ફોજદાર જયદેવે બે જમાદારો હસુભાઈ અને ઠેબાની મનોમન સરખામણી કરી કે “એક લાખો દેતા ન મળે અને બીજો ત્રાંબીયા ના તેર!
કુંદણી ગામ આવતા જ જયદેવે ઠેબાને કહ્યું ‘જયાં ટેક્ષી લેવાની હોય તે રસ્તો બતાવો’ અને ભવતુભા તથા નવજીને થ્રીનોટથ્રી લોડ કરવા કહેતા જ બંને જણાએ રાયફલોમાં કાર્ટીસના મેગજીન લોડ કર્યા. આ મેગજીન લોડ થવાનો અવાજ સાંભળી ઠાકુરને અમંગળના એંધાણ દેખાયા અને બોલ્યા ‘અભયસિંહે ભુલ ખવડાવી દીધી’ અને જયદેવને કહ્યું ‘જવાદો ને હવે કાંઈ નથી કરવું પાછા વળીએ.’ જયદેવે કહ્યું હવે તમારે મારો હુકમ માનવાનો છે મારે નાક છે.જો હું પાછો વળું તો મરવા જેવું થાય તમે તો નકટા છો. પરંતુ આ મારા પોલીસ વાળા મારી વિશે શું વિચારે? આ ટેક્ષીવાળોતો જસદણમા કોઈને કાંઈ નહિ કહે ફકત હિન્દુ અને મુસલમાન બેને જ આ વાત કહેશે! કાયર થઈ નેપાછા વળવું તેના જેવું શરમજનક કાંઈ નથી.
ઠેબાએ ટેક્ષી કુંદણી ગામમાં થઈ આથમણા પાદરમાં આવી પ્રથમ ગામથી ડાબી બાજુના રસ્તે લેવરાવી એકાદ બે કિલોમીટર જઈને પાછી વળાવી અને ગામની જમણી દિશામાં બે ત્રણ કિલોમીટર લેવરાવી રસ્તાઓ કાચા કયાંક નેળ આવે કયાંક ઢાળ ઉરતો તો કયાંક ઢાળ ચડતો, આવે.
ઠેબા વળી ટેક્ષી ઉભી રખાવી પાછી વાળવા કહ્યુ આથી જયદેવે કહ્યું કે ‘જગ્યા જોયેલી લાગતી નથી અને આ એક મહિના દરમ્યાન કોઈ રેકી પણ કરી નથી લાગતી પણ મહેફીલોમાં મોજ જ માણી લાગે છે!’ ઠેબા એ કહ્યું કે આ ગામમાં કોઈ વાડી બતાવે નહિ આતો વાતો સાંભળેલી કે આથમણા પાદરમાં જ વલકુની વાડી છે. તેથી અનુમાને લઈ આવ્યો છું. જયદેવે પુછયું જોયે તોઓળખો છો ને? ઠેબા એ કહ્યું ના સાહેબ પણ તે ચાલીસ પિસ્તાલીસ વર્ષનો મજબુત બાંધાનો ખડતલ વ્યકિત છે. હસુભાઈએ કહ્યું ગપ્પા મારોમાં વલકુ પાંસઠ વર્ષનો છે અને લોઠકો છે. પણ ઉંમર થઈ ગઈ હશે.
જયદેવે ઠાકુર ને સંભળાય નહિ તેવા વેણ કહ્યા અને કહ્યું કે એક મહિનાથી ઠેબા સાથે છે. એક વાડી પણ ન જોઈ શકયા? ઠેબાએ કહ્યું ‘સાહેબ કુંદણી આવ્યા જ નથી ભાડલા વિંછીયા અને જસદણ જ હતા.
ટેક્ષી પાછી કુંદણી ગામના થમણા પાદરે આવી ઠાકુરે કહ્યું હવે પાછા વળીએ પણ જયદેવે ટેક્ષીને કુંદણી ગામની બરાબર પશ્ર્ચીમ બાજુ ના રસ્તે લેવડાવી તે રસ્તામાં એક નેળ આવી બંને બાજુ ઉંચા ઢાળ હતા. આગળ જતા ડાબી બાજુ ઢાળ ઉપર એક ઓરડી અને પાણીની કુંડી દેખાઈ તેવામાં તે ઓરડીમાંથી એક માણસ માથે ફાળીયું બાંધેલુ અને બંડી પહેરેલો ટેક્ષીનો અવાજ અવાજ આવતા બહાર આવ્યો.
જેના ખંભે કાંઈક પટ્ટા જેવું દેખાયું જયદેવે ટેક્ષી ઉભી રખાવી કે તુરત તે માણસ પાછો વળી ગયો અને હસુભાઈ તુરત બોલ્યા જુઓ પીઠ પાછળ માઉઝર લટકે છે. આ વલકુ જ લાગે છે. તેથી જયદેવે ટેક્ષીમાંથી ઉતરીને પોચમાંથી રીવોલ્વર હાથમાં લઈ લીધી હસુભાઈ ભવતુભા અને નવજીએ પણ થ્રીનોટ થ્રી રાયફલ લઈને એકશન પોઝીશન લઈ લીધી અને ચારેય જણા વાડીનો ઢાળ ચડવા લાગ્યા ચડતા ચડતા હસુભાઈએ જયદેવને કહ્યું બધુ ભલે પણ તમે કાંઈ ઉતાવળુ પગલુ લેતા નહિ જયદેવે ઢાળ ચડીને જોયું તો વલકુ હાથમાં માઉઝર લઈને ઉભા ખેતરે દોડયો જતો હતો.
જેથી જયદેવે ત્રણેય પોલીસ જવાનોને પોતાની સાથે ફાઈલ ફોર્મેશનમાં જ (ડાબે જમણે) દોડવાનું કહ્યું ત્યાં નવજી એ રાયફલ લોડ કરી તેનો બોલ્ટ એકશનનો ખટાખટ અવાજ આવ્યો અને વલકુએ મોટેથી કહ્યું, ‘સાહેબ હું મારી રાયફલથી આત્મહત્યા કરી લઈશ પણ પકડાઈશ નહિ મહેરબાની કરી મારી નજીક આવતા નહિ! ત્યાં તો નવજીએ બે પગ પહોળા કરી ઉભા રહી થ્રીનોટથ્રી રાયફલનો ખટાક કરીને ઘોડો દબાવ્યો પરંતુ કોઈક ના સદનસીબે કાર્ટીસ હજુ ચેમ્બરમાં આવ્યો ન હતો. તેથી ફાયર થયું નહિ. અને તુરત જ જયદેવે નવજીને કહ્યું બસ હવે નહિ, પાછુ વાળીને જો મરદના દિકરા દેખાય છે? તમામે વારાફરતી પાછળ જોયું તો ઠાકુર અને ઠેબા પાણીની ઓરડીએ ઉભા હતા.
જયદેવે કહ્યું જુઓ સુર્યાસ્ત થવા આવ્યો છે. હવે આ ડોસો છે કેટલુક દાડશે? તેનો પીછો ચાલુ રાખો. વલકુને શરણે આવ્યા સિવાય છૂટકો નથી. આ રીતે આગળ વલકુ અને પાછળ જયદેવ સહિત ચાર જણા દોડતા જતા હતા ક્ષિતિજ ઉપર સૂર્યાસ્ત થઈ રહ્યો હતો ત્યાંજ સામે એટલે કે રસ્તામાં એક ટેકરો આવ્યો વલકુ ને પણ ટેકરો ચડવા સિવાય છૂટકો ન હતો. અને જયદેવની ટીમને તેનાથી થોડુ અંતર રાખીને દોડવાનું હતુ કેમકે ગમે તેમ તોય ગળે આવેલો મરણીયો ગુનેગાર હતો.
વલકુ ટેકરો ચડી ગયો ત્યારે જયદેવની ટીમ પોણો ટેકરો ચડી ગઈ હતી. પરંતુ દોડીને ચડવામાં જે સમય લાગે તેટલો સમય દોડીને ઉતરવામાં ન લાગે જેવો જયદેવ ટેકરા ઉપર આવ્યો અને ટેકરા પાછળ જોયું તો એક માણસ પલાણેલો ઘોડો લઈને ઉભો હતો. વલકુ એ તે ઘોડા ઉપર સવારી કરી અને આથમણી દિશામાં ઘોડો દોડવી મૂકયો પેલો માણસ ઉતર દિશામાં દોડવા લાગ્યો.
ચારેય જણાએ ટેકરા ઉપર જ થોડો સમય શ્ર્વાસ ખાધો, પછી પાછા વળ્યા અને ઓરડી પાસે આવ્યા. જયદેવના મનમાં તો બરાબરની ચાટી ગઈ છતા મર્યાદામાં રહી કાંઈ બોલ્યો નહિ. પરંતુ હસુભાઈ અને ભવતુભાએ ઠેબાના નામે બંને જણાની ધૂળ કાઢી નાખી કે ‘આવી રીતે ઉભા કરી દેવાના? ધુળ પડી તમારા ધોળામાં ‘વિગેરે શબ્દોનો અવિરત પ્રવાહ ચાલુ થયો. તમામ ઓરડી પાસેથી નેળમાં જયાં ટેક્ષી ઉભી રાખી હતી ત્યાં આવ્યા પરંતુ ત્યાં ટેક્ષી નહતી પણ ટેક્ષીના કાચ ફૂટેલા પડયા હતા!
જયદેવે ઠાકુરને કહ્યું ‘તમે અમારી સાથે તો ન આવ્યા પણ આ ટેક્ષીનું પણ રક્ષણ ન કરી શકયા? કુંદણી ગામ બાજુ જોયુંતો ગામના પાદરમાં આવેલા ટેકરા ઉપર આખુ ગામ ભેગુ થઈ ને અમારા તરફ જોતુ હતુ ! હસુભાઈ જયદેવને બોલ્યા કે ‘સાહેબ આ તો તમારા હિસાબે નહિ તો આ બે જણા જો એકલા આવ્યા હોય તો તેમને પણ આ સાથે ટેક્ષી સાથે જ ફોડી નાખે તેમ છે. હવે કમળાપુર હાઈવે સુધી ચાર પાંચ કિલોમીટર પગે ચાલીને ગયા વગર છૂટકો નહતો ભવતુભાએ જયદેવને કહ્યું ‘સાહેબ આતો ઠીક છે. વલકુ ને પાડી દીધો હોતતો? આપણે શામાં જાત? વલકુને કેવી રીતે લઈ જાત?
જયદેવે કહ્યું ગામ આખાએ આપણી ઉપર હુમલો કર્યો હોત અને ગામના બીજા બે ચાર માણસો ઓછા થયા હોત બીજુ શું? ધણી મોટી બબાલ થઈ જાત ! હસુભાઈએ જે ઉતાવળ નહિ કરવા સલાહ આપી તે ખરેખર સમયોચીત હતી અને હવે લાગે છે કે વ્યાજબી જ હતી જયદેવ મનમાં બે જમાદારોની સરખામણી કરતો હતો એક હસુભાઈ અને બીજા ઠેબા કેટલો જમીન આસમાસનો ફેર? એક રમખાણ અને કમઠાણ કરાવે એક જાન બચાવે ‘એકલાખો દેતા ના મળે બીજો ત્રાંબીયા ના તેર !
કુંદણી ગામમાં થઈ એકાદ કલાકે ચોટીલા જસદણ હાઈવે ઉપર આવ્યા રાત્રીનાં લગભગ આઠ વાગી ગયા હતા. ઘણીવારે એસ.ટી. બસ નીકળતા તેમાં બેસી જસદણ પોલીસ સ્ટેશને આવ્યા ઉભી બજારે જનતા ટોળા વળી ચર્ચા કરતી હતી અને પોલીસ સ્ટેશને તમામ સ્ટાફ યુનિફોર્મ પહેરી હથીયારો સાથે તૈયાર હતો. હાજીની કાચ ફૂટેલી ટેક્ષી પણ પોલીસ સ્ટેશનમાં પડી હતી.
વાત એમ બનેલી કે ઠાકુર અને ઠેબા પાણીની ઓરડી એ જતા જ પાંચેક કાઠીઓ હથીયારો લઈ આવી હાજીને ધમકાવી ટેક્ષી લઈને પાછા ચાલ્યા જવા કહેલ એક જણાએ ટેક્ષી ઉપર ધારીયું મારતા કાચ ફૂટી ગયેલ હાજીએ જસદણ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી કે ‘કુંદણી ગામે વલકુ અને પોલીસનો સામસામો મોરચો મંડાઈ ગયો છે.
અને લગભગ વલકુ કામ આવી ગયો હશે. ગામ લોકોએ ટેક્ષી ઉપર હુમલો કરી પોતાને કાઢી મૂકયો છે.તે રીતે પોલીસ પાર્ટી ઉપર પણ હુમલો થયો હશે. આથી પોલીસ સ્ટેશનમાંથી આ બાબતની જાણ જીલ્લાના તમામ મોટા અધિકારીઓને વાયરલેસથી કરી જસદણ આવી જવા જાણ કરી દીધેલ છે. આથી જયદેવે સૌ પ્રથમ વાયરલેસથી રાજકોટ જીલ્લા કંટ્રોલ ‚મને ખેરીયતની જાણ કરી થોડીવારમાં જ ધોરાજીથી ફોજદાર રાણાનો જયદેવ ઉપર ફોન આવ્યો કે બધુ બરાબર ને? આમ કેમ થયું? જયદેવ કડવા શબ્દોમાં કહ્યું આ તમે દુધ પાઈને બચાવેલ ઝેરી સાપ ઠાકુરતો જયાં ત્યાં ભીડાય જાય છે. પરંતુ આજે તેણે મને ભીડવવા કોશીષ કરેલ છે.
જયદેવ ચેમ્બરમાં બેઠો બેઠો વિચારતો હતો કે આ બાતમીની હકિકત જો પોતાને અગાઉ આપી હોત તો આ જગ્યાની ખાસ રેકી કરી એક ટુકમાં જવાનોને સુવાડી વલકુની વાડીથી આગળ ગોઠવી દઈ ને કવરીંગ ગ્રુપ બનાવી દેત અને અધિકારીઓ ટેક્ષીમાં આવી એસોલ્ટ (હુમલા)ની ભૂમીકા ભજવેત અને ટેક્ષીને ભગાડી મુકતા જે પાંચ કિલો મીટર ચાલવું પડયું તે ચાલવું ન પડયું હોત અને વલકુ પકડાયો હોત કે આત્મહત્યા કરી હોત કે મુઠભેડમાં કામ આવી ગયો હોત તો પણ પુરતુ પોલીસ દળ હોઈ બીજો કોઈ સવાલ જ ન રહેત. પણ ઠાકૂર અને ઠેબાએ બાજી બગાડી નાખી હતી.
પરંતુ આવા સંજોગોમાં પણ બધુ સમેસુતરે પાર ઉતરી ગયું તે પણ સદ્નસીબ જ કહેવાય. પણ જયદેવ ને મનોમન રંજ એ વાતનો હતો કે આ બનાવ બન્યાને બે કલાક જેટલો સમય થયો છતા નજીકના ભાડલા અને વિંછીયા પોલીસના કોઈ અધિકારીઓ હજુ સુધી નીકળી રવાના થયા નથી. હજુ તેમનો કોઈ પત્તો નહતો આમાં સામાન્ય જનતાનું શું સમજવું? જો મુઠભેડ (એન્કાઉન્ટર)થયું હોત તો બીજી કુમુક કયારે આવી હોત?
નોંધ: ખરેખર મુઠભેડ વાળા ઓપરેશનમાં પૂર્વ તૈયારી વગર જવાય જ નહિ. જવા માટે પુરતુ પોલીસ દળ અને સરકારી વાહન નો જ ઉપયોગ કરાય. સંવેદનશીલ વિસ્તારમાં ઓપરેશન પાર્ટી ઉપરાંત સહાયક જુથ પણ વાહન સાથે રાખવું જોઈએ.