• શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 9 સ્થળે બ્રિજ  બનાવવા માટે એક સાથે ટેન્ડર પ્રસિદ્વ કરતું કોર્પોરેશન: ટ્રાફિકની સમસ્યાનો આવશે નિવેડો
  • શહેરની સતત વિકરાળ બની રહેલી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં રૂ.217.64 કરોડના ખર્ચે 9 બ્રિજ બનાવવા માટે છેલ્લા ત્રણ દિવસમાં ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યા છે. કટારિયા ચોકડીએ શહેરનો પ્રથમ સિગ્નેચર કેબલ બ્રિજ બનાવવા માટે પણ ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા વેસ્ટ ઝોન કચેરીના ઇન્ચાર્જ સિટી એન્જીનીંયર કુંતેશભાઇ મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસ દરમિયાન શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં અલગ-અલગ 9 સ્થળોએ બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યા છે. શહેરના વોર્ડ નં.11માં કટારિયા ચોકડી ખાતે રૂ.150 કરોડના ખર્ચે શહેરનો પ્રથમ સિગ્નેચર કેબલ બ્રિજ બનશે. ટેન્ડર મંજૂર થયા બાદ વર્ક ઓર્ડર આપ્યા પછી 30 મહિનાની સમય અવધિમાં આ બ્રિજનું નિર્માણ કામ પુરૂં થશે. થ્રી-લેયર બ્રિજમાં ગ્રાઉન્ડ ફ્લોર પર યુટર્ન લઇ કાલાવડ રોડ અને સેક્ધડ રિંગ રોડ તરફ જઇ શકાશે. આ ઉપરાંત અન્ડરબ્રિજમાંથી નવા સેક્ધડ રિંગ રોડ તરફ જઇ શકાશે. જ્યારે ઓવરબ્રિજ પરથી વાહન ચાલકો જલારામ ફૂડ કોર્ટથી કોસ્મોપ્લેક્સ તરફ જઇ શકશે. ફ્લાય ઓવરબ્રિજની લંબાઇ 800 મીટર અને પહોળાઇ 24 મીટરની રહેશે. જ્યારે સેન્ટ્રલ સ્પામ 160 મીટરનો રહેશે. ફ્લાય ઓવરબ્રિજ જલારામ ફૂડ કોર્ટથી શરૂ થશે અને કોસ્મોપ્લેક્સ પાસે પૂરો થશે. જ્યારે અન્ડરબ્રિજની લંબાઇ 600 મીટરની રહેશે અને પહોળાઇ 18 મીટરની રહેશે. અન્ડરબ્રિજ રંગોલી પાર્ક આવાસ યોજના પાસે હાલ જે હયાત નાલું છે ત્યાંથી શરૂ થશે અને 80 મીટર ટીપીના રોડ પર પૂરો થશે. શહેરના આ પ્રથમ સિગ્નેચર કેબલ બ્રિજ માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે કટારિયા ચોકડીએ સિગ્નેચર કેબલ બ્રિજની સાથે અન્ય આઠ સ્થળોએ હયાત નાલાને પહોળા કરવા કે બ્રિજ બનાવવા માટે ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવ્યા છે. જેમાં વોર્ડ નં.11માં રંગોલી પાર્ક નજીક રૂડાની આવાસ યોજના પાસે 18 મીટર અને 24 મીટર ટીપીના રોડ પર 7.20 કરોડના ખર્ચે બે બ્રિજ નિર્માણ પામશે. આ ઉપરાંત વોર્ડ નં.9માં સ્માર્ટ સિટીથી કટારિયા ચોકડી સુધીના વિસ્તારને જોડતા સેક્ધડ રિંગ રોડ પર અલગ-અલગ ત્રણ બ્રિજ રૂ.42.26 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. જ્યારે વોર્ડ નં.9માં જ મુંજકા પોલીસ ચોકીથી આગળ અને આર્સ વિદ્યા મંદિર પાસે રૂ.5.53 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે વોર્ડ નં.1માં રૈયા ગામથી સ્માર્ટ સિટીને જોડતા રોડ પર હયાત નાલાના સ્થાને રૂ.12.65 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે.

કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર એકસાથે 9 બ્રિજ માટેના ટેન્ડર ત્રણ દિવસમાં પ્રસિદ્વ કરવામાં આવ્યા છે. જે માત્ર વેસ્ટ ઝોનમાં જ બનશે. સ્માર્ટ સિટી સાથેનું કનેક્શન વધુ મજબૂત કરવા માટે બ્રિજ બનાવવાના નિર્ણય લેવામાં આવ્યા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. કટારિયા ચોકડી બ્રિજને અગાઉ આઇકોનિક બ્રિજ નામ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં આઇકોનિક બ્રિજ ભવિષ્યમાં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય કટારિયા ચોકડી બ્રિજને સિગ્નેચર કેબલ બ્રિજ નામ આપવામાં આવ્યું છે. એકસાથે 9 બ્રિજના કામ શરૂ થતાં ટ્રાફિકની સમસ્યા બે વર્ષ માટે વકરે તેવી પણ શક્યતા નકારી શકાતી નથી. પરંતુ આ બ્રિજનું નિર્માણ કામ પૂર્ણ થતા ન્યૂ રાજકોટ અને ખાસ કરીને સ્માર્ટ સિટીની શકલ ફરી જશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.