• રાજ્યમાં અંદાજિત 18 થી 20 લાખની વિવિધ પક્ષી વસ્તી સાથે ગુજરાત
  • ‘પક્ષી જીવન’ માટે ‘સ્વર્ગ’ તરીકે ઉભરી આવ્યું : વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા

પક્ષી ગણતરીની વિશેષતાઓ:

  • દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 456 પ્રજાતિઓ જયારે કચ્છમાં સૌથી વધુ 4.56 લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા
  • સૌથી વધુ 3.62 લાખથી વધુ પક્ષીઓ સાથે નળ સરોવર બન્યું ‘હોટસ્પોટ’
  • સર્વેક્ષણ દરમિયાન 300 થી વધુ પક્ષી પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કરાયું
  • ગુજરાત 50 હજારથી પણ વધુ સ્થાનિક તથા યાયાવર- વિદેશી પક્ષીઓના હોટસ્પોટ તરીકે જાણીતું

ગુજરાતમાં વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ‘બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ: 2023-24 ને જાહેર કરતાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટેકનોલોજી, રોજગારી, રોકાણ, પ્રવાસન, પર્યાવરણ, વન્ય જીવ સંરક્ષણ અને સુરક્ષા સહિત અનેક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે, ત્યારે અંદાજિત 18 થી 20 લાખની વિવિધ પક્ષી વસ્તી સાથે ગુજરાત સાચા અર્થમાં ‘પક્ષી જીવન’ માટે પણ સમગ્ર દેશમાં સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે.

મંત્રી મુળુભાઈએ રિપોર્ટ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે,ગુજરાત સહિત ભારતભરમાં આગામી તા. 2 થી 8 ઓક્ટોબર દરમિયાન ‘વન્ય જીવ સંરક્ષણ’ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્યમાં સાચા અર્થમાં વન્ય જીવોનું સંરક્ષણ અને સંવર્ધન થઈ રહ્યું છે.પશુ-પક્ષીઓની વિશેષ સાર સંભાળ- કાળજી માટે રાજય સરકાર દ્વારા ‘કરુણા અભિયાન’, પશુ હેલ્પલાઇન, ટોલ ફ્રી નંબર અને પશુઓનું ફરતું દવાખાનું સહિત અને કવિધ નવીન સેવા પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા છે

ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 456 પક્ષી પ્રજાતિઓની વિવિધતા નોંધાઈ છે. જયારે સરહદી કચ્છ જિલ્લામાં 161 પ્રજાતિઓના 4.56 લાખ જેટલા પક્ષીઓ જોવા મળ્યા છે. આ સાથે જામનગર, મહેસાણા, બનાસકાંઠા તેમજ અમદાવાદએ પક્ષી જગતમાં નોંધપાત્ર ફાળો આપે છે. જે ગુજરાત માટે પક્ષી જીવનનો અતુલ્ય વારસો દર્શાવે છે.

ભારતના પશ્ચિમી ભાગોમાં વસેલું, ગુજરાત તેની વિવિધ ઇકોસિસ્ટમ્સ-પક્ષીઓની વિવિધતા દેશભરના પક્ષીવિદો-પ્રેમીઓને આકર્ષિત કરે છે. તેમ, જણાવી વન મંત્રીએ કહ્યું હતું કે,  કચ્છના મનમોહક રણથી લઈને લીલાછમ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સુધીના લેન્ડસ્કેપ્સના સ્પેક્ટ્રમમાં વિખરાયેલા છે. તેમજ કચ્છના રણના વિશાળ મીઠાના ફ્લેટ્સ, સ્થળાંતર ઋતુ દરમિયાન હજારો ગ્રેટર ફ્લેમિંગોના આગમનના સાક્ષી બને છે. જે સફેદ રણને ગુલાબી રંગમાં પરિવર્તિત કરે છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નેતૃત્વ વાળી સરકાર પક્ષી-પ્રાણી સંરક્ષણ અને સંવર્ધનને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. જેના ભાગ રૂપે ગુજરાતમાં સ્થિત નળ સરોવર, નડા બેટ, બોરીયા બેટ, થોળ વગેરે જેવા સ્થળો અંદાજે 50 હજારથી પણ વધુ સ્થાનિકો તથા યાયાવર એટલે કે વિદેશી પક્ષીઓના ‘હોટસ્પોટ’ તરીકે જાણીતા થયા છે.

વન મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત પ્રતિ વર્ષ શિયાળામાં, યાયાવર એવા ‘બાર-હેડેડ’ હંસનું સ્વાગત કરે છે. આ અદ્દભૂત પક્ષીઓ 7000 મીટરથી વધુની ઊંચાઈએ ‘હિમાલય’ પરથી પ્રવાસ શરૂ કરે છે અને શિયાળાની ઠંડીથી બચવા માટે ગુજરાતની ભૂમિને તેમનું હંગામી આશ્રયસ્થાન- ઘર બનાવે છે. જામનગરની આબોહવા ‘માર્શ ફ્લેમિંગો’, ‘પેલિકન’ અને ‘ક્રેન્સ’ને આવકારે છે. એવી જ રીતે, ગુજરાતના દરિયાકિનારે મેન્ગ્રોવ ઇકોસિસ્ટમ સ્થાનિક અને યાયાવર પક્ષીઓ બંને માટે ટકાઉ વાતાવરણ પૂરું પાડીને સમૃદ્ધ પક્ષી જૈવવિવિધતામાં વધારો પણ કરે છે.

વન મંત્રી મુળુભાઈએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પક્ષીઓની આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે, જામનગર વિવિધ 221 પ્રજાતિઓની સાથે 4 લાખથી વધુ પક્ષીઓની સંખ્યા ધરાવે છે. અમદાવાદ પણ રાજ્યના પક્ષી જીવનમાં નોંધપાત્ર યોગદાન આપે છે. જેમાં 3.65 લાખથી વધુ પક્ષીઓની વસ્તી સાથે 250 થી વધુ વિવિધ પ્રજાતિઓ હોવાનું ગૌરવ અમદાવાદ ધરાવે છે. સરહદી એવા નડા બેટ વેટલેન્ડ કોમ્પ્લેક્સમાં એક લાખ કરતા વધુ પક્ષીઓ વસે છે. ‘રામસર સાઈટ’ની વાત કરીએ તો કચ્છના  છારી ઢંઢની કુલ 22,700 હેક્ટર જમીનમાં 150 થી વધુ પ્રજાતિઓના 30,000 થી વધુ પક્ષીઓ માટે સુરક્ષિત નિવાસ્થાન સાબિત થયું છે. આજ રીતે, પોરબંદરમાં આવેલી મોકરસાગર ‘રામસર સાઈટ’ 100 થી વધુ પ્રજાતિઓના અંદાજે 30,000 પક્ષીઓનું નિવાસ્થાન બન્યું છે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓની પક્ષી ગણતરીની વિગતો (અંદાજે)

જિલ્લો પ્રજાતિઓની ગણતરી અને પક્ષીઓની ગણતરી

કચ્છ 161 4,56,881
જામનગર 221 4,11,552
અમદાવાદ 256 3,65,134
બનાસકાંઠા 103 1,73,881
મહેસાણા 190 1,11,611
ભાવનગર 194 72,730
દેવભૂમિ દ્વારકા 456 47,013
વડોદરા 128 29,849
ગીર સોમનાથ 80 23,224
પાટણ 71 21, 537
સુરેન્દ્રનગર 107 18,806
ભરૂચ 118 9,431
જુનાગઢ 79 8,907
મહીસાગર 64 7,380
ખેડા 42 7,297
મોરબી 66 5,585
પોરબંદર 112 5,459
સાબરકાંઠા 62 4,635
વલસાડ 84 4,430
રાજકોટ 63 4,139
નવસારી 111 3,116
દાહોદ 47 2,450
આણંદ 53 1,701
બોટાદ 29 1,517
સુરત 102 1,496
નર્મદા 44 556

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે રિપોર્ટ અંગે જણાવ્યું હતું કે, સ્થાનિક તથા યાયાવર પક્ષીઓના સર્વેક્ષણ માટે ગુજરાત વન વિભાગ દ્વારા eBird પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જેના આધારે ગુજરાતમાં પક્ષી વિવિધતા સર્વેક્ષણની આંકડાકીય માહિતી પ્લેટફોર્મ પર નિયમિત અપલોડ કરવામાં આવે છે. આ સર્વેક્ષણમાં વિવિધ પ્રદેશો, જળાશયો અને રામસર સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સર્વેક્ષણમાં એનજીઓ, વિવિધ યુનિવર્સિટીઝ તેમજ વૈજ્ઞાનિકો-પક્ષીવિદોના સહયોગથી ડેટા તૈયાર કરવામાં આવે છે.

મંત્રી મુકેશએ કહ્યું હતું કે, eBird પ્લેટફોર્મના અસરકારક ઉપયોગથી માહિતી સંગ્રહ અને વ્યવસ્થાપન કરી સર્વેક્ષણમાં 398 eBird ચેકલિસ્ટમાંથી ડેટાનો ઉપયોગ કરીને 300થી વધુ પક્ષીઓની પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. આ વર્ગીકરણમાં સ્થાનિક, યાયાવર, નિવાસી-સ્થળાંતર પક્ષીઓનો અભ્યાસ કરી ડેટા તૈયાર કરવામાં આવે છે. જેમાં બનાસકાંઠા, જામનગર, કચ્છ, અમદાવાદ, પોરબંદર, સુરત, દેવભૂમિ દ્વારકા જેવા વિવિધ જિલ્લાઓમાં 13 નજીકના જોખમી, 4 જોખમમાં મૂકાયેલા, 7 સંવેદનશીલ અને 1 ગંભીર રીતે જોખમી જાતિઓનું અવલોકન કરવામાં આવ્યું હતું.

મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યની ‘રામસર સાઇટ્સ’માં નળ સરોવર અને ખીજડિયા પક્ષી અભયારણ્ય  મુખ્ય ભાગ ભજવે છે. પક્ષી ગણતરી દરમિયાન નળ સરોવર ખાતે પ્રભાવશાળી 228 વિવિધ પક્ષીઓની પ્રજાતિઓનું તથા ખીજડિયા પક્ષી અભયારણ્યમાં 200 થી વધુ પ્રજાતિઓનું તલસ્પર્શી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

પક્ષીઓના ‘હોટસ્પોટ’ એવા નળ સરોવર ખાતે સૌથી વધુ 3.62 લાખથી વધુ પક્ષીઓ જ્યારે ખીજડિયામાં 1.50 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે.

રાજ્યમાં 50 હજારથી વધુ પક્ષીઓ ધરાવતા ‘હોટસ્પોટ’

જિલ્લો અવલોકન કરાયેલ પક્ષીઓની સંખ્યા

નળ સરોવર અમદાવાદ 3,62,641
તોરણીય-જોડિયા જામનગર 1,59,331
નડા બેટ વેટલેન્ડ કોમ્પ્લેક્ષ કચ્છ 1,45,204
થોળ મહેસાણા 1,11,611
નડા બેટ વેટલેન્ડ કોમ્પ્લેક્ષ બનાસકાંઠા 1,02,020
ઇન્ડિયા-પાકિસ્તાન બોર્ડર રોડ- કચ્છ કચ્છ 90,225
બોરીયાબેટ કચ્છ 81,751
INS વાલસુરા રોડ- જામનગર 73,631
નડા બેટ વેટલેન્ડ કોમ્પ્લેક્ષ- જગમલ બેટ ટાવર બનાસકાંઠા 62,714

આમ, ebird પ્લેટફોર્મ માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ સમગ્ર દેશમાં કાર્યરત છે. ભારત સહિત વૈશ્વિક સ્તરે પક્ષી સંવર્ધન, સંરક્ષણ અને જતન કરવાના ઉદ્દેશ્યથી અનેકવિધ નોંધપાત્ર પ્રયાસો ચાલી રહ્યા છે તેમ, મંત્રી મુકેશએ વિગતો આપતા ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.