સુરત: માં આદ્યશક્તિની આરાધનાનો તહેવાર એટલે નવરાત્રી. ત્યારે સુરતને સલામત અને સુરક્ષિત રાખતા પોલીસ જવાનોના પરિવાર માટે પણ નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના રામપુરા વિસ્તારમાં આવેલ રામપુરા પોલીસ લાઈનમાં નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પોલીસ પરિવાર સાથે સુરતના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોત ગરબે ઘૂમ્યા હતા.
પોલીસ કમિશ્નર અનુપમસિંગ ગહેલોતે પત્ની અને પરિવાર સાથે માં અંબાની આરતી ઉતારી હતી અને બાદમાં પરિવાર સાથે ગરબે ઘૂમ્યા હતા. રામપુરા પોલીસ લાઈન ખાતે પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનો સાથે ગરબે ઘૂમ્યા હતા. DCP, ACP, PI સહિતના અધિકારીઓ ગરબે ઘૂમ્યા હતા અને નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી.
ત્યારે આ અંગે વાતચીત કરતા પોલીસ કમિશનર અનુપમસિંગ ગેહલોતે જણાવ્યું હતું કે, હું મારા પરિવાર સાથે રામપુરા પોલીસ લાઈનમાં આયોજિત નવરાત્રી પરિવારમાં ઉપસ્થિત રહ્યો છે. રામપુરા પોલીસ લાઈનમાં 196 પોલીસ પરિવાર રહે છે. હું માતાજીને પ્રાર્થના કરું છુ કે અમારા પોલીસ જવાનો અને તેમના પરિવારજનોને ખુબ શાંતિ , સુખ , સમૃદ્ધિ અને તંદુરસ્તી આપે આ સાથે જ સુરત શહેરને હંમેશા સુરક્ષિત રાખે. રામપુરા પોલીસ લાઈનમાં પોલીસ કમિશ્નરને ગરબે ઘૂમતા જોઈ અધિકારીઓમાં પણ એક અનોખો જુસ્સો જોવા મળ્યો હતો.