Surat : માંગરોળમાં થયેલા સામૂહિક દુષ્કર્મના કેસમાં 3 ફરાર આરોપીઓમાંથી 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. જેમાંથી એક આરોપીનું આજે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. તેમજ દુષ્કર્મ કેસના બન્ને આરોપી મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને ફોરેન્સીક મેડિકલ ચેક અપ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી આરોપી શિવ શંકરનું મોત થયું છે.

કેવી રીતે થયું આરોપીનું મોત?

મળતી માહિતી મુજબ આરોપી શિવ શંકરને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, તેથી તેના તાત્કાલિક નવી સિવિલમાં વેન્ટિલેટર પર સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ થોડી સારવાર મેળ્યા બાદ તેનું મોત થયું હતું. આ ઉપરાંત બપોરે 03:50 વાગ્યે નવી સિવિલના ડોક્ટરોએ શિવ શંકરને મૃત જાહેર કર્યો હતો.

શું છે માંગરોળનો સામુહિક બળાત્કાર કેસ?

સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે આઠમી ઓક્ટોબરે (મંગળવાર) મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાં ગામની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા.

આ રીતે પકડાયા હતા આરોપીઓ

બુધવારે માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ છૂપાયા હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ત્યારપછી આ જગ્યાએ પોલીસ પહોંચી તો ત્રણેય આરોપીએ પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં કોઈને ઈજા નથી થઈ. તેમજ પોલીસે મુન્ના પાસવાન અને શિવ શંકર ચૌરસિયા નામના બે આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક ફરાર થયો હતો. ત્યારે મળતી માહિતી મુજબ, ઝડપાયેલા આરોપીઓમાં એક ઉત્તર પ્રદેશ અને બીજો બિહારનો રહેવાસી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.