વિશ્ર્વ આખુ જેને નતમસ્તક બની આજે વંદન કરી રહ્યું છે તે સત્યના પુજારી અહિંસાના પ્રણેતા એવા પૂ. મહાત્મા ગાંધીજીની આજે જન્મજયંતિ છે વિદેશના લોકોએ જેટલા પૂ. બાપુના વિચારો અને સિધ્ધાંતોનો સ્વીકાર કર્યો છે. તેટલો ભારતીયોએ કર્યા નથી તે વાત પણ બાપુના વિચારો જેટલી જ શુધ્ધ અને સાચી છે. બાપૂ ગમે છે બધાને પણ જયારે ખિસ્સામાં હોય ત્યારે જ બાકી મોહનદાસ કરમચંદ ગાંધીના વિચારો આજે માત્રને માત્ર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પુરતા સિમિત રહી ગયા છે.
અહિંસક-અસહકારનું આંદોલન ચલાવી ભારતને અંગ્રેજોની 150 વર્ષની ગુલામીમાંથી મૂકત કરાવ્યો હતો. સપનામાં પણ ન વિચારી શકાય કે અંગ્રેજી સલ્તનત સામે અહિંસાનું આંદોલન અસરકારક રહેશે પૂ. બાપુ કહેતા હતા કે મારૂ જીવન જ મારો સંદેશ છે. દેશ આઝાદ થયા બાદ ગાંધીજીએ પોતાની માટે એક પણ મોટો હોદો માંગ્યો નહતો કે પોતાની જ્ઞાતિ મોઢવણિક સમાજ માટે ખાસ દરજજો માંગ્યો ન હતો. આવા ઉચ્ચ ઉદેશને બાપુ વરેલા હતા.
વિશ્ર્વનો કોઈપણ દેશ એવો નહી હોય જયાં મહાત્મા ગાંધીજીના નામનો રોડ નહી હોય અથવા પૂ. બાપુની પ્રતિમા નહી હોય. મહાત્મા ગાંધીની કદર જેટલી વિશ્ર્વના અન્ય દેશો કરે છે તેટલી ભારતીય નથી જ કરતા ગાંધી જયંતિનો દિવસ ભારતીયો માટે એક સરકારી જાહેર રજાથી સવિશેષ કશું જ નથી. રાજકીય પક્ષોના નેતાઓ પૂ. બાપુની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરે છે. અને બાપુને પ્રિય ખાદીની સામુહિક ખરીદી કરી પોતાની ફરજ પૂરી કરી લીધી હોવાનો અહોભાવ પ્રગટ કરે છે. ગાંધીવાદી લોકો સમાજને ઉપયોગી થાય તેવા કાર્યો ચોકકસ આજે કરે છે.
દેશમાં દિન-પ્રતિદિન ગાંધીજીના વિચારોના માનનારા લોકોની સંખ્યા ઘટી રહી છે. ખરેખર આ ચિંતનનો નહિ પરંતુ ચિંતાનો વિષય છે. બાપુ બધાને ખૂબ ગમે છે. પરંતુ કયારે? જયારે બાપુના ફોટાવાળી નોટોના બંડલો ખિસ્સામાં પડયા હોય ત્યારે રાષ્ટ્રપિતાનો દરજજો ધરાવતા હોવા છતાં મહાત્મા ગાંધીજીને અમૂક લોકો માન પૂર્વક બોલાવતા નથી. રાજકીય પક્ષોએ ‘બાપુ’ને નાના બનાવી દીધા છે.
હાલ મોહનચંદ કરમચંદ ગાંધીના વિચારો માત્રને માત્ર આંદોલન ચલાવવા પૂરતા સિમિત રહ્યા છે. માંગણી સાચી હોય કે ખોટી જયારે આંદોલન છેડવામાં આવે ત્યારે તેને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન એવું નામ આપી દેવામાં આવે છે.