- મત ગણતરી દરમિયાન હરિયાણામાં મોટો ઉલટફેર, બે તૃતિયાંશ બેઠકો સાથે કોંગ્રેસ સરકાર બનાવવા જઇ રહી હોવાના ટ્રેન્ડ બાદ અચાનક ભાજપની બેઠકો વધી જતાં ભારે આશ્ર્ચર્ય: જેપીપીના કારણે કોંગ્રેસને નુકશાન થયું હોવાની સંભાવના
- જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસના ગઠબંધનને સ્પષ્ટ બહુમતી: ભાજપ બીજા ક્રમે
હરિયાણા વિધાનસભાની ચૂંટણીની મત ગણતરીમાં આજે મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. એક તબક્કે 67 બેઠકો પર આગળ ચાલી રહેલી કોંગ્રેસ બે તૃતિયાંશ લીડ સાથે રાજ્યમાં સરકાર બનાવી રહી હોવાનો ટ્રેન્ડ દેખાતો હતો. અચાનક ભાજપની બેઠકો ધડાધડ વધવા લાગી હતી. જેપીપીના કારણે કોંગ્રેસને ખૂબ જ મોટું નુકશાન જવા પામ્યું છે. હાલના સમિકરણો મુજબ હરિયાણામાં ભાજપની હેટ્રીક નિશ્ર્ચિત જણાઇ રહી છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને એનસી ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળે તેવું હાલ દેખાઇ રહ્યું છે.
હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ અલગ-અલગ એજન્સીઓના એક્ઝીટ પોલમાં હરિયાણામાં ભાજપની હાર થઇ રહી હોવાના તારણો આપવામાં આવ્યા હતા. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ સરકાર બની રહી હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે સવારે 8:00 કલાકે મત ગણતરી શરૂ થઇ ત્યારથી જ હરિયાણામાં કોંગ્રેસે લીડ હાંસલ કરી લીધી હતી. એક તબક્કે હરિયાણા વિધાનસભાની 90માંથી 67 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો આગળ ચાલી રહ્યા હોય એવું લાગતું હતું કે 10 વર્ષ પછી હરિયાણામાં કોંગ્રેસની વાપસી થઇ રહી છે અને રાજ્યમાં બે તૃતિયાંશ બેઠકો જીતી સરકાર બનાવશે. પરંતુ અચાનક મત ગણતરી સમયે મોટો ઉલટફેર થયો હતો. જેપીપી જ્યાંથી ચૂંટણી લડી રહી છે ત્યાં કોંગ્રેસને મોટું નુકશાન થયું છે. નિશ્ર્ચિત સરકાર બનાવવા તરફ આગળ ધપી રહેલી કોંગ્રેસ અચાનક ભાજપથી પાછળ રહી ગઇ હતી. ચૂંટણી પંચના સત્તાવાર આંકડાઓ મુજબ હાલ હરિયાણા વિધાનસભાની 90 બેઠકો પૈકી 46 બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. વિવિધ ન્યૂઝ ચેનલો પર ભાજપને 50 જેટલી સીટો મળી રહી હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ટૂંકમાં હરિયાણામાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર બની રહી હોય તેવું હાલ દેખાઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબસિંહ સૈની જવાબદારી નિભાવી રહ્યા છે. તમામ એક્ઝીટ પોલ ખોટા સાબિત થયા છે. હાલ હરિયાણામાં ભાજપ 48 બેઠકો પર, કોંગ્રેસ 35 બેઠકો પર, આઇએનએલડી બે અને અપક્ષ પાંચ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ સરકાર બને તેવી શક્યતા એક્ઝીટ પોલમાં દર્શાવવામાં આવ્યું હતું. જે પણ ખોટા સાબિત થયા છે. મત ગણતરીના પ્રાથમિક રૂઝાન મુજબ હાલ જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ અને એનસી ગઠબંધનને 49 બેઠકો મળી રહી છે. જ્યારે બીજેપી 37 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે પીડીપીના ફાળે માત્ર ચાર બેઠકો આવી રહી છે અને અન્યને 10 બેઠકો મળી રહી છે.