ભરૂચ: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ધ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ભરૂચના ઉપક્રમે તથા FDDI કોલેજ, અંકલેશ્વરના સહયોગથી દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવનું આયોજન FDDI કોલેજ અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું. પ્રદેશ કક્ષા યુવા ઉત્સવને ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને અન્ય મહાનુભાવોની હાજરીમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, મોબાઈલ અને માહિતીની ક્રાંતિએ તમામ ક્ષેત્રોમાં ઘરમૂળથી પરિવર્તનો આણ્યા છે.

શહેરો સાથે હવે ગાંમડાઓમાં પણ પરિવર્તનના મંડાણ થયા છે, ત્યારે વર્તમાન સમયમાં આપણી સંસ્કૃતિને જાળવવી, આ કળાને જીવંત રાખવી એ ખૂબ કઠિન કામ બનતું જાય છે. દિવસે દિવસે ડી.જે.ની જેટલી મોટી સાઈઝ થતી જાય છે તેની પાછળ આવી તમામ કળાનો અવાજ પણ દબાતો જાય છે. ત્યારે ટેક્નોલોજી અને મોબાઈલની દુનિયા સામે કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક કળાઓમાં પારંગત બનવું એ ખૂબ મહેનત અને કઠીન કાર્ય છે. જે લેવલની સ્પર્ધાઓ યોજાઈ રહી તેના પરથી ચોક્કસપણ કહી શકાય કે આ યુવા ઉત્સવ અને તેમાં ભાગ લેનારા તમામ સ્પર્ધકોએ આપણી સાંસ્કૃતિને જીવંત રાખવાનું ઉત્તમ ઉદાહરણ આપણને પૂરું પાડ્યું છે.

વધુમાં તેમણે કહ્યું કે, આધુનિક યુગમાં સાંસ્કૃતિ વિરાસતને જાળવી રાખતો, આપણી સંસ્કૃતિને જાણવાનો, માણવાનો ઉત્સવ બની રહ્યો છે. ત્યારે કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક તમામ કળાને આગલી પેઢી સુધી આગળ ધપાવવા, અને અન્ય યુવા વર્ગ સુધી પોહચાડવા કલેક્ટરએ સૌ યુવાને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા યુવા અધિકારી મિતા બેન ગવલીએ પ્રસંગને અનુરૂપ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું કે, જૂની ભાતીગળ સાંસ્કૃતિને જીવંત રાખતો આ ઉત્સવ છે. જ્યાં યુવા શક્તિ અને પ્રતિભાને વધુને વધુ નિખારતો ઉત્સવ છે.આ પ્રદેશ કક્ષાના યુવા ઉત્સવમાં દક્ષિણ ગુજરાતના 8 જેટલા જિલ્લાઓના 862 ઉપરાંતના સ્પર્ધકોએ ભાગ લીધો છે.

આ બે દીવસીય કાર્યક્રમમાં કલા વિભાગ , સાહિત્ય વિભાગ અને સાંસ્કૃતિક વિભાગની અલગ – અલગ કૃતિઓ યોજાનાર છે. સ્ટેજ કાર્યક્રમ બાદ કલેક્ટર અને મહાનુભાવોએ હેન્ડી ક્રાફટ, ટેક્ષટાઈલ, એગ્રો પ્રોડક્ટ, વિજ્ઞાન અને પ્રદર્શન અને કલા ઉત્સવ અંતર્ગત ચાલતી વિવિધ સ્પર્ધાઓની મુલાકાત કરી સ્પર્ધકોની કૃતિઓની પ્રસંસા કરી બિરદાવી, પૃચ્છા સાથે હળવાસની પળો માણી હતી. અંતે FDDI કોલેજ કેમ્પસની મુલાકાત કરી કોલેજમાં ચાલતા પ્રોજેક્ટની ચર્ચા કરી ઉપસ્થિત સૌને માર્ગદર્શિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદિપસિંહ જાડેજા, જિલ્લા યુવા અધિકારી મીતા ગવલી, મામલતદાર કે.એમ.રાજપૂત, એફ. ડી. આઈ. કોલેજના સેન્ટર હેડ અને કોલેજ કેમ્પસ હેડ,અન્ય અધિકારીઓ, યજમાન કોલેજના આચાર્ય, નિર્ણાયકો, વિવિધ જિલ્લાના યુવા અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિતિ રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.