Rajkot  : નવરાત્રિમાં ખુલ્લા મેદાનો અને પાર્ટી પ્લોટમાં યોજાતા અર્વાચીન ગરબા અને પ્રાચીન ગરબી પર રાજકોટ શહેર પોલીસની તીસરી આંખથી વોચ રાખશે. આ સાથે શહેરમાં 20થી વધુ સ્થળોએ અર્વાચીન ગરબાના મોટા આયોજન 2000થી વધુ પ્રાચીન ગરબીઓ યોજાઈ છે.

આ સાથે 16 ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં સતત પેટ્રોલિંગ કરશે. આ સાથે પોલીસની તૈયારી અંગે શહેર પોલીસ કમિશનર અને DCP ક્રાઈમ જણાવ્યા મુજબ, આ વખતે ખાસ જ્યાં અર્વાચીન રાસોત્સવના આયોજનો તેમજ મોટી પ્રાચીન ગરબીઓની નજીકમાં આવેલ હોટલ, મોલ્સ અને દુકાનોમાં લગાવેલ CCTV કેમેરા ચેક કરી તેમનું મેન્ટેનન્સ જાળવવાની સંચાલકને સૂચના આપવામાં આવશે. જેથી કોઈ ઘટના ઘટે તો તેની તપાસમાં CCTV ફૂટેજ કામ લાગી શકે તે માટે તમામ પોલીસ મથકને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે મહિલા ટીમ અને એન્ટિ રોમિયો સ્ક્વોડની 16 ટીમો ગરબાના આયોજનમાં ટ્રેડિશનલ ડ્રેસમાં સતત પેટ્રોલિંગ કરશે અને ગરબે ઘૂમતી મહિલાઓની પજવણી કે છેડતી કરતા શખ્સોને કાયદાનું ભાન કરાવશે.

આ સાથે જ ગરબા આયોજકો માટે ગાઈડ લાઈન બહાર પડાઈ છે. આ ઉપરાંત ક્રાઈમ બ્રાંચની ટીમ પણ નવરાત્રિના 9 દિવસ સતત વોચમાં રહેશે અને લુખ્ખા તેમજ આવારા તત્ત્વોને નવરાત્રિના આયોજનમાં ખલેલ પહોંચાડે તે પહેલાં જ પકડી લેવામાં આવશે. તેમજ નવરાત્રિમાં મોટા ગરબાનું આયોજન કરતા આયોજકો માટે પણ ખાસ તકેદારી ગાઈડ લાઈન પોલીસે બહાર પાડી છે. જેમાં સ્ટ્રકચર સ્ટેબિલિટી, ફાયર NOC, CCTV કેમેરા, સિક્યોરિટી સુરક્ષા સહિતના નિયમો પાળવાના અને તેમના કરાર કરી પોલીસને સોંપવાના રહેશે. ત્યારે આ વખતે નવરાત્રિના આયોજનમાં શહેરીજનોને ગરબા રમવામાં કોઈ તકલીફ ન પડે તે માટે શહેર પોલીસ સજ્જ બની છે.

આયોજકોને એમ્બ્યુલન્સ અને ડોક્ટરની ટીમનો સંપર્ક રાખવા સૂચના

પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનરની આગેવાનીમાં 4 DCP, 10 ACP અને પોલીસ મથકના PI સહિતના પોલીસકર્મીઓ પોતાના વિસ્તારમાં સઘન મોનિટરિંગ કરશે. જેમાં ફિક્સ પોઇન્ટ પર ચેકિંગની સાથે પેટ્રોલિંગ કરવામાં આવશે. જેમાં PCR વાનની સાથે બાઈક પર પેટ્રોલિંગ થશે. આ ઉપરાંત 48 બહેનોની મહિલા ટીમ અને એન્ટિ રોમિયો સ્ક્વોડ ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓની વચ્ચે રહેશે અને કોઈ રોમિયોગીરી કરતું હશે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ક્રાઈમ બ્રાન્ચ, SOG, LCB ટીમ સતત પેટ્રોલિંગ કરતું રહેશે. તેમજ આયોજકોને વિનંતી છે કે, નવરાત્રિમાં અર્વાચીન રાસોત્સવ માટેની SOPનું ચુસ્તપણે પાલન કરે અને એન્ટ્રિ-એક્ઝિટ ગેટ પર CCTV કેમેરા રાખે. આ સાથે જ એમ્બ્યુલન્સ રાખે અને ડોક્ટરોની ટીમનો અર્જન્ટ કોન્ટેક્ટ રાખે. જેથી કોઈ મેડિકલ ઇમર્જન્સી સર્જાય તો તરત મદદરૂપ થઈ શકાય.

મહિલાઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસે માઇક્રો લેવલની તમામ તૈયારીઓ કરી દીધી છે. આ સાથે પોલીસ આજથી 9 દિવસ સુધી એલર્ટ મોડ પર છે અને આફતમાં ફસાયેલી યુવતીઓ હેમેખેમ ઘર સુધી પહોંચાડવામાં મદદરૂપ થવાની છે. માત્ર પોલીસ હેલ્પલાઇન નંબર 100 ઉપર સંપર્ક કરશો તો પોલીસ વાહનની મદદ મળી જશે. પોલીસ તેમના વાહનમાં બેસાડીને યુવતી કે મહિલાને તેમના ઘર સુધી મુકી જશે. આ સાથે મોડીરાતથી પોલીસ કર્મચારીઓ સતત પેટ્રોલિંગ કરશે અને મહિલાઓની રક્ષા કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.