- ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલીશન
- 36 જેસીબી, 50થી વધુ ટ્રેક્ટર, પાંચ હિટાચી અને 10 ડમ્પર સહિતની મશીનરીથી ‘સફાયો’ બોલાવ્યો
- સોમનાથ મંદિર ટ્રસ્ટની જગ્યામાં ગેરકાયદે ખડકી દેવાયેલા આઠેક ધાર્મિક સ્થળો સહિતના દબાણો તોડી પડાયા
દેશના હિન્દૂ ધાર્મિક સ્થળોની આસપાસ ગેરકાયદે ખડકી દેવામાં આવતા દબાણો હટાવવાનો સમય હવે પાકી ગયો છે. કરોડો હિંદુઓની આસ્થાના પ્રતીક સમાન અયોધ્યા, કાશી વિશ્વનાથ સહિતના સ્થળોની આસપાસ ખડકી દેવામાં આવેલ દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધર્યા બાદ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમા આવેલા હિન્દૂ ધાર્મિક સ્થળોની આસપાસ ગેરકાયદે ઉભા કરી દેવાયેલા અન્ય ધર્મોના ધાર્મિક સ્થળો અને ઝુપ્પડપટ્ટીઓ દૂર કરવાની ઝુંબેશ શરૂ થઇ ચુકી છે. અગાઉ દ્વારકા, બેટ દ્વારકા અને હર્ષદ માતાના સ્થાનોની આસપાસના ગેરકાયદે દબાણો હટાવ્યા બાદ હવે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કે જેઓ દાદાના હુલામણાં નામથી પ્રચલિત છે તેમનું બુલડોઝર સોમનાથ દાદાના દરબાર આસપાસ ફરી વળ્યું છે. સોમનાથ મંદિર ટ્રસ્ટની જગ્યામાં ખડકી દેવામાં આવેલા આઠેક ધાર્મિક સ્થળો સહિતના દબાણો લોખંડી બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ડિમોલીશન રાજ્યનું સૌથી મોટું ડિમોલીશન બની ગયું છે.
ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી મોટું મેગા ડિમોલિશન સોમનાથમાં કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિર અને તેની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જ્યાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળો, વસાહતો-મકાનોને ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે તંત્ર દ્વારા 36થી વધુ જેસીબી, 50થી વધુ ટ્રેક્ટર, 05 હિટાચી મશીન, 10 ડમ્પર સહિતની મશીનરી ઉપયોગમાં લેવાઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર સોમનાથ અને ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. સોમનાથ મંદિર નજીક ગીર સોમનાથના ઈતિહાસમાં તંત્રનું મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે. સોમનાથ મંદિર ટ્રસ્ટની જગ્યામાં ગેરકાયદે ખડકી દેવાયેલા આઠેક ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે.
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગેરકાયદે ખડકી દેવાતા દબાણો પર ધોસ બોલાવવામાં આવી રહી છે. અગાઉ દ્વારકા, બેટ દ્વારકા, હર્ષદ માતા સહિતના ધાર્મિક સ્થળો આસપાસ ગેરકાયદે ખડકી દેવામાં આવેલા બાંધકામો તોડી પાડવાની કાર્યવાહીના ભાગરૂપે આ ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંત અગાઉ કાશી, અયોધ્યામાં પણ આ પ્રકારે જ ગેરકાયદે બાંધકામોનો સફાયો કરવામાં આવ્યો હતો.
ડિમોલીશન દરમિયાન એક ધાર્મિક સ્થળ પરથી 70 જેટલા લોકોની અટકાયત આજે વહેલી સવારે કરવામાં આવી છે. તંત્રએ સોમનાથ અને તેની આસપાસના વિસ્તારમાં ડીમોલેશન શરૂ કર્યું હતું. જેમાં 05 હિટાચી મશીન, 30 જેસીબી, 50 ટ્રેકટર, 10 ડમ્પરથી કામગીરી શરૂ કરાઈ હતી. ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં આ સૌથી મોટું ડિમોલિશન છે. પોલીસ દ્વારા પણ સાવચેતીના પગલા તરીકે ડિમોલિશન સ્થળ પર લોકોના જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સોમનાથ સર્કલ અને ભીડીયા સર્કલ પરથી અવરજવર બંધ કરાઈ છે.
વહેલી સવારે 70 લોકોને અટકાયતમાં લેવાયા
ગઈકાલે રાતથી જ બુલડોઝર ધણધણી ઉઠ્યા હતા. સોમનાથ ટ્રસ્ટની માલિકીની જગ્યા પર ખડકી દેવામાં આવેલા દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન આજે વહેલી સવારે એક ધાર્મિક સ્થળનું ડિમોલીશન કરતી વેળાએ ટોળાં વિરોધ શરૂ કર્યો હતો પણ કોઈ ઘર્ષણ ન સર્જાય તેના માટે 70 લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.
રેન્જ આઇજી નિલેશ ઝાંઝડીયા, એસપી મનોહરસિંહ જાડેજાની હાજરીમા 1500 જવાનોનો લોખંડી બંદોબસ્ત
આ મેગા ડિમોલિશન દરમિયાન જિલ્લા કલેક્ટર, રેન્જ આઇજી નિલેશ ઝાંઝડીયા, ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા, ત્રણ ડીવાયએસપીનો કાફલો હાજર છે. સાથે 50 જેટલાં પીઆઈ-પીએસઆઈ અને 1500 જવાનોનો જડબેસલાક બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે. ગત મોડી રાતથી તંત્ર દ્વારા ડિમોલેશનની તૈયારી હાથ ધરવામાં આવી હતી. જેની જાણ થતાં જ તંત્રની તૈયારીના પગલે હજારો લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.