- 95 લાખથી વધુના ફટાકડા કબ્જે
- બે સગા ભાઈઓની ધરકપડ
- એક આરોપી વોન્ટેડ જાહેર
સુરતની વરાછા પોલીસે ફટાકડાનું ગોડાઉન ઝડપી પાડ્યું છે. રહેણાંક વિસ્તારમાં વગર પરમિશને ફટાકડાનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેથી વરાછા પોલીસે બાતમીના આધારે રેડ પાડીને 95 લાખથી વધુના ફટાકડા કબ્જે કર્યા હતા. આ ઉપરાંત ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું હતું. આગની બનતી ઘટનાને પગલે પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં ફટાકડાનું ગોડાઉન ચલાવતા ઈસમો પાસે કોઈ પરમીટ ન હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે બે સગા ભાઈઓની ધરકપડ કરી છે. જ્યારે એક ભાઈને વોન્ટેડ જાહેર કર્યો છે.
ગોડાઉનનું 75 હજાર રૂપિયા માસિક ભાડુ ચૂકવાતુ
મળતી માહિતી પ્રમાણે, આરોપીઓ મૂળ ભાવનગરના હમીરપરાના ચેતન સાંગાણી, તેના બંને ભાઈ અશ્વીન અને મોનજી ઉર્ફે મુન્નાએ સંતોષીનગરમાં પરેશ આહીરની દુકાન અને ગોડાઉન ભાડેથી રાખ્યું હતું. જેમાં ગેરકાયદેસર સ્ફોટક ફટાકડાનો સ્ટોક સંગ્રહ કરી રાખ્યો હતો. ફાયર શેફટીના સાધનો ન હોવાના કારણે લોકોની જીંદગીઓ જોખમમાં મુકાઇ હતી. આ અંગે વરાછા પોલીસને બાતમી મળતા રેડ પાડવામાં આવી હતી. જેમાં સ્ફોટક પદાર્થ અલગ અલગ કંપનીનાં ફટાકડાનાં ખાખી કાર્ટુન અને અલગ-અલગ કંપનીના છુટક ફટાકડા સહિત અંદાજે 95.17 લાખનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ આ દુકાન અને ગોડાઉનનું 75 હજાર રૂપિયા માસિક ભાડુ ચૂકવવામાં આવતું હતું.
ACP પી. કે. પટેલે આપી માહિતી
ACP પી. કે. પટેલે જણાવ્યું હતું કે, આગામી દિવાળી તહેવારને ધ્યાનમાં રાખી વરાછા પોલીસની ટીમ દ્વારા બાતમીના આધારે ગેરકાયદે સંગ્રહ કરેલો ફટાકડાનો સ્ફોટકનો જથ્થો મળી આવ્યો છે. આ ફટાકડાને લઈને લાયસન્સ પણ ન હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે વરાછામાં આવેલા ગોડાઉનમાંથી 95.17 લાખનો ફટાકડાનો જથ્થો કબજે કર્યો છે.
માનવ જિંદગીને નુકસાન કરવાની કલમ મુજબ કરાઇ કાર્યવાહી
વધુમાં જણાવ્યું હતું કે, જથ્થો રાખનાર બે સગા ભાઈઓની એક્સપ્લોઝિવ એક્ટ, માનવ જિંદગીને નુકસાન કરવાની નવી કલમ પ્રમાણે કાર્યવાહી કરી ધરપકડ કરી છે. બંને આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ ઈસમો તમિલનાડુના શીવાકાશીથી દિવાળી પહેલા ફટાકડાનો જથ્થો લીધો હતો. આ જથ્થો રાખવા માટે કોઈ ફાયર અને સેફ્ટી સહિતની પરમિશન કે લાયસન્સ લેવામાં આવ્યું ન હતું.
રેસીડેન્સી વિસ્તારમાં વિસ્ફોટક જથ્થોથી રાખવાની કોઈ દુર્ઘટના
આ ઉપરાંત સ્ફોટ્ક જથ્થોને વરાછા પોલીસ દ્વારા સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યો છે. ફટાકડા હોવાથી તેને સુરશ્રિત જગ્યાએ રાખવી ખૂબ જ જરૂરી હોય છે. રેસીડેન્સી વિસ્તારમાં આવો વિસ્ફોટક જથ્થો રાખવાની કોઈ દુર્ઘટના બની શકે છે. જેથી હાલ તો આ બંને ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ આરોપીના વધુ એક ભાઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
ભાવેશ ઉપાધ્યાય