Patan : પ્રાઇવેટ પાવર ગ્રીડ કંપની પોલીસ સાથે જબરજસ્તીથી ખેડુતના ખેતરમાં થાંભલા ઉભા કરશે તો તેને ઉખાડી ફેકવા પાટણ ધારાસભ્યનું ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું હતું. ખેડૂતોને પાવર ગ્રીડ કંપની દ્વારા જંત્રીની જગ્યાએ બજાર ભાવથી વળતર ચુકવવા કલેકટરને આવેદનપત્ર અપાયું હતું. તેમજ
ખેડૂતોને ન્યાય નહિ મળે તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલનની ચિમકી આપવામાં આવી હતી. આ સાથે ખેડૂતોએ સોમવારે પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ અને ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોરને સાથે રાખી પાવરગ્રીડ કોર્પો. RE દ્વારા 765 કે.વી ડબલ સર્કિટ બનાસકાંઠા, અમદાવાદ ટ્રાન્સમિશન લાઈનના નિર્માણ કાર્યની બાબતમાં જંત્રીની જગ્યાએ હાલના બજાર ભાવથી વળતર ચૂકવા સહિત વિવિધ પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. અને આ મામલે ખેડૂતોને યોગ્ય વળતર નહીં ચૂકવાય તો ગાંધીનગર ખાતે ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી હતી.
ખેડૂતોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે.અમને સરકારની જાહેર હિતવાળી યોજનાઓનો વિરોધ નથી, પરંતુ ખેડૂતોને વળતર બાબતે ખુબજ અન્યાય થાય છે તે બાબતે વાંધો છે. આ દરમિયાન અમને જંત્રી મુજબ નહીં પણ અગાઉ ચૂકવેલ રીત મુજબ હાલના બજાર ભાવથી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
અગાઉ જે રીતે ટ્રાન્સમિશન લાઈનમાં 2017 માં લાઈનનો હેતુ વાણિજ્યક ગણી બજાર ભાવથી વળતર ચૂકવવામાં આવેલ હતું તે પદ્ધતિએ ગણતરી કરી હાલ 2024 માં જે બજાર ભાવથી વળતર થતું હોય તે ચૂકવવા માટે સુધારા હુકમ કરવામાં આવે. તેમજ ભારત સરકાર ની ROW GUIDELINE તા.14-6- 2024 આપને મળેલી સત્તાની રૂએ વાણિજ્યક ગણી હેતુ બજારભાવ થી થાંભલાનું વળતર અને તે આધારે 30% લેખે કોરીડોર નું વળતર ચુકવવામાં આવે. ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, મોરબી, પાટણ વગેરે જિલ્લામાં અગાઉ બજાર કિંમતથી વળતર ચુકવણી કરેલ છે જ્યારે અત્યારે તા.01-03-2024 નવી ગાઈડ લાઇન્સમાં વળતરમાં 200 %નો વધારો કરવા છતાં અગાઉના વર્ષના ચૂકવેલા વળતર કરતા હાલનું વળતર આશરે 300% ઓછું કેમ તેનો અમને સખત વિરોધ છે.
અગાઉ પણ ખેડૂતો દ્વારા આ અન્યાયને લઈ 3 વખત આવેદન આપેલું છે જેનું આજ દિવસ સુધી યોગ્ય પરિણામ મળેલ નથી. આ સાથે પાક નુકસાની માટે ગણવામાં આવતા ભાવ APMC 2024 ના પ્રમાણે ગણી વળતર ચૂકવાવ માંગણી કરી હતી
વધુમાં જણાવ્યું હતું કે પોલીસબળ સાથે કામ કરવાના ઓર્ડરથી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાથી જિલ્લાની શાંતિ ભંગ થશે અને કાયદાની જોગવાયમાં row ની જગ્યા કરતાં વધારે નુકશાન અન્ય જમીન પર કરવામાં આવે, તેમજ ચોમાસામાં ખેતરમાં કામ કરવાથી row સિવાયની જમીનને ખુબજ મોટાપાયા પર નુકસાન થતું હોવાથી ચોમાસામાં તાત્કાલિક કામને બંધ કરવામાં આવે એવી વિનંતી કરી હોવાનું જાણવા મળ્યું છે.
ખેડૂતોના સમર્થનમાં પાટણ કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ અને ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોરે ખેડૂતોને જણાવ્યું હતું કે તમારી આ ન્યાયની લડતમાં અમે તમારી સાથે જ છીએ. અને જો કોઈપણ પોલીસ અધિકારી કે કંપનીના માણસો તમારા ખેતરમાંતમારી સંમતિ વિના વિજ થાંભલા ઉભા કરે તો તે થાંભલા ઉખેડી ફેકવા તેઓએ જણાવ્યું હતું.
પાટણ કોંગ્રેસનાં ધારાસભ્ય કિરીટ પટેલે ખેડૂતોને કહ્યું, કોઈપણ પોલીસ અધિકારી કે કંપનીના માણસો ખેડૂતોનાં ખેતરમાં ઘૂસે અને થાંભલા ઉભા કરે તો થાંભલા તોડી નાંખો
પાટણ કલેકટર કચેરી ખાતે પાવરગ્રીડ વીજ કંપનીનાં વિરોધમાં આવેદનપત્ર આપવા પહોંચેલા ખેડુતોના સમર્થનમાં આવ્યા ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ ચાણસ્માનાં ધારાસભ્ય દિનેશજી ઠાકોર મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
દિપક સથવારા