનહિતલક્ષી કાર્યક્રમ કે યોજનાને સફળ બનાવવા અને લાંબો સમય ચલાવવા માટે એક ચોક્કસ વિચારધારાની જરૂર હોય છે. આજના ડીજીટલ યુગમાં જન પ્રશ્નોના નિવારણ માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી માત્ર રજૂઆત નહિ, પણ અરજદાર અને સંબંધિત વિભાગ કે અધિકારી વચ્ચે દ્વિપક્ષીય સંવાદની તક આપવાની વિચારધારાથી દેશ-વિદેશમાં ગુજરાત સરકારને નામના મળી છે. ગ્રામ્ય વિસ્તારની ફરિયાદોના નિવારણ માટે અરજદારોએ રાજ્યના મુખ્યમથકની મુલાકાત ન લેવી પડે તે માટે વહીવટી વ્યવસ્થાના વિવિધ સ્તરે તંત્રને જવાબદારી સોંપીને સ્થળ પર જ પ્રશ્નોનું નિવારણ લાવવા વર્ષ 2008 માં તાલુકા સ્વાગત અને વર્ષ 2011માં ગ્રામ સ્વાગતની પણ શરૂઆત કરવામાં આવી.

SWAGAT કાર્યક્રમની શરૂઆત થઇ તે પહેલા ગુજરાતમાં જન ફરિયાદોના નિવારણ માટેની મોનીટરીંગ કે ફોલો-અપ માટેની વ્યવસ્થિત સિસ્ટમનો અભાવ હતો. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ માટે પણ લોકોની રોજિંદી સમસ્યાઓના નિરાકરણ માટે રોજ-બરોજ તેમને મળવું મુશ્કેલ હતું. અરજદારની રજૂઆત અંગે સંબંધિત વિભાગ કે અધિકારી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે પણ રાજ્ય સ્તરેથી ચકાસવું મુશ્કેલ હોઈ, તેના પરિણામે અનેક પ્રશ્નો ઉદભવતા હતા. આ તમામ પ્રશ્નોના ઉકેલ માટે અને જન ફરિયાદના પારદર્શક નિવારણ માટે વડાપ્રધાનના દ્રષ્ટિવંત આયોજનના પરિણામે રાજ્ય સરકારે સ્વાગત કાર્યક્રમનું સુગ્રથીત માળખું વિકસાવ્યું હતું.

સ્વાગત કાર્યક્રમ અને રાજ્ય સરકારના માનવીય અભિગમથી અનેક અરજદારોના વર્ષો જૂના અને ગંભીર પ્રશ્નોનો સુયોગ્ય ઉકેલ આવ્યો છે. જ્યારે કોઈ વ્હાલસોઈ દીકરી અચાનક ગુમ થઇ જાય ત્યારે તેના માતા-પિતાની વ્યથાનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. આવી જુવાનજોધ દીકરીને ફોસલાવીને તેની કોલેજની હોસ્ટેલમાંથી એક હિસ્ટ્રીશીટર ભગાડી ગયો હોવાની જાણ કરી, દીકરી જોખમમાં હોઈ તેને તુરંત શોધી આપવા નડિયાદના એક પિતા દ્વારા સ્વાગતમાં રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પિતાની વેદનાને રૂબરૂ સાંભળી અમદાવાદ પોલીસ કમિશનર અને ખેડા જિલ્લાના પોલીસ વડાને સઘન તપાસ કરી આ દીકરીને ઝડપી ઘરે પહોંચાડવા સૂચનાઓ આપી હતી. જેના પગલે માત્ર બે થી ત્રણ દિવસમાં જ શોધીને તેને સુરક્ષિત તેના ઘર સુધી પહોંચાડી હતી.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.