• પોલીસે પાંચ કિલો ચરસ સાથે કરી ત્રણ ઇસમોની ધરપકડ
  • આગાઉ આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે દારૂના કેસમાં
  • દરિયા કિનારે બાવળની ઝાડીમાં દાટી દીધું હતું ચરસ
  • પોલીસ તપાસમાં અન્ય વિગતો બહાર આવે  તેવી શક્યતા

જામનગર જિલ્લામાં ‘નો ડ્રગ ઈન જામનગર‘ અભિયાનના ભાગરૂપે જિલ્લામાં નશાકારક પદાર્થનું વેચાણ થતું હોય તેને અટકાવવા કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે ચરસ, ગાંજો અને ડ્રગસના દુષણને લઇને જામનગર જિલ્લાનો જોડીયા પંથક ખૂબ પ્રખ્યાત છે. અવારનવાર અહિથી આ પ્રકારના નશાકારક પદાર્થ ઝડપાઈ રહ્યા છે. તેવામાં ગઈકાલે જામનગર જિલ્લાનાં જોડીયામાં બાવળની ઝાડીમાંથી અફઘાની ચરસના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે અફઘાની ચરસનાં 5 કિલો 859 ગ્રામનો જથ્થો કબજે કરી આ પ્રકરણની ઊંડી તપાસ આદરી છે.

આ અંગેની વિગત મુજબ, રાજકોટ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ દ્વારા જામનગર જીલ્લામાં NDPSના કેસો કરવા માટે સુચના કરી હોય. જે અનુસંધાને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા જામનગર જિલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાડવા અને નશાખોરી રોકવા માટે નો ડ્રગ્સ ઈન જામનગર અભિયાન શરૂ કર્યુ છે. જે અનુસંધાને જામનગર એસઓજીના પીઆઈ બી એન ચૌધરી, પીએસઆઈ એલ.એમ. ઝેરના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. આ દરમિયાન એસઓજી સ્ટાફના ફિરોજભાઈ ખફી, રમેશભાઈ ચાવડા, હર્ષદકુમાર ડોરીયા, તોસિફભાઈ તાયાણીને જોડિયાના દરિયાકિનારે ત્રણ શખ્સો દરિયામાં કરચલા પકડવા ગયા હતાં અને ત્યાંથી ચરસનો જથ્થો લાવી દરિયાકિનારે સંતાડેલો હોવાની બાતમી મળી હતી. જેના આધારે રેઈડ દરમિયાન ફરીદ બસીર ખોડ, અજીજ મામદ ગાધ, અસગર ગની પલેજા નામના ત્રણ શખ્સોને જોડિયા ગામે બંદર રોડ પર આવેલ બાવળની ઝાડીમાંથી પાંચ કિલો 859 ગ્રામ ચરસના જથ્થા સાથે ઝડપી લીધા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.