Gujarat : માં શક્તિની આરાધનાનો એકમાત્ર પર્વ એટલે નવરાત્રી છે. નવરાત્રીના 9 દિવસ મંદિરોમાં પરંપરાગત રીતે માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં એકમાત્ર એવુ મંદિર છે. જ્યાં નવરાત્રીના 9 દિવસ 1100 અખંડ દીવા પ્રગટાવવામાં આવે છે.
વડોદરાના સેવાસી ખાતે આવેલુ ગાયત્રી માતાનું મંદિર અહીં પ્રથમ નોરતાથી લઈને છેલ્લા નોરતા સુધી 1100 દીવા પ્રજવલિત કરવામાં આવે છે. આ સાથે દીવા પ્રગટાવવા માટે 1200 કિલોથી વધુ શુદ્ધ ઘીનો વપરાશ થાય છે. તેમજ પૂજામાં પવિત્રતા રહે અને દીવા બુઝાઈ ન જાય તે માટે 24 કલાક બ્રાહ્મણો દ્વારા મંદિરમાં દેખરેખ કરવામાં આવે છે.
બીજી તરફ ગાંધીનગર નજીક રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લીને લઈને આયોજન કરવામાં આવે છે. તેમજ આ ગામમાં દર વર્ષે નવરાત્રીના છેલ્લા નોરતે પરંપરાગત રીતે માતાજીની પલ્લી નીકળતી હોય છે. ત્યારે આ વર્ષે પણ મેળાને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
આ દરમિયાન પલ્લીના મેળામાં 10 લાખથી વધુ ભક્તો આવે છે. તેમજ રાત્રે 12 વાગ્યે માતાજીની પલ્લી નીકળી છે. જે જે સ્થળે પલ્લી ઉભી રહી છે, ત્યાં ભક્તો પલ્લી પર ઘી નો ચઢાવો કરે છે. ખાસ વાત એ છે કે રૂપાલ ગામની વિવિધ જાતિ અને જ્ઞાતિઓ એક થઈને માતાજીની પલ્લી તૈયાર કરે છે. આ સાથે ગત વર્ષે ભક્તો દ્વારા કુલ 32 કરોડ રૂપિયાનું ઘી પલ્લી પર ધરાવવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.