રાજ્યવ્યાપી કુલ 07 જળ અભિયાન થકી ગુજરાતમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં 1,19,144 લાખ ઘનફૂટથી વધુનો નોંધપાત્ર વધારો થયો

આ અભિયાન અંતર્ગત 98 હજાર કામોથી 1કરોડ 92 લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થઈ

સફળ અભિયાનના પરિણામે વર્ષ 2020 માં પ્લેટિનિયમ તથા વર્ષ 2021માં ગોલ્ડન કેટેગરીમાં સ્કોચ એવોર્ડ રાજ્યને એનાયત

‘વિકસિત ભારત’ની સંકલ્પના સાકાર કરવા પાણીના એક એક ટીપાનો સિંચાઈ અને પીવા માટે ઉપયોગ કરવો પડશે તે વર્તમાન સમયની માંગ છે. વર્ષો પહેલા તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી રાજ્યના ખેડૂતોને પાણીના એક-એક ટીપાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા આહ્વાન કર્યું. સાથે જળવ્યવસ્થાપનનું કાર્ય પણ શરૂ કર્યુ. વડાપ્રધાનના ચીંધેલા માર્ગે ગુજરાતે આજે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન’ થકી જળસંચય, જળસિંચન અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે સમગ્ર દેશને નવી દિશા આપી છે. ‘વિકસિત ભારત સપ્તાહ’ની ઉજવણી ચાલી રહી છે ત્યારે પાણી ક્ષેત્રે ગુજરાતનું વધુ વિકસિત કરવા રાજ્યમાં મોટાં અને નાનાં જળાશયોમાં શક્ય તેટલું વધુ વરસાદી પાણી સંગ્રહિત કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર છેલ્લા 7 વર્ષથી ‘સુજલામ્ સુફલામ્ જળ અભિયાન’ ચલાવી રહી છે. પરિણામ એ છે કે, અત્યાર સુધીની તમામ સાત આવૃત્તિઓને જોડીને ગુજરાતમાં જળ સંગ્રહ ક્ષમતામાં નોંધપાત્ર 1,19,144 લાખ ઘનફૂટથી વધુનો વધારો થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં જણાવાયું છે.

જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા તથા રાજ્ય મંત્રી મુકેશ પટેલના સફળ માર્ગદર્શનમાં વર્ષ 2024માં સાતમા સુજલામ્ સુફલામ્ જળ અભિયાન થકી રાજ્યમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો થયો છે. આ વર્ષે આયોજિત જળ અભિયાન હેઠળ ઉત્તર ગુજરાતમાં 2831 લાખ ઘનફૂટ, મધ્ય ગુજરાતમાં 4946 લાખ ઘનફૂટ, દક્ષિણ ગુજરાતમાં 1046 લાખ ઘનફૂટ અને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં 2700 લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ વર્ષે પણ સુજલામ્ સુફલામ્ જળ અભિયાનને (SSJA) જ્વલંત સફળતા મળી છે. SSJA હેઠળ 9,374 કામો ચલાવવામાં આવ્યા છે, જેમાંથી 4 હજારથી વધુ કામો લોકભાગીદારી હેઠળ છે, 1,900 થી વધુ મનરેગા હેઠળ છે અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા 3,300 થી વધુ કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે. આ સમયગાળા દરમિયાન, 7.23 લાખ માનવ-દિવસ પણ ઉત્પન્ન થયા છે અને આ વર્ષે રાજ્યની જળસંગ્રહ ક્ષમતામાં 11,523 લાખ ઘનફૂટનો વધારો થશે.

આ અભિયાનથી જળસંગ્રહ ક્ષેત્રે ગુજરાતના બદલાયેલા પરિદૃશ્ય વિશે વાત કરીએ તો અગાઉના છેલ્લાં 6 વર્ષમાં જળ અભિયાનના માધ્યમથી 1,07,000 લાખ ઘન ફૂટ જેટલી જળસંગ્રહ ક્ષમતા વધી છે. સુજલામ્ સુફલામ્ જળ અભિયાન સાથે મનરેગા યોજનાને જોડીને જળસંગ્રહ ક્ષમતા વધારવા સાથે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીનું પણ સર્જન થયું છે. આ અંતર્ગત થયેલાં 98 હજાર કામોથી 1 કરોડ 92 લાખ માનવદિનની રોજગારી ઉત્પન્ન થઈ છે.

આ વર્ષે અભિયાન અંતર્ગત સૌથી વધુ કામગીરી કરવામાં ટોચના પાંચ જિલ્લામાં દાહોદમાં સૌથી વધુ 1,254 કામો, ગીર સોમનાથમાં 848 કામો, આણંદમાં 679 કામો, મહિસાગરમાં 648 કામો અને અરવલ્લી જિલ્લામાં 617 કામો થયાં છે. રાજ્યમાં હાલની નાની નદીઓ, તળાવો, ચેકડેમ જેવા વિવિધ પ્રકારનાં જળાશયોની સફાઈ અને સમારકામની સાથે સમગ્ર રાજ્યના 815 કિ.મી. લાંબી નહેરો અને 1,755 કિ.મી. કાંસની પણ સફાઈ કરવામાં આવી છે. જે અન્વયે વર્ષ 2020 માં આ અભિયાનને પ્લેટિનિયમ કેટેગરીમાં તથા વર્ષ 2021 માં ગોલ્ડન કેટેગરીમાં સ્કોચ એવોર્ડ મળ્યો છે.

જળ અભિયાનની ફળશ્રૃતિ સ્વરૂપે ગુજરાતમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચાં આવ્યાં છે. આ સાથે વૃક્ષારોપણ અભિયાનના પરિણામે પર્યાવરણમાં પરિવર્તન આવી રહ્યું છે આમ, રાજ્ય સરકાર તેમજ જનસહયોગના માધ્યમથી વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના લાંબા સમયના લક્ષ્યને હાંસલ કરવામાં નોંધપાત્ર કામગીરી થઇ રહી છે. નોંધનીય છે કે, સિંચાઈના પાણીની ઉપલબ્ધતા વધતા કૃષિ પ્રવૃત્તિને ઉત્તેજન મળ્યું છે. જેના પરિણામે ખેતપેદાશમાં વધારો થયો છે. ગુજરાત સરકારની કૃષિ ક્ષેત્રની અનેક પ્રોત્સાહક યોજનાઓના પરિણામે ખેડૂત-પશુપાલકોની આવક વધતાં સમૃદ્ધિ આવી છે. કૃષિ ક્ષેત્ર સમૃદ્ધ થતાં રોજગારી પણ વધી છે. કૃષિ સંબંધિત ઓજારો, ખાતર, પશુપાલનની પ્રવૃત્તિને પણ વેગ મળતાં રોજગારી વધી છે.

ગુજરાત સરકારની જળ સંચયની આ વિશેષ પહેલમાં જળ સંપત્તિ-પાણી પુરવઠા, વન અને પર્યાવરણ, શહેરી વિકાસ અને મહાનગરપાલિકા, નર્મદા નિગમ અને ગ્રામીણ વિકાસ જેવા વિભાગોના સંકલનની સાથે સ્થાનિક સ્તરે નાગરીકો ભાગીદારી ખુબજ પ્રશંસનીય રહી છે તેમ, વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.