• ડિવિઝનોથી માંડી ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પેરોલ ફર્લો શાખાની છ ટીમો સતત મેદાનમાં રહેશે

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં માતાજીના નવલા નોરતાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે. નવદુર્ગાની આરાધનાની સાથોસાથ પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની જતું હોય છે. ત્યારે અગાઉ ગણેશ મહોત્સવમાં સુરત સહિતના શહેરોમાં બનેલી ઘટનાને પગલે પોલીસ સચેત થઇ ગઈ છે અને માતાજીના નવલા નોરતામાં કોઈ જ અઘટિત બનાવ ન બને તેના માટે એક્શન પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે. શહેર પોલીસ દ્વારા નવરાત્રીના દિવસો દરમિયાન ડિવિઝનથી માંડી ક્રાઇમ બ્રાન્ચની ચાર ટીમો, એસઓજી અને પેરોલ ફર્લો શાખાની બે ટીમો એમ બ્રાન્ચોની કુલ છ ટીમો સતત મેદાનમાં રહેશે. ઉપરાંત દરેક પોલીસ સ્ટેશનની ટીમો પણ પેટ્રોલિંગ કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા મેદાનમાં હાજર રહેશે.

શહેર પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર માતાજીના નવલા નોરતામાં રાસોત્સવના આયોજનો માટે અગાઉ જ ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. જેમાં ખાસ તો સુરક્ષા વ્યવસ્થા પર વધુ ભાર આપવામાં આવ્યો છે. નવરાત્રીના આયોજનોને મંજૂરીની અંતિમ મહોર મારતા પૂર્વે થાણા અધિકારીઓને સ્થળ વિઝીટ કરી સુરક્ષાના ધારાધોરણોનું પાલન થાય છે કે કેમ તે અંગે તાગ મેળવી લેવા આદેશો આપી દેવામાં આવ્યા છે.

હવે પોલીસ દ્વારા નવરાત્રીના નવ દિવસોમાં કોઈ અઘટિત બનાવ ન બને તેના માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે એક્શન પ્લાનમાં મહિલાઓની સુરક્ષાને પ્રાધન્યતા આપવામાં આવી છે. જેના માટે ખાસ શી ટીમોને ગ્રાઉન્ડ પર રાખવામાં આવશે અને આવારા તત્વો પર લગામ લગાવવા આ ટીમો કાર્યરત રહેશે.

બીજી બાજુ નવરાત્રી દરમિયાન આવારા તત્વો અને ટીખળખોરો કોઈ કાંકરીચાળો ન કરે તેના માટે શહેર પોલીસના તમામ થાણા અધિકારીઓને એક – એક સ્પેશિયલ ટીમ તૈયાર કરી પેટ્રોલિંગ કરવા સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનની પીસીઆર પણ સતત પેટ્રોલિંગ ચાલુ રાખશે. સાથોસાથ મહત્વની બ્રાન્ચો જેવી કે ક્રાઇમ બ્રાન્ચની ચાર ટીમો, એસઓજીની એક ટીમ, પેરોલ ફર્લો સ્કવોડની એક ટીમ તેમજ એલસીબી ઝોન-1 અને ઝોન-2ની ટીમો પણ સતત ફિલ્ડમાં રહીને આવારા તત્વોની હિલચાલ પર નજર રાખશે અને જરૂરિયાત જણાય તો અટકાયતી પગલાં પણ લેશે.

મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્યતા : શી ટીમની 16 ટીમો વોચમાં રહેશે

નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્યતા આપવામાં આવશે. જેના માટે ટીમો પણ તૈયાર કરી લેવામાં આવી છે. ખાસ નવરાત્રી દરમિયાન શી ટીમની 16 ટીમો ખાનગી કપડાં અને યુનિફોર્મમાં અલગ અલગ આયોજનોમાં, જાહેર સ્થળો પર સતત વોચમાં રહેશે. આ દરમિયાન મહિલાઓની પજવણી કે છેડતી કરનારા આવાર તત્વોને અટકાયતમાં લઇ કાયદાના પાઠ ભણાવશે.

મહિલાઓની સુરક્ષા માટે 181 અને 100 નંબરની ટીમો સ્ટેન્ડ બાય રહેશે

ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર રાસોત્સવ પૂર્ણ થયાં બાદ મોડી રાત્રે મહિલાઓ ઘરે પરત ફરતી હોય છે ત્યારે તેમને સહેજ પણ અજુગતું લાગે કે પછી કોઈ આવારા તત્વો તેમની આસપાસ ભાટકતા હોય અને ભય લાગે તો તાત્કાલિક 181 અભયમ અથવા 100 નંબર પર કોલ કરી શકે છે. ફોન આવ્યાની ગણતરીની મિનિટોમાં ટીમ ઘટનાસ્થળે પહોંચી જશે અને મહિલાને હેમખેમ તેમના નિવાસસ્થાન સુધી પહોંચાડી દેશે.

સંવેદનશીલ વિસ્તારોને અલગ તારવી સઘન પેટ્રોલિંગ હાથ ધરાશે

શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં થતાં રાસોત્સવ કે ગરબીની પણ અલગ યાદી તૈયાર કરવામાં આવી રહી છે. આ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે તેવું ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ જણાવ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.