• રાજકોટ તાલુકાના 41 ગામોને પાણી પહોંચાડવા રૂ 235 કરોડના ખર્ચે ત્રંબા ખાતે નવું પમ્પિંગ સ્ટેશન બનાવાશે
  • સૌનીની લિંક-3 ના પેકેજ-10 માં દ્વારકાના છેવાડાના ત્રણ ડેમ વર્તુ, કબરકા તથા સોનમતીને જોડવાનું પણ આયોજન
  • પાણી માટે દર સપ્તાહે નવા કામો અને યોજનાઓ મંજૂર થઈ રહ્યા છે: મંત્રી ભાનુ બાબરીયા

રાજકોટ રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુ બાબરીયાના હસ્તે આજે આણંદપર તથા દેવડા ગામ ખાતે સૌની યોજનાની લિંક-ત્રણના પેકેજ 10 હેઠળ પાઇપલાઇનને ડોન્ડી નદી સુધી લંબાવવાના રૂપિયા 3.48 કરોડના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

kht 1

આ પ્રસંગે લોધિકા તાલુકાના દેવડા ગામના લેઉવા પટેલ સમાજ ખાતે આયોજિત જનસભાને સંબોધિત કરતાં મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, ડોન્ડી ડેમ ભરવા માટેની ફીડર લાઇનની કામગીરી આશરે રૂપિયા 3.48 કરોડના ખર્ચે થનાર છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં 2511 મીટરની 500 એમ.એમ. વ્યાસ ધરાવતી પાઇપલાઇન નાખવામાં આવશે. આ કામગીરી થતાં લોધિકા તાલુકાના છાપરા, દેવડા, મોટાવડા, પાંભર ઇટાળા, લક્ષ્મી ઇટાળા, પડધરી તાલુકાના નાનાવડા અને નાના ઇટાળા વિગેરે ગામોને લાભ થશે.

મંત્રી કુંવરજીએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વે કરાવીને, સૌરાષ્ટ્રને હરિયાળો બનાવવાના ઉદ્દેશ્ય સાથે, વર્ષ 2013 માં રૂપિયા 10 હજાર કરોડથી વધુની રકમની સૌની યોજનાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત સૌરાષ્ટ્રના 115 જળાશયોને નર્મદાના નીરથી ભરવાનું આયોજન હતું. જેમાંથી 11 જિલ્લાના 99 જેટલા ડેમોમાં નર્મદાનીર પહોંચી ચુકયા છે અને બાકીના ડેમોને ભરવાની કામગીરી પણ ગતિમાં છે.

khat2

મંત્રી કુંવરજીએ ઉમેર્યું હતું કે, લિંક-3ના પેકેજ-10માં દ્વારકાના છેવાડાના 3 ડેમ વર્તુ, કબરકા તથા સોનમતીને જોડવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સૌની યોજના લિંક-3 ના પેકેજ-10ના કામની શરૂઆત, લિંક-3 પેકેજ-7ને આગળ વધારીને થશે. પાઈપની પથરેખાની સાંકળ 216.053 કિ.મી.થી આ પાઇપલાઇન શરૂ થનારમાંથી પાણીનું વહન ગ્રેવીટી ફ્લોથી થનાર છે. આ પાઇપલાઇનની કુલ લંબાઇ કબરકા અને ડોન્ડીફીડર પાઇપલાઇન સાથે આશરે 16,393 મીટર છે તેમજ આ કામનો કુલ ખર્ચ આશરે રૂ. 32.78 કરોડ થશે. તેનાથી વર્તુ જળાશય હેઠળના સાત ગામો, કબરકા જળાશય હેઠળના 6 ગામો, સોનમતી જળાશય હેઠળના આઠ ગામો, ડોન્ડી જળાશય હેઠળના પાંચ ગામોને કામની પથરેખા પર આવતા સાત ગામો મળી કુલ 32 ગામોને લાભ થશે.

સૌરાષ્ટ્રને જળ સમૃદ્ધ કરી દેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા બે વર્ષમાં સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રને મહત્તમ પાણી આપ્યું છે, તેનો ઉલ્લેખ કરતા મંત્રી કુંવરજીએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમાંથી પસાર થતી સૌની યોજનાની વિવિધ પાઇપલાઈનની આસપાસ 3 કિલોમીટરના વિસ્તારમાં જો કોઈ ચેકડેમ કે જળાશય હશે તેને પણ આ પાઇપલાઇન સાથે જોડીને પાણીથી ભરી દેવામાં આવશે.

khat 3

મંત્રી કુંવરજીએ રાજકોટના ત્રંબા ખાતે નવા પમ્પિંગ સ્ટેશનની યોજનાની જાહેરાત કરતા કહ્યું હતું કે, રાજકોટ તાલુકાના 41 ગામોને પાણી મળી રહે તે માટે ₹235 કરોડના ખર્ચે ત્રંબા ખાતે નવું સ્ટેશન બનશે. ટૂંક સમયમાં જ આ યોજનાના કામો શરૂ થઈ જશે.

મંત્રી કુંવરજીએ રાજકોટ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં થયેલા પાણી પુરવઠા તથા જળસંચય વિવિધ કામો તેમજ જૂથ પાણી પુરવઠા સુધારણા યોજનાની વિગતો પણ આપી હતી. અને સૌને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી.

આ તકે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુ બાબરીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ગામે ગામને સૌની યોજના મારફત સિંચાઈ તથા પીવાના પાણી પહોંચાડવાની વડાપ્રધાન નરેન્દ્રમોદીની નેમને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર સાકાર કરી રહી છે. આજે સૌની યોજનાના લીધે આપણા આંગણા સુધી નર્મદાના નીર પહોંચી રહ્યા છે. ત્યારે પાણીનું જતન તથા સંચય કરવા માટે પણ તેમણે ઉપસ્થિતોને પ્રેરણા આપી હતી.

khat 4

ગ્લોબલ વોર્મિંગના સમયમાં વધુ વૃક્ષો વાવવા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા “એક પેડ માઁ કે નામ” અભિયાન અંતર્ગત ધરતીને હરિયાળી બનાવવાના અભિયાનમાં જોડાવા માટે મંત્રી ભાનુ બાબરીયાએ બધાને આહવાન કર્યું હતું.

આ પ્રસંગે કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડાએ વરસાદી પાણીને ધરતીમાં ઉતારીને જળ સંગ્રહ કરવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠીયા, રાજકોટ સિંચાઈ યોજના વર્તુળના અધિક્ષક ઇજનેર શ્રેયસ હરદેયા, નાયબ ઈજનેર હાર્દિક પીપળીયા, જિલ્લા પંચાયત સભ્ય મોહન દાફડા, અગ્રણી મનોજ રાઠોડ, મનોજ કાછડીયા, મનહર બાબરીયા, દેવડા ગ્રામ પંચાયતના સરપંચ દમયંતી ગઢીયા વગેરે તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.