ગીર સોમનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી 23 વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરુ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા. 07 ઓકટોબર થી તા. 15 ઓકટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વિકાસ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે.
આ ઉજવણીના ભાગરુપે ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિત કલેક્ટર કચેરીના કર્મચારીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જિલ્લા સેવા સદન ખાતે ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મયોગીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વિકાસ સપ્તાહ અંતર્ગત 09 ઓક્ટોબર, 2024 ના રોજ તાલુકા કક્ષાની તમામ કચેરીઓ અને પેટા કચેરીઓ સાથે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે. તા.10, ઓક્ટોબર, 2024ના રોજ ગ્રામ્ય કક્ષાએ પણ ભારતના વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે.