વડોદરાના ભાયલી વિસ્તારમાં બે દિવસ પૂર્વે સામુહિક દુષ્કર્મની ઘટના બની હતી. તેમાં એક સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી ત્યારે નરાધમો ત્યાં આવ્યા હતા અને સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ બનાવની જાણ થતાં પોલીસ હરકતમાં આવી હતી. તેમજ આરોપીઓને ઝડપી પાડવા 200થી વધુ પોલીસ જવાનોએ આકરી મહેનત કરી હતી. આ ચકચારી દુષ્કર્મ કેસમા વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આ સાથે ક્રાઇમ બ્રાન્ચે 45 કિ.મી.ના 1100થી વધુ CCTV ચેક કર્યા અને 5 આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

દુષ્કર્મની ઘટનાના 3 કિ.મી. વિસ્તારમાં 1 હજારથી વધુ ઘરમાં તપાસ

સગીરા સાથે સામુહિક દુષ્કર્મની ઘટનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા રાત દિવસ એક કરી આખરે આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. આ ચકચારી દુષ્કર્મ કેસમાં આરોપીઓને ઝડપવા પોલીસનો મોટો કાફલો જોડાયો હતો. જેમાં IG, SP, 3 DYSP, 5 PI, 15 PSI સહિત 200 પોલીસ જવાનોની ટીમ સહિત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. આ દુષ્કર્મની ઘટનામા 3 કિમી વિસ્તારના 1 હજાર ઘરોમા પોલીસે તપાસ કરી હતી.

ઘટના સમયના મોબાઈલ લોકેશન ચેક કરવામાં આવ્યા

15 શકમંદોને પકડ્યા પણ એક પણ આરોપી ન નીકળ્યો તો સાથે જ ભાયલી ગામના પણ કેટલાક શખ્સોને પૂછપરછ માટે બોલાવાયા હતા. તેમાં આખરે પોલીસે નવલખી ગેંગરેપ તપાસની પેટર્ન પર તપાસ શરૂ કરી હતી. આ ઘટના સમયના મોબાઈલ લોકેશન ચેક કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પીડિતા અને તેના મિત્રનું પોલીસે કાઉન્સિલિંગ પણ કર્યું હતું અને આખરે 3 દિવસની આકરી મેહનત બાદ પોલીસને દુષ્કર્મીઓનો પત્તો લાગ્યો હતો. અને પોલીસે આરોપીને ઝડપી પાડયા હતા.

45 કિ.મી.ના રૂટ પર 1100 CCTV ચેક કર્યા

ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને શોધવા 3 દિવસ સુધી કરેલી મેહનતમાં આશરે 45 કિલોમીટરના રૂટ પર 1100 CCTV કેમેરાના ફૂટેજ ચકાસ્યા હતા. આ દરમિયાન ફુટેજમાં બે બાઇક પર સવાર 5 શખસો દેખાતા તેમણે નંબર પ્લેટના આધારે ઝડપી આકરી પૂછપરછ કરતાં તેઓ ભાંગી પડ્યા હતા અને ત્યારબાદમાં ગુનાની કબૂલાત કરી હતી. તેમજ પોલીસે પકડેલા 5 આરોપીઓ પૈકી 3 આરોપી વિધર્મી હોવાની માહિતી સામે આવી છે. આ ઝડપાયેલા પાંચેય આરોપીઓ મજૂરી કામ કરતા હોવાની પ્રાથમિક તપાસમાં વિગતો બહાર આવી છે.

તેમાં હાલ ઝડપાયેલા તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરાવી તમામની કડકાઈથી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. તેમાં ઝડપાયેલા તમામ આરોપીઓ એક બીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા, તેઓ ભાયલી કેમ ગયા હતા, દુષ્કર્મ આચર્યા બાદ ક્યાં ફરાર થઈ ગયા હતા, તેમને કોને આશરો આપ્યો હતો, તેમજ આ ગુનામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.