• કોર્પોરેશનમાં કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ 45 દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય
  • લાયન સફારી પાર્કમાં ઇન્ટરર્નલ રોડ પર ડામર કરવા રૂપિયા 3.71 કરોડ અને એન્ટ્રન્સ પ્લાઝા, ટિકિટ બારી, વિઝીટર વેઇટીંગ એરિયા, રેસ્ટીંગ શેડ, ચિલ્ડ્રન પ્લે એરિયા, લોન ગાર્ડન અને ફૂડ કોર્ટ સહિતની સુવિધાઓ વિકસાવવા માટે રૂ.16.66 કરોડનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત

શહેરના સામાકાંઠા વિસ્તારમાં પ્રદ્યુમન પાર્કની ભાગોળે કોર્પોરેશન દ્વારા લાયન સફારી પાર્ક બનાવવા આવનાર છે. જેને સેન્ટ્રલ ઓથોરિટી દ્વારા મંજૂરી આપી દેવાયા બાદ હવે ડિઝાઇન પ્લાન મુજબ કામગીરી કરવામાં આવી રહી છે. શહેરીજનોને ઝડપથી લાયન સફારી પાર્કનું નવલું નજરાણું મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા પાર્કની અંદરના ઇન્ટરર્નલ રોડ પર ડામર કરવા તથા એન્ટ્રન્સ પ્લાઝા અને વિઝીટર એમીનીટીઝ માટે રૂ.20.37 કરોડનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ 45 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે લાયન સફારી પાર્કની ડિઝાઇન સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂર કરવામાં આવી છે. માસ્ટર પ્લાનમાં દર્શાવ્યા મુજબ સફારી પાર્કની અંદર સિંહ જોવા જવા માટે મુલાકાતીઓને બસમાં બેસાડીને લઇ જવાના હોય પાર્કના જુદા-જુદા ઇન્ટરર્નલ કાચા રોડને પાંચ મીટર પહોળાઇમાં ડામર કામ કરવાનું થાય છે. જેનું જીએસટી સાથેનું 3.09 કરોડનું એસ્ટીમેન્ટ સાથેનું ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યું હતું. 3500 રનિંગ મીટરમાં ઇન્ટરર્નલ ડામર રોડ બનાવવાના કામનો સમાવેશ થાય છે. જેમાં પ્રથમ પ્રયત્નમાં માત્ર એક જ પાર્ટીનું ટેન્ડર આવતા રિ-ટેન્ડરીંગ કરાયું હતું. જેમાં બે પાર્ટી આવી હતી. યુનિક બિલ્ડર ગોંડલ દ્વારા આ કામ 22.50 ટકાની ઓન સાથે કરવાની ઓફર આપવામાં આવી હતી. જે વધુ લાગતા ફરી ટેન્ડર પ્રસિદ્વ કરાયું હતું. ત્રીજા પ્રયત્નમાં પણ ત્રણ એજન્સીઓ આવી હતી. જેમાં યુનિક બિલ્ડર્સે આ કામ 19.97 વધુ સાથે કરવાની ઓફર આપી છે. જીએસટી સાથે કુલ 7.71 કરોડનું ખર્ચ મંજૂર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મોકલવામાં આવી છે. લાયન સફારી પાર્કમાં ઇન્ટરર્નલ રોડને ડામરથી મઢી દેવામાં આવશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પ્રદ્યુમન પાર્ક ખાતે લાયન સફારી પાર્કમાં એન્ટ્રન્સ પ્લાઝા અને જુદી-જુદી વિઝીટર એમિનીટીઝ બનાવવાનું કામ માટે રૂ.16.66 કરોડનો ખર્ચ મંજૂર કરવા માટે પણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં 20,000 ચોરસ મીટર વિસ્તારમાં એન્ટ્રન્સ પ્લાઝા અને ટિકીટ બારી કમ એડમીન ઓફિસ, વિઝીટર વેઇટીંગ એરિયા કમ રેસ્ટીંગ શેડ, ચિલ્ડ્રન પ્લે એરિયા, લોન એન્ડ ગાર્ડન, ફૂડ કોર્ટ, રેસ્ટ રૂમ કોમ્પ્લેક્સ, વાહન માટેનું પાર્કિંગ, ઇલેક્ટ્રીક બસ માટે પાર્કિંગ અને ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો કામનો સમાવેશ થાય છે. રૂ.12.71 કરોડના એસ્ટીમેન્ટ સાથે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ ત્રણ એજન્સીઓ ઓનલાઇન બીડ સબમીટ કરી હતી. અગાઉ એજન્સીઓ કરેલા કામના આધારે તેઓને ટેકનીકલ બીડના 80 ટકા માર્ક્સ અને ફાયનાન્સીયલ બીડના 20 ટકા માર્ક્સ આપવાના થતા હતા. જેમાં શ્રીજી કૃપા પ્રોજેક્ટ લીમીટેડને 98.97 ટકા માર્ક્સ મળ્યા હતા. જેને આ કામ 11.11 ઓન સાથે અને જીએસટી સહિત રૂ.16.66 કરોડમાં કરી આપવાની તૈયારી દર્શાવી છે. જેને ટેન્ડર આપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે.

કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ‘એક પેડ ર્માં કે નામ’ યોજના અંતર્ગત શહેરમાં જુદી-જુદી જગ્યાઓમાં કરવામાં આવેલા વૃક્ષારોપણ અને મિયાવાંકી ફોરેસ્ટ અંતર્ગત થયેલી કામગીરીનો ખર્ચ મંજૂર કરવા, સેન્ટ્રલ ઝોન કચેરીમાં કોર્પોરેશન હસ્તકની બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીના સાધનો નાંખવા માટે રૂ.7.71 કરોડનો ખર્ચ મંજૂર કરવા, વોર્ડ નં.12માં અલગ-અલગ જગ્યાઓએ આંગણવાડી બનાવવા માટે રૂ.79.16 લાખનો ખર્ચ મંજૂર કરવા, કોર્પોરેશનમાં ફરજ બજાવતા સફાઇ કામદારોને સેવા નિવૃત્તિ આપી તેઓની જગ્યાએ વારસદારને નોકરી આપવાના નિયમમાં ફેરફાર કરવા, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખના ઘટક હેઠળ સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવવા દરખાસ્ત કરવા, વોર્ડ નં.9માં મુંજકા વિસ્તારમાં ડીઆઇ પાઇપલાઇન બિછાવવાનો ખર્ચ મંજૂર કરવા સહિતની 45 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

સ્વૈચ્છીક નિવૃત્તિના કેસમાં સફાઇ કામદારોના વારસદારોને નિમણુંક આપવા માટે કોર્પોરેશન દ્વારા નિયમોમાં કરાયો ફેરફાર

કોર્પોરેશનમાં ફરજ બજાવતા સફાઇ કામદાર 20 વર્ષની નોકરી બાદ જ્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા ઇચ્છે ત્યારે તેઓએ ફરજિયાત પણે સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરનું મેડિકલ સર્ટિફીકેટ રજૂ કરવું પડે છે. જેમાંથી મુક્તિ આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખામાં ફરજ બજાવતા સફાઇ કામદારો તેની નોકરી દરમિયાન સફાઇની કામગીરીના કારણે કોઇ રોગનો ભોગ બને અને મેડિકલ તપાસમાં કામ કરવા માટે કાયમી અશક્ત જાહેર થાય અથવા નોકરી દરમિયાન તેઓનું અવસાન થાય કે લાપતા થાય તો તેવા સંજોગો તેમના કોઇપણ એક વારસદારને રહેમરાહે નોકરી આપવાનો કોર્પોરેશનમાં નિયમ છે. જેમાં કેટલાક નિયમોનું પાલન કરવાનું થાય છે. સફાઇ કામદાર માટે સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેની યોજના અને કાર્યપ્રણાલીમાં સુધારો કરવા માટે અલગ-અલગ યુનિયનના પ્રતિનિધિઓ દ્વારા લેખિતમાં તથા મૌખિકમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેની યોજનામાં સફાઇ કામના કારણે કોઇ કામદાર રોગનો ભોગ બને, મેડિકલ તપાસમાં કામ કરવા માટે અશક્ત જાહેર થાય અથવા મૃત્યુ પામે તેવા સંજોગોમાં તેના કોઇપણ એક વારસદારને માસિક રૂ.4,500ના ઉચ્ચક વેતનથી ત્રણ વર્ષ માટે રહેમરાહે સફાઇ સહાયક તરીકે નિમણુંક આપવામાં આવે છે અને ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ કામગીરીનું મૂલ્યાંકન કરી ધારા ધોરણ મુજબ નિયત્ત પગારથી નિમણુંક અપાઇ છે. કોઇ સફાઇ કામદાર નોકરી દરમિયાન કે નોકરીના કારણે કોઇ રોગનો ભોગ બને અને મેડિકલ તપાસ કરવાની જરૂર જણાય ત્યારે નિયત્ત કરવામાં આવેલી સભ્યોની સમિતિની આ કેસ રિફર કરવામાં આવે છે. આવા સંજોગોમાં કેસમાં સરકારી હોસ્પિટલમાં રિફર કરી તે સફાઇ કામદાર ખરેખર અશક્ત છે કે કેમ? તેનો અભિપ્રાય સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર પાસેથી લેવામાં આવે છે. હાલ આ બે નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ નિયમમાં કોર્પોરેશનના સફાઇ કામદાર તરીકે 20 વર્ષની નોકરી પૂર્ણ કરી હોય અને તેઓની વય 54 વર્ષની થઇ ગઇ હોય તો સ્વૈચ્છીક નિવૃત્તિ લેવા માંગતા હોય તો તેમની પાસેથી મેડિકલ અનફીટ સર્ટિફીકેટનો આગ્રહ રાખવો નહિં. સ્વૈચ્છિક નિવૃત્તિ મંજૂર કરવી અને શરતોને આધિન કોઇપણ એક વારસદારને ફિક્સ પગારથી કોર્પોરેશનમાં નોકરી આપવી જેવો સુધારો કરાયો છે. જ્યારે બીજા કેસમાં સફાઇ કામદાર નોકરી દરમિયાન રોગનો ભોગ બને તો તેઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે મ્યુનિ.કમિશનર, આરોગ્ય શાખાનો હવાલો સંભાળતા નાયબ કમિશનર, આરોગ્ય અધિકારી, સેનિટેશન ચેરમેન અને આરોગ્ય સમિતિના ચેરમેનની સમિતિને અરજી કરવાની રહે છે. જેના બદલે હવે નવા નિયમ મુજબ 20 વર્ષ નોકરી પૂરી થઇ હોય અને 54 વર્ષની ઉંમર થઇ ગઇ હોય તેવા સફાઇ કામદાર જો સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગતા હોય તો મેડિકલ અનફીટ સર્ટિફીકેટનો આગ્રહ રાખવો નહિં કે સમિતિમાં અરજી કરવાની જોગવાઇ રદ્ કરવામાં આવી છે. આ દરખાસ્ત અંગે આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. જો તેને બહાલી મળી જશે તો હજ્જારો સફાઇ કામદારોની દિવાળી સુધરી જશે. સાથોસાથ દરખાસ્ત મંજૂરી બાદ જનરલ બોર્ડમાં મોકલવામાં આવશે અને ત્યાર બાદ રાજ્ય સરકારની મંજૂરી અર્થે મોકલાશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.