• જામકંડોરણામાં રાજકોટ જિલ્લાની અગ્રણી સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં ઉપસ્થિત રહેતા મુખ્યમંત્રી
  • મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે, રાજકોટ જિલ્લા સહકારી બેન્ક સહિત જિલ્લાકક્ષાની સાત સહકારી સંસ્થાઓનો વાર્ષિક સાધારણ સભા-સમારોહ યોજાયો હતો.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આપણને “સહકારથી સમૃદ્ધિ”ના સૂત્ર સાથે સહકારી ક્ષેત્રે આગળ વધવાનો કાર્યમંત્ર આપ્યો છે. ગુજરાત આઝાદીના આંદોલનમાં પણ અસહકારની ચળવળમાં અગ્રેસર હતું. આજે એ જ ગુજરાત વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારીતા મંત્રી  અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રમાં અગ્રેસર છે. ગુજરાતમાં આવેલી સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા માટે વડાપ્રધાને સહકાર મંત્રાલયની સ્થાપના કરેલી છે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રના વિકાસથી ખેડૂત, ખેતી, મહિલા અને ગામડાઓ સક્ષમ બન્યા છે તેની પ્રતીતિ આજનો આ ઉત્સવ કરાવે છે. રાજકોટ જિલ્લાની સપ્ત સહકારી સંસ્થાઓ જનસેવા અને જન કલ્યાણ માટે જે રીતે કાર્ય કરી રહી છે તે અભિનંદનને પાત્ર છે.  રાજકોટ જિલ્લા સહકારી બેન્કની પ્રગતિની વિગતો સાથે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજકોટ અને મોરબી જિલ્લાની 450 જેટલી સહકારી મંડળીઓના આશરે બે લાખ 35 હજાર જેટલા ખેડુતો આ બેન્ક સાથે જોડાયેલા છે.  વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આ બેન્કના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું, તેનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ બેન્ક આજે નાના માણસોને 24 કલાક રોકડની સેવા આપી રહી છે. આ બેન્ક નાના માણસો અને નાના ખેડૂતોની મોટી બેન્ક તરીકે ઊભરી આવી છે. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ પણ ગોપાલ ડેરી ચલાવી પશુપાલકોના કલ્યાણ માટે કાર્ય કરી રહ્યો છે. આ સંઘ સાથે જોડાયેલી અડધાથી પણ વઘુ મંડળીઓ મહિલાઓ સંચાલિત છે. આ રીતે વડાપ્રધાનના સ્ત્રી સશક્તિકરણ તથા વુમન લેડ ડેવલપમેન્ટના વિચારને રાજકોટ દુધ ઉત્પાદક સંઘ સાર્થક કરી રહ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટ સહકારી ક્ષેત્રે વર્ષોથી ઉતરોત્તર પ્રગતિ કરતું આવ્યું છે. રાજકોટ અને સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓએ સહકારિતા ક્ષેત્રે નવા આદર્શો પ્રસ્થાપિત કર્યા છે. સહકારી અગ્રણીઓ સ્વ. અરવિંદભાઈ મણીયાર, સ્વ. વલ્લભભાઈ તથા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાને સ્મૃતિ અંજલી આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં સહકારિતા ક્ષેત્રને મજબૂત કરવામાં આ મહાનુભાવોનું વિશેષ યોગદાન છે.

“વિના સહકાર નહિ ઉદ્ધાર”, “સૌનો સાથ, સૌનો વિકાસ”ની સહકારીતાની ભાવના ગુજરાતીઓના સ્વભાવ અને સંસ્કારમાં સહજ રીતે વણાયેલી છે, એમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતની સહકારી ચળવળ સમાજવાદ અને મૂડીવાદ સામે વૈકલ્પિક મોડેલ તરીકે ઊભરી આવી છે.

આપણે ત્યાં સેવા મંડળી, ક્રેડિટ મંડળી, મહિલા મંડળી, મચ્છી મંડળીના કારણે દલિત, ગરીબ, પછાત, ઉપેક્ષિત, ખેડૂતો અને અને શ્રમિકો આર્થિક રીતે સમૃદ્ધ અને પગભર થયા છે. ગુજરાતે મેક્રો અને માઈક્રો સ્તરે સહકારીતાના લક્ષ્યાંકો સિદ્ધ કર્યા છે.

સહકારી ક્રાંતિ સાથે ગ્રીન ગ્રોથને પ્રોત્સાહન આપવા અપીલ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સહકાર સેવાના સંસ્કારની સાથે, સંસ્કાર સ્વચ્છતા અને સ્વભાવ સ્વચ્છતાને જીવનમાં વણીને સ્વચ્છ ગુજરાત માટે યોગદાન આપીએ. સૌ સાથે મળીને સ્વચ્છ અને નિર્મળ ગુજરાત બનાવીએ.

વડાપ્રધાન  નરેન્દ્ર ભાઈ મોદીએ શરૂ કરાવેલું “એક પેડ માઁ કે નામ” અભિયાન હવે માત્ર વૃક્ષારોપણ અભિયાન જ નથી રહ્યું પણ તે સ્વચ્છ, સ્વસ્થ અને ગ્રીન ગુજરાતના બહુ આયામી મંત્રને પ્રોત્સાહન આપી રહ્યું છે. આજે દેશમાં વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી તથા સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં વિકસી રહેલી સહકારી પ્રવૃત્તિઓનું વિશાળ વટવૃક્ષ વિકસિત રાષ્ટ્રના ધ્યેયને સિદ્ધ કરવામાં મહત્વનું યોગદાન આપશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ તકે કૃષિ અને પશુપાલન મંત્રી  રાઘવજીભાઈ પટેલે જિલ્લા સહકારી બેન્કની વિશિષ્ટ સિદ્ધિઓ જણાવતા કહ્યું હતું કે, રાજકોટ જિલ્લા સહકારી બેન્ક દ્વારા ખેડૂતોને રૂ. 10 લાખનો અકસ્માત વીમો અને ગંભીર માંદગીના કિસ્સામાં રૂ. 15 હજારની સહાય આપવામાં આવે છે.

વધુમાં, તેમણે સરકારના ખેડૂત કલ્યાણલક્ષી પ્રયાસો વર્ણવતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને  કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર લાખો ધરતીપુત્રો પાસેથી વિવિધ જણસીઓની વાજબી અને પોષણક્ષમ ભાવે ટેકાની ખરીદી કરીને તેઓને આર્થિક સહાય કરી રહી છે. તેમજ વડાપ્રધાનના ’ખેડૂતોની આવક બમણી કરવા’ના સપનાને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ થકી રાજ્યભરના ખેડૂતો સમૃદ્ધ બની રહ્યા છે. આમ, પ્રધાનમંત્રીના દૂરંદેશીપણા તેમજ મુખ્યમંત્રીના પ્રોત્સાહન થકી ગુજરાત ખેતી ક્ષેત્રે ઉતરોત્તર પ્રગતિ સાધી રહ્યું છે. ત્યારે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના ધ્યેયને સિદ્ધ કરવા સહકારી સંસ્થાઓ હજુ વધુ સહયોગી બનશે તેવી આશા  કૃષિમંત્રીએ વ્યક્ત કરી હતી.

આ તકે ઈફકો-ન્યુ દિલ્હીના ચે2મેન  દિલીપભાઈ સંઘાણીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ  રામભાઈ મોકરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ પ્રવિણાબહેન રંગાણી, રાજકોટના મેયર  નયનાબહેન પેઢડિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, કાંતિભાઈ અમૃતિયા,  રમેશભાઈ ટીલાળા અને  ડો. મહેન્દ્રભાઈ પાડલિયા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ  હંસાબેન પારઘી, ડો. ભરતભાઈ બોઘરા અને   અલ્પેશભાઈ ઢોલરિયા, સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર ઉપાધ્યાય, ગુજરાત સ્ટેટ કો.-ઓપ. બેન્કના ચેરમેન અજયભાઈ પટેલ, નાબાર્ડના સી.ઈ.ઓ. બી. કે. સીંઘલ, નાબાર્ડના જનરલ મેનેજર  સોમેન્દરસિંઘ, રાજકોટ ડિસ્ટ્રી. કો.-ઓપ. બેન્કના વા.ચે2મેન  મગનભાઈ વડાવીયા, મેનેજીંગ ડિરેકટ2  ઘનશ્યામભાઈ ખાટરીયા, જનરલ મેનેજર  વી.એમ. સખીયા, રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ  ગોરધનભાઈ ધામેલિયા, રાજકોટ ડેરીના પૂર્વ અધ્યક્ષ  ગોવિંદભાઈ રાણપ2ીયા, અન્ય સહકારી આગેવાનો, ખેડૂતો હાજર રહ્યા હતા.

  • સહકારી ક્ષેત્રે 90 ટકા ચૂંટણી બિનહરિફ થશે, ખીલી પણ નહી હલવા દઉ: જયેશભાઇનો ખોંખારો
  • મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જયેશભાઇ રાદડિયાએ પિતા વિઠ્ઠલભાઇના અંદાજમાં ગેરેન્ટી આપી

સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રે કદાવર ખેડૂત નેતા સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાની કમી હવે જયેશભાઇ રાદડિયાએ ભરપાય કરી દીધી છે. તેઓ એક સહકારી નેતા તરીકે ઉભરી આવ્યા બાદ સફળ પણ રહ્યા છે. તેઓના નેતૃત્વમાં રાજકોટ જિલ્લા બેન્કે સાત વર્ષમાં બમણો વિકાસ કર્યો છે. દરમિયાન ગઇકાલે જામકંડોરણા ખાતે યોજાયેલી રાજકોટ જિલ્લા બેઠકની વાર્ષિક સાધારણ સભામાં તેઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં એવું એલાન કર્યું હતું કે સહકારી ક્ષેત્રની 85 થી 90 ટકા સંસ્થાઓની ચૂંટણી પૂરી થઇ ગઇ છે. જેમાં મોટાભાગની બિનહરિફ થવા પામી છે. આગામી સાતેક મહિનામાં રાજકોટ જિલ્લા બેન્ક અને રાજકોટ ડેરીની ચૂંટણી થશે. સહકારી આગેવાનોને હું ખાતરી આપુ છું કે 90 ટકા ચૂંટણી બિનહરિફ થશે બધુ ગોઠવાય ગયું છે. જે 10 ટકા ચૂંટણી થાય છે ત્યાં આપણા આગેવાનો જ ચૂંટાયા છે. જો કશુ આડા અવળુ થશે તો તેને વ્યવસ્થિત કરવાની અમારી તૈયારી છે. સહકારી ક્ષેત્રે ખીલી પણ નહી હલવા દઉ. જયેશભાઇના આ ખોખારાથી વિઠ્ઠલભાઇ રાદડિયાની સ્મૃતિ જીવંત થઇ હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.