• પશ્ર્ચિમ દિલ્લીના રમેશનગરમાંથી રૂ.2080 કરોડની કિંમતનો વધુ 208 કિલો કોકેઈન કબ્જે કરતી ક્રાઇમ બ્રાન્ચ
  • ડ્રગ્સ રેકેટના માસ્ટર માઈન્ડ વિરેન્દ્ર બસોયા વિરૂધ્ધ લુકઆઉટ નોટિસ જાહેર

ગુરૂવારે ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ દિલ્હીના રમેશ નગર વિસ્તારમાં ભાડાની દુકાનમાંથી વધુ 208 કિલો કોકેઈન જપ્ત કર્યું છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2,080 કરોડ રૂપિયા છે. ઉલ્લેખનીય બાબત છે કે, ફક્ત આઠ દિવસના સમયગાળામાં દિલ્લીમાંથી કુલ 7600 કરોડની કિંમતનો કોકેઈનનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગુરૂવારે ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ દિલ્હીના રમેશ નગર વિસ્તારમાં ભાડાની દુકાનમાંથી 208 કિલો કોકેઈન જપ્ત કરી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 2,080 કરોડ રૂપિયા છે. આ ડ્રગ્સ નાસ્તાના 20-25 પેકેટમાં છુપાવવામાં આવી હતી. આ પેકેટો પર ’ટેસ્ટી ટ્રીટ’ અને ’સ્પાઈસી મિક્સચર’ લખેલું હતું. તે યુનાઇટેડ કિંગડમમાં રહેતા વ્યક્તિએ અહીં મૂક્યું હતું. પોલીસના દરોડા પહેલા તે ભાગી ગયો હતો. કપડાના વ્યવસાય માટે તેણે થોડા દિવસ પહેલા દુકાન ભાડે લીધી હતી. દુકાન માલિક સહિત બે લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

8 દિવસ પહેલાં દિલ્હી પોલીસે મહિપાલપુર વિસ્તારમાં દરોડા પાડીને આ સિન્ડિકેટ સાથે જોડાયેલા 5600 કરોડ રૂપિયાનું કોકેન જપ્ત કર્યું હતું. આ દરોડા દરમિયાન રમેશનગરમાં ડ્રગ્સ છુપાયેલું હોવાની માહિતી પોલીસને મળી હતી. અત્યાર સુધીમાં બંને દરોડામાં એકસાથે 7600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જેમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઈન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટનો માસ્ટર માઈન્ડ દુબઈમાં છે. તે ત્યાંથી ગેંગ ચલાવે છે.

દુબઈથી કાર્યરત આ સિન્ડિકેટના માસ્ટરમાઇન્ડની ઓળખ વીરેન્દ્ર બસોયા તરીકે થઈ છે. દુબઈમાં તેના ઘણા બિઝનેસ છે. પોલીસે બસોયા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે.

2 ઓક્ટોબરે દરોડા દરમિયાન ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી અમૃતસર અને ચેન્નઈથી વધુ 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી ગુરુવારે જ યુપીના હાપુડમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. 7 પકડાયેલા લોકોમાં તુષાર ગોયલ અને જીતેન્દ્ર ગિલ નામના બે લોકોનો પણ સમાવેશ થાય છે, જેઓ ભારતમાં આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનું રેકેટ ચલાવતા હતા.

પોલીસે જણાવ્યું કે આ સિન્ડિકેટ સાથે સંકળાયેલા મોટાભાગના સભ્યો એકબીજાને ઓળખતા નથી. તેઓ સોશિયલ મીડિયા દ્વારા સંકલન કરતા હતા. સંદેશાવ્યવહાર માટે, દરેક સભ્યને એક કોડ નામ આપવામાં આવ્યું હતું.આ સિવાય પોલીસને શંકા છે કે આ ડ્રગ્સ દક્ષિણ અમેરિકાના દેશોમાંથી દરિયાઈ માર્ગે ગોવા લાવવામાં આવ્યું હતું. આ પછી તેને દિલ્હી લાવવામાં આવ્યો.

 

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.