• કોન્સ્ટેબલ બોનટ પર બેસી વાયપરના સહારે 300 મીટર સુધી જીવના જોખમે લટકી ગયો
  • કાર ઊભી રાખતા બંનેની ધરપકડ કરવામાં આવી
  • બ્રિજ પર લોકોનું ટોળું ભેગું થઈ ગયું
  • કાર ઉભી રહી તે સાથે જ અંદર બેસેલી બંને યુવતીઓ સરકી ગઇ

સુરત: વાલક પાટિયા બ્રિજ પાસે જોખમી રીતે કાર ઉભી રાખી રિલ બનાવી રહેવાં બે યુવક-યુવતીઓને ત્યાંથી જવાનું કહેનાર ટ્રાફિક કોંસ્ટેબલ પર જ કાર ચડાવી કચડી નાંખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોન્સ્ટેબલ બોનટ પર બેસી વાયપરના સહારે 300 મીટર સુધી જીવના જોખમે લટકી ગયો હતો. આખરે કાર ઊભી રાખતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ, ટ્રાફિક શાખાના રિજીયન-વનમાં લોક રક્ષક તરીકે ફરજ બજાવતા નિલેશ પ્રેમજી ગતરોજ બપોરે રાબેતા મુજબ ગોપીન ગામ તરફની સાઈડથી વાલક બ્રિજ પર સ્પીડ ગન લઈને ઉભો હતો. ત્યારે નિયત કરેલી સ્પીડ કરતાં વધુ ઝડપે જતાં વાહનચાલકોને રોકવાની કામગીરી કરતા આ કોન્સ્ટેબલને બપોરે સાડા બાર વાગ્યે આ બ્રિજ પર એક વેન્યુ કાર ઉભી રહેલી જોવા મળી હતી. બે યુવક અને બે યુવતીઓ આ કાર પાસે ઉભા રહી રીલ બનાવી રહ્યાનું જણાઈ આવ્યું હતું. આ કોન્સ્ટેબલે ઓવર બ્રિજ પર અકસ્માત થવાની સંભાવનાઓથી વાકેફ કરી ત્યાંથી જતા રહેવાનું કહેતાં ચારેય કારમાં તો બેસી ગયા હતા, પરંતુ કાર સીધી જ કોન્સ્ટેબલ તરફ હંકારી તેની પર ચઢાવી દેવાની કોશિશ કરી હતી.

ચેતી ગયેલો કોન્સ્ટેબલ કૂદીને કારના બોનેટ પર પહોંચી ગયો હતો અને કારના વાયપર પકડી લીધા હતા. કાર પર પોલીસ કર્મચારી હોવાનું અને તેનું મૃત્યુ થઈ શકે તેવું જાણવા છતાં ચાલકે કાર ઉભી રાખી ન હતી. બાજુમાં બેસેલો યુવક પણ તેને ચાલકને ઉશ્કેરવાની કોશિશ કરતો હોઇ આ કોન્સ્ટેબલ એલર્ટ થઈ ગયો હતો. ડ્રાઈવર તરફ આવી જઈ તેનું વિઝન રોકવાની સાથે બોનટ પર લાતો ફટકારતાં કાર ચાલકે 300 મીટર આગળ જઇ કાર રોકવાની ફરજ પડી હતી.

આ દરમ્યાન બ્રિજ પર લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. કાર ઉભી રહી તે સાથે જ અંદર બેસેલી બંને યુવતીઓ સરકી ગઇ હતી. બીજી તરફ સરથાણા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી. બંને વિરૂદ્ધ આ કોન્સ્ટેબલે હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર ચાલક પ્રાંજલ રમેશ ખેની (રહે, સમાટ સોસા., પૂણાગામ) અને ધ્રુપીન હસમુખ વાસાણી (રહે, સુર્યકિરણ સોસા., ચીકુવાડી)ની ધરપકડ કરી હતી.

પોલીસને કચડી નાંખવાનો પ્રયાસ કરનાર કારચાલક પ્રાજલ ખેની કાપોદ્રાની કોલેજમાં બીકોમના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેના પિતા ખેતીકામ કરે છે. જ્યારે ધુપીન વાસાણી હીરાના કારખાનામાં નોકરી કરે છે. પ્રાજલ મિત્રની પાસેથી કાર લઈ આવ્યો હતો અને મિત્રએ પણ કાર ભાડેથી લીધી હતી. બંને આરોપીઓ સાથે કારમાં બે યુવતીઓ પણ હતી. યુવતીઓ તેમની બહેનપણી હોવાનું પોલીસનું કહેવું છે. જો કે, બંને યુવતી તરત જ ભાગી છૂટી હતી.

ભાવેશ ઉપાધ્યાય 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.