જામનગરમાં ગઈકાલે વીજ બિલના પ્રશ્ન મહિલા કોર્પોરેટરે પીજીવીસીએલની કચેરીમાં હંગામા મચાવ્યો હતો. દિવસ દરમિયાન આ મામલો સમગ્ર શહેરમાં ગુંજ્યો હતો. વીજતંત્રની ઓફિસે મોટો હોબાળો મચી ગયા બાદ વીજતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને ઈજનેરો પોલીસમથકે દોડી ગયા હતાં.જ્યાં કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. ઉપરાંત આ ફરિયાદમાં એટ્રોસિટીની કલમો પણ દાખલ કરવામાં આવી છે, સમગ્ર ફરિયાદની તપાસ DYSPના માર્ગદર્શન મુજબ થશે.
ત્યારે બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલની માંથકુટ બાદ જામનગર વીજતંત્રના નાયબ ઈજનેર અજય કરશનભાઈ પરમાર (40, રહેવાસી નાઘેડીગામ રોડ, જામનગર) એ કોર્પોરેટર રચના નંદાણીયાએ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કોર્પોરેટર રચનાબેન મીડિયાકર્મીઓ તથા પોતાની સાથેના કિશન નામના શખ્સને સાથે લઈ, પોતાના હાથમાં લાકડી લઈ ઘસી આવ્યા હતા. ફરિયાદી અધિકારી અનુસૂચિત જાતિના હોવાનું જાણતા હોવા છતાં, કચેરીની અંદર ફરિયાદીની ચેમ્બરમાં પ્રવેશ કરી, ફરિયાદી તથા ફરિયાદી સાથે કામ કરતાં કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યું હતું, વધુમાં વીજ કર્મી સામે સામે લાકડી ઉગામી, માર મારવાની ધમકી આપી ફરિયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી.
વધુમાં ફરિયાદી અધિકારીનો મોબાઈલ ઝૂંટવી ફરિયાદીના મોબાઈલનો ઘા કરી મોબાઈલમાં નુકસાન પહોંચાડયું અને પોલીસમાં કોઈ ફરિયાદ કરશો તો હું તમને જોઈ લઈશ એવી ગર્ભિત ધમકી આપી હતી. વીજતંત્ર દ્વારા સ્માર્ટ વીજમીટર લગાડી વધારે બિલો આપવામાં આવે છે એમ કહી ફરિયાદીના સરકારી વિભાગ વિરુદ્ધ ઉશ્કેરણી કરી, પોતે આપઘાત કરી લેશે એવી ધમકી આપી તથા ફરિયાદી અને ફરિયાદીની સાથે કામ કરતાં કર્મચારીઓને કાયદેસરની ફરજો બજાવતા અટકાવી ગુનાહિત બળનો ઉપયોગ કરી, ગુનો આચર્યો છે એમ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે BNSની કલમ- 192, 353(1), 224, 226, 132, 351(2), 324(2), 221, 309 (4) તથા એટ્રોસિટી 3 (1)(R), 3(2)(5), 3(2) (5a) મુજબ ગુન્હો દાખલ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.