નવરાત્રીમાં મા અંબાની પુજા સંપૂર્ણ વિધિ-વિધાનથી કરવી ખૂબ જ જરૂરી છે, એવું કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન મા શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે. તેથી તો ઘણા લોકો નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને મા જગદંબાની પુજા અર્ચના કરે છે.
પુજાનો સમય પણ સૌથી જરૂરી છે. સાથે જ પુજાની થાળી શાસ્ત્ર અને વિધાન પ્રમાણે સજાવવામાં આવે. પુજાની થાળીમાં 5 કે 11 દીવા સમાન અંતરે રાખીને સજાવો. તેમજ પૂજાની થાળીમાં મિઠાઈ, આભૂષણ, ચંદનનો લેપ, સિંદૂર, કંકુ, અબીલ-ગુલાલ, ચોખા, ફૂલ, અગરબત્તી, સોપારી રાખો.
બજારમાં ભાત-ભાતની પુજાની થાળીઓ મળે છે. જો તમે ઈચ્છો તો ઘરે જ બજેટમાં રહીને પુજાની સુંદર થાળી સજાવી શકો છો, તે પણ તમને મનગમતી. તેના માટે તમારે માત્ર તમારા ઘરમાં રહેલા થોડા મટીરીયલની મદદ લેવાની છે અને અમે શીખવીશું કેવી રીતે સજાવશો પુજાની થાળી.
ફૂલો વડે
ફુલો વડે પણ તમે પુજાની થાળી સજાવી શકો છો. તેના માટે પહેલા તમારા ઘરમાં રહેલી એક સાદી સ્ટીલની થાળી લો. હવે ગલગોટાનાં ફુલને ખોલીને છૂટા કરી દો. આખી થાળીમાં પહેલા ગલગોટાના ફુલ પાથરી દો અને પછી વચ્ચે રાઉન્ડ શેપમાં ગુલાબની પાંખડીઓ પાથરો અને તેના પર દીવો મુકી દો. લો તૈયાર થઇ ગઈ ફુલથી સજેલી પુજાની થાળી.
મોરપીંછની મદદથી
મોરપીંછની મદદથી પણ તમે થાળી સજાવી શકો છો. થાળીમાં પહેલા કંકુ પાથરી દો. તેના પર મોરપીંછને એક સરખો આકાર આપો. પછી વર્તુળાકરમાં ગોઠવો પછી થાળીના સેન્ટરમાં દીવો મુકો અને તેની ફરતે 5-7 મોટા ફુલ ગોઠવો અને આ થાળી લઈને પહોંચી જાઓ માતાજીનાં ચોકમાં આરતી કરવા માટે.
નાના મિરર વડે
તે સિવાય તમારા ઘરમાં સ્ટોન, મોતી, નાના મિરર વગેરે પડી રહ્યા હશે. તેનો ઉપયોગ કરીને પણ તમે થાળી સજાવી શકો છો. પહેલા થાળી ઉપર લાલ કલરનું બાંધણીનું કાપડ ગ્લુની મદદથી લગાવી દો. હવે તેના પર સ્ટોન અને મોતી ગ્લુની મદદથી લગાવો. આ રીતે સ્ટોનની મદદથી શણગારેલી થાળી ખુબ જ સુંદર દેખાશે અને થાળી સ્પર્ધા વખતે પણ તમે આ રીતે થાળી શણગારી શકો છો.