• સીએફઓની જવાબદારીમાંથી મુક્ત કરવા મ્યુનિ.કમિશનરને લખેલા પત્ર અંગે કોઇ નિર્ણય ન લેવાતા અંતે કોર્પોરેશનની નોકરી છોડી દેવાનો જ કર્યો નિર્ણય

ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ શાખામાં કોઇ કામ કરવા તૈયાર ન હોય તેવું લાગી રહ્યું છે. મૂળ વર્ગ-3ના કર્મચારી અને હાલ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે જવાબદારી નિભાવી રહેલા અમિત દવેએ આજે રાજીનામું આપી દીધું

છે. આગામી 31મી ડિસેમ્બરથી તેઓને ફરજ મુક્ત કરવાની માંગણી કરવામાં આવી છે.

ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટનામાં જેની જવાબદારી ફિક્સ થતી હતી. તે પૂર્વ ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર અને ડેપ્યૂટી ચીફ ફાયર ઓફિસર ભીખાભાઇ ઠેબા હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. કચ્છના સીએફઓને રાજકોટના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેઓ પણ લાંચ લેતા પકડાઇ જતા હાલ જેલમાં છે. અમદાવાદના સીએફઓ મિથુન મિસ્ત્રીએ રાજકોટમાં ચાર્જ સંભાળવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દેતા મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ દ્વારા કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખામાં વર્ગ-3ના કર્મચારી તરીકે ફરજ બજાવતા અમિત દવેને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર બનાવવામાં આવ્યા હતા. જો કે, એક સપ્તાહમાં જ સતત કામગીરીના ભારણ અને પારિવારિક જવાબદારીના કારણે તેઓએ મ્યુનિ.કમિશનરને પત્ર લખી ઇન્ચાર્જ સીએફઓની કામગીરીમાંથી મુક્ત કરવાની માંગણી કરી હતી. જેનો કમિશનર દ્વારા સ્વિકાર કરવામાં ન આવતા આજે અમિત દવેએ કોર્પોરેશન સાથે છેડો ફાડી નાંખવાનો નિર્ણય કર્યો છે. સ્ટેશન ઓફિસર પદેથી રાજીનામું આપતો પત્ર મ્યુનિ.કમિશનરને લખવામાં આવ્યો છે. જેમાં તેઓએ 90 દિવસની મુદ્ત આપી છે અને આગામી 31મી ડિસેમ્બરથી તેઓને ફરજમુક્ત કરી દેવાની માંગણી કરવામાં આવી છે.

પત્રકારો સાથેની વાતચિત દરમિયાન અમિત દવેએ જણાવ્યું હતું કે કામનું ભારણ સતત વધી રહ્યું છે.

જેની સામે પૂરતો સ્ટાફ નથી. આ ઉપરાંત મારા પર પારિવારિક જવાબદારી પણ ખૂબ જ હોય મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. ઇન્ચાર્જ સીએફઓની જવાબદારીમાંથી તત્કાલ મુક્ત કરવા પણ માંગણી કરી છે. જ્યારે 31મી ડિસેમ્બરથી ફરજ મુક્તિની માંગણી કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં ફાયર શાખા સમક્ષ એનઓસી મેળવવા માટે કુલ 253 અરજીઓ આવી હતી. જે પૈકી 243 અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. જ્યારે નવરાત્રિમાં ગરબા આયોજકોની 25 જેટલી અરજી આવી હતી. જે પૈકી 22 મંજૂર કરી દેવામાં આવી છે અને આજે સ્થળ તપાસ દરમિયાન સાંજ સુધીમાં બાકી રહેતી ત્રણ અરજીઓનો પણ નિકાલ કરી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમિત દવે 1996માં કોર્પોરેશનમાં ફાયરમેન તરીકે જોડાયા હતા અને 1998માં તેઓ કાયમી થયા હતા. છેલ્લા 28 વર્ષથી કોર્પોરેશનમાં ફરજ બજાવ્યા બાદ હવે તેઓએ નોકરી છોડવાનો નિર્ણય લીધો છે. ફરી એક વખત કોર્પોરેશનમાં ફાયર એનઓસીની કામગીરી રઝળી પડે તેવી દહેશત ઉભી થવા પામી છે.

ટેમ્પરરી ફાયર એનઓસી તત્કાલ મંજૂર: સરકારના સોફ્ટવેરમાં લોચો

ફાયર એનઓસી મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેના સોફ્ટવેરમાં મોટી ક્ષતિ જણાઇ રહી છે. જો કોઇ વ્યક્તિ, સંસ્થા, પેઢી કે કંપની ટેમ્પરરી ફાયર એનઓસી મેળવવા માટે ઓનલાઇન અરજી કરે તો તે માત્ર 30 મિનિટમાં મંજૂર થઇ જતી હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. સામાન્ય રીતે ફાયર એનઓસી માટે અરજી કરાયા બાદ કોર્પોરેશનનો સ્ટાફ સ્થળ વિઝીટ કરતો હોય છે. તમામ સાધનોની ચકાસણી કર્યા બાદ એનઓસી આપવામાં આવતું હોય છે પરંતુ ટેમ્પરરી ફાયર એનઓસીની મંજૂરી તત્કાલ મળી જાય છે. આ ઘટના સોફ્ટવેરમાં ક્ષતિ હોવાના કારણે બને છે. જો ટેમ્પરરી ફાયર એનઓસી મળ્યા બાદ કોઇ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની રહે તે પણ મોટો સવાલ છે. કારણ કે ફાયર એનઓસી ચોક્કસ આપી દેવામાં આવ્યું હોય છે પરંતુ ત્યાં પૂરતા પ્રમાણમાં સાધનો છે કે નહિં તેની ચકાસણી કરવામાં આવતી નથી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.