જામંકડોરણા: રાજકોટ જિલ્લાના જામંકડોરણા ખાતે આવતીકાલે એટલે કે રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જિલ્લાની રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક, રાજકોટ ડેરી, રાજકોટ જિલ્લા સહકારી સંઘ, રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘ, રાજકોટ જિલ્લા કો.ઓપ. કોટન માર્કેટીંગ યુનિયન, રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રાલી તથા રાજકોટ જિલ્લા સહકારી બેંકના કર્મચારીઓની મંડળીની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવેલ છે. જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયા સહિતના જિલ્લા ભરનાં સહકારી આગેવાનો સહિત સહકારી પરિવારના લગભગ 10 હજાર જેટલા લોકો આ વાર્ષિક સાધારણસભાઓમાં ઉપસ્થિત રહેનાર છે. ત્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહેવાના હોવાથી હેલીપેડ થી લઈને સ્ટેજ સુધી કડક પોલીસ બંદોબસ્ત અત્યારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ કાર્યક્રમમાં આવતા તમામ મહેમાનો માટે બેસવાની સુંદર વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. ત્યારે આ કાર્યક્રમને લઇ ધારાસભ્ય જયેશ રાદડિયાની હાજરીમાં તમામ કામગીરી તેમજ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી હતી.
આ સાથે જામકંડોરણાના કાલાવડ રોડ ખાતે આવેલા કુમાર છાત્રાલયમાં યોજાનાર સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રીઓ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રશે. તેમજ તે બધા ને ખેડૂત નેતા જયેશ રાદડિયા આવકારશે. આ સાથે આરડીસી બેંક, રાજકોટ દૂધ ઉત્પાદન સંઘ લી., રાજકોટ જિલ્લા ખરીદ વેચાણ સંઘ લી., રાજકોટ જિલ્લા સહકારી સંઘ, રાજકોટ જિલ્લા કો.ઓપ.કોટન માર્કેટીંગ યુનિ.લી., રાજકોટ જિલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રાલી, રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંક લી.ના કર્મ.સ.મં.લી.ની રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાનારી આ વાર્ષિક સાધારણ સભામાં ઉદઘાટક તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને દીપ પ્રાગટ્ય વિધી કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવશે.
આ તકે મંત્રી કુંવરજી બાવળીયા અને ભાનુ બાબરીયા અને સહકાર મંત્રી જગદીશ વિશ્ર્વકર્મા સહિતના મંત્રીઓ તેમજ સાંસદ પરસોતમ રૂપાલા ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ જેઠા આહીર અને અજય પટેલ તેમજ બી.કે.સિંઘલ, ગોવિંદ રાણપરીયા તેમજ ધારાસભ્યો અને સહકારી અગ્રણીઓ હાજર રહેશે. તેમજ આ પ્રસંગે RDC બેંકના ચેરમેન જયેશ રાદડિયા અને જનરલ મેનેજર વી.એમ.સખીયા, અને મંડળીઓના પ્રમુખો દ્વારા નિમંત્રણ અપાયા છે. રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં અકસ્માત વિમા ચેકનું વિતરણ, સહકારી શિબિર અને મોટર સાયકલ ઈનામ વિતરણ મહાનુભાવોના હસ્તે કરાશે. આ તકે ખેડૂત નેતા અને ગરીબોના બેલી એવા સ્વ.વિઠ્ઠલ રાદડિયાને ખાસ શ્રધ્ધાસુમન અર્પણ કરાશે. જેને લગતી તમામ કામગીરી ધારાસભ્ય જયેશ રદ્દીયાની હાજરીમાં પૂર્ણ કરવામાં આવી હતી.
પ્રવિણ દોંગા