• “નવરાત્રી શક્તિપર્વ – 2024”
  • ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી તેમજ બહુચરાજી શક્તિપીઠ ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન
  •  રાજ્યમાં માતાજીના અન્ય 7 દેવસ્થાન ખાતે પણ એક દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
  •  ગુજરાતના વિવિધ ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિમાં માતાજીની આરાધનાનો પર્વ મનાવાશેગુજરાતના ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન માતાજીના દેવસ્થાન તથા શક્તિપીઠ ભારતીય હિન્દુ આદ્યાત્મિક પરંપરાના આધાર સ્તંભ છે. નવરાત્રીના પર્વમાં માતાજીના દેવસ્થાન તેમજ શક્તિપીઠ એક અનેરી ઊર્જાની પ્રતીતિ કરાવે છે. માતાજીની આરાધનાના આ પર્વને વધુ ભવ્ય બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા અંબાજી અને બહુચરાજી શક્તિપીઠ સહિત કુલ ૯ દેવસ્થાનો ખાતે નવરાત્રી-સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે તેમ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવ્યું છે.

સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના નેતૃત્વમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ અંબાજી શક્તિપીઠ ખાતે આગામી તા.3જી થી 11મી ઓક્ટોબર અને મહેસાણા જિલ્લાના બહુચરાજી શક્તિપીઠ ખાતે તા.3જી થી 12મી ઓક્ટોબર દરમિયાન નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં માતાજીના અન્ય 7 દેવસ્થાન ખાતે પણ એક દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાનાં શ્રી હરસિદ્ધ માતા મંદિર ખાતે તા.૪ ઓક્ટોબર, મહેસાણા જિલ્લાના શ્રી ઉમિયા માતા મંદિર-ઊંઝા તથા કચ્છના આશાપુરા માતાજીના મઢ ખાતે તા.૫ ઓક્ટોબર, પંચમહાલના શ્રી મહાકાળી મંદિર-પાવાગઢ ખાતે તા.૭ ઓક્ટોબર, અમદાવાદના શ્રી ભદ્રકાલી મંદિર ખાતે તા. 8 ઓક્ટોબર, સુરેન્દ્રનગરના શ્રી ચામુંડા માતા મંદિર-ચોટીલા તથા મહેસાણાના શ્રી મોઢેશ્વરી માતા મંદિર-મોઢેરા ખાતે તા.9 ઓક્ટોબરના રોજ નવરાત્રી પર્વ નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

ગુજરાતનાં તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ ‘વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ’ આજે એક વિશેષ ઓળખ બની ચૂક્યો છે. દેશ-દુનિયામાં જાણીતા અને ગુજરાતના ગૌરવ સમાન ગરબા આજે વૈશ્વિક ઓળખ બન્યા છે, ત્યારે યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ‘સાંસ્કૃતિક વિરાસત’ પણ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા નવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે વધુમાં વધુ ભક્તોને માતાજીની આરાધના કરવાનો લ્હાવો મળી રહે તે માટે માતાજીનાં શક્તિપીઠ તેમજ દેવસ્થાનો ખાતે ભવ્ય આયોજન હાથ ધરાયું છે.

આ નવ દિવસના નવરાત્રી પર્વમાં તા.4 ઓક્ટોબરના રોજ શ્રી હરસિદ્ધ માતા મંદિર ખાતે પ્રસિદ્ધ ગાયિકા ફરીદાબેન મીર તથા તા.8 ઓક્ટોબરના રોજ અમદાવાદના શ્રી ભદ્રકાલી મંદિર ખાતે ગાયક અરવિંદ વેગડાની ઉપસ્થિતિમાં ગરબા યોજાશે. આ ઉપરાંત અન્ય સાત દેવસ્થાનો પર પણ વિવિધ ગાયક કલાકારો ખેલૈયાઓને ગરબા રમાડી માતાજીની આરાધના કરાવશે. આ માતાજીના દેવસ્થાન તથા શક્તિપીઠ ખાતે આયોજિત ભવ્ય કાર્યક્રમોમાં સામાન્ય નાગરીકોને પણ જોડાઈને માતાજીની આરાધનામાં સહભાગી થવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ ગાંધીનગરની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.