• ગાંધીનગર ખાતે કૌશલ્ય વિકાસ મંત્રી બલવંતસિંહ રાજપૂતને MG મોટર્સના પ્રતિનિધિઓએ વાહનોની ચાવી અર્પણ કરી
  • રૂપિયા  45 લાખની કિંમતના બે વાહનો પૈકી એક વાહન અમદાવાદની ITI – કુબેરનગરને અને બીજું વાહન મહીસાગરના ITI – લુણાવાડાને અપાશે

ભારતને વિશ્વનું “સ્કિલ હબ” બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે ગુજરાત સરકાર કટીબદ્ધતા સાથે આગળ વધી રહી છે. યુવાનોને કૌશલ્યવાન બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા કરાઈ રહેલા પ્રયાસોમાં હવે વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓ પણ જોડાઈ છે. આ સાથે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ વિભાગ હેઠળની “કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સીટી”ના એફીલેટેડ પાર્ટનર MG મોટર્સ-હાલોલ દ્વારા વિદ્યાર્થીઓની પ્રેક્ટીકલ તાલીમ માટે રૂ. 45 લાખની કિંમતના બે સ્ટેટિક વાહનો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગાંધીનગર ખાતે આજે MG મોટર્સ-હાલોલના પ્રતિનિધિ મંડળે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતને વિદ્યાર્થીઓ માટે સમર્પિત બંને સ્ટેટિક વાહનોની ચાવી અર્પણ કરી હતી. આ સાથે રાજ્યમાં ઓટોમોબાઈલ ટ્રેડના તાલીમાર્થીઓને પ્રેક્ટીકલ તાલીમ આપવા માટે આ વાહનો પૈકી એક MG ઝેડએકસ-ઇવી વાહન અમદાવાદની ITI – કુબેરનગરને તેમજ બીજું MG હેક્ટર વાહન મહીસાગરના ITI – લુણાવાડાને આપવામાં આવ્યા છે.

શ્રમ અને રોજગાર મંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે, આ વાહનોની મદદથી મિકેનિક-ઇલેક્ટ્રિક વ્હીકલ અભ્યાસક્રમ, મિકેનિક મોટર વ્હીકલ અભ્યાસક્રમ તેમજ ઓટોમોબાઇલ સેક્ટરના અન્ય અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને નવીન ટેકનોલોજીની પ્રાયોગીક તાલીમ આપી શકાશે.

આ ઉપરાંત મંત્રીએ MG મોટર્સના પ્રતિનિધિઓ સાથે યુવાનોના કૌશલ્ય વિકાસ માટે રાજ્ય સરકાર અને ઔદ્યોગિક સંસ્થાઓએ કરેલા કેટલાક સંયુક્ત ઉપક્રમો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ વિનોદ રાવ, રોજગાર અને તાલીમ નિયામક ગાર્ગી જૈન, કૌશલ્યા – ધ સ્કીલ યુનિવર્સિટીના મહાનિયામક ડૉ. એસ. પી. સિંઘ તેમજ રજીસ્ટ્રાર રેખા નાયર, MG મોટર્સ HR ના સીનીયર ડાયરેક્ટર યશવિન્દરસિંઘ પટિયાલ,  જનરલ મેનેજર કિરણસિંહ રાઠોડ તેમજ ડેપ્યુટી મેનેજર સલોની મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.