મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ – મુખ્ય સચિવ તથા વરિષ્ઠ સચિવઓ અને અધિકારીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન-વચન અને કમર્થી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામુહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી
વિધાનસભા પોડિયમમાં સામુહિક પ્રતિજ્ઞા પઠન
નાગરિકો ભારત વિકાસ પ્રતિજ્ઞા https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ પર ઓનલાઈન લઈને પ્રમાણપત્ર મેળવી શકાશે
નરેન્દ્ર મોદીએ ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે તા. 7 ઓક્ટોબર, 2001ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી.
તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની 2001થી 2024 સુધીની 23 વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં જનભાગીદારીને જોડીને તા. 07 થી 15 ઓક્ટોબર સુધી થનારા “વિકાસ સપ્તાહ”ની ઉજવણીનો પ્રારંભ ભારત વિકાસ પ્રતિજ્ઞાથી થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ – મુખ્ય સચિવ તથા વરિષ્ઠ સચિવઓ અને અધિકારીઓએ વિધાનસભા પોડિયમમાં યોજાયેલા સામુહિક પ્રતિજ્ઞા પઠનમાં જોડાઈને “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી.
દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે તેને સાકાર કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન માટે મન-કર્મ-વચનથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામુહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા સૌએ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીએ અને મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવઓએ જે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી છે તેમાં જણાવાયું છે કે –
- હું ભારતના જવાબદાર નાગરિક તરીકે પ્રતિજ્ઞા લઉં છું કે..
- મારા જીવનની પ્રત્યેક ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ.
- હું સ્વનો વિચાર કરતા પહેલાં સર્વનો વિચાર કરીશ. દેશના બધા જ સંસાધનોનો ઉપયોગ યોગ્ય રીતે કરીશ. દેશના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે અવિરત કાર્યરત રહીશ.
- હું મારા દેશના સમૃદ્ધ વારસાનું ગૌરવ કરીશ અને તેનું જતન કરીશ.
- હું મારા દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરવા સદાય પ્રયાસરત રહીશ.
જ્ઞાતિ, ધર્મ કે જાતિના તમામ બંધનોમાંથી મુક્ત રહી, બંધુતાની ભાવના સાથે મારા દેશને પ્રાધાન્ય આપીશ. એક ભારત, શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડીતતા માટે સદાય પ્રતિબદ્ધ રહીશ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોયેલ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા હું મન-વચન અને કર્મથી તત્પર રહીશ. રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશ.
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ રાજ્યના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી શકશે.