- વર્ષ 2023-24ની સરખામણીએ પ્રવાસીઓ 24 ટકા વધ્યા
ગુજરાતમાં આવતા પ્રવાસીઓની મુખ્ય બિઝનેસ, ધાર્મિક, લીઝર, અને હેરીટેજ એમ ચાર કેટેગરી : આધ્યાત્મિક પ્રવાસનમાં 1.65 કરોડ પ્રવાસીઓ સાથે ‘અંબાજી’ જ્યારે બિઝનેસમાં 2.26 કરોડ સાથે અમદાવાદ પ્રથમ
ભારત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે 27 સપ્ટેમ્બરે ‘વિશ્વ પ્રવાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા પસંદગીનું રાજ્ય બન્યું છે. રાજ્યમાં ગત વર્ષ 2023-24માં કુલ 18.59 કરોડથી વધુ પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યા છે તેમ,પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.
પ્રવાસન મંત્રી મુળુભાઈએ ગુજરાતની મુલાકાતે આવેલા પ્રવાસીઓ અંગે વિગતવાર માહિતી આપતા કહ્યું હતું કે, સુરક્ષા અને શાંતિ માટે ઓળખાતા ગુજરાતની વર્ષ 2023-24 દરમિયાન કુલ 18.59 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, આમાં 17.50 કરોડ સ્થાનિક પ્રવાસીઓ તેમજ 23.43 લાખ વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જેમાં 11.38 કરોડથી વધુ પ્રવાસીઓએ એક દિવસ માટે જ્યારે 7.21 કરોડથી વધુ પ્રવાસીઓએ રાત્રિરોકાણ કર્યું હતું. જે ગત વર્ષ 2022-23 દરમિયાન પ્રવાસીઓની સંખ્યા 14.98 કરોડ હતી એટલે કે, ગયા વર્ષની સરખામણીએ વર્ષ 2023-24માં ગુજરાતમાં આવતા પ્રવાસીઓની સંખ્યામાં 24.07 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે
મંત્રી શ્રી મુળુભાઈએ જણાવ્યું હતું કે, ધાર્મિક પ્રવાસન ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે ત્યારે દેશભરમાંથી સૌથી વધુ 1.65 કરોડ માઈ ભક્તોએ અંબાજી ખાતે માં અંબાના દર્શનનો લાભ લીધો છે. જ્યારે દેશના પ્રથમ જ્યોતિલિંગ એવા સોમનાથ મંદિર ખાતે 97.93 લાખ, દ્વારકા ખાતે 83.54 લાખ, મહાકાળી મંદિર પાવાગઢ ખાતે 76.66 લાખ તેમજ ડાકોર ખાતે 34.22 લાખ એમ કુલ મળીને 457.35 લાખ પ્રવાસીઓએ દર્શનનો લાભ લીધો છે. જ્યારે બિઝનેસના હેતુથી સૌથી વધુ અમદાવાદમાં 2.26 કરોડથી વધુ જ્યારે સુરતમાં 62.31 લાખ, વડોદરામાં 34.15 લાખ, રાજકોટમાં 18.59 લાખ અને ભરૂચમાં 17.72 લાખ એમ કુલ 358.77 લાખ પ્રવાસીઓએ મુલાકાત કરી હતી.
લીઝર એટલે કે વ્યસ્ત જીવનમાંથી આનંદ માણવા અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ પર 79.67 લાખ, સાબરમતી રિવરફ્રન્ટની 44.76 લાખ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 43.52 લાખ ,સાયન્સ સિટીની 13.60 લાખ તેમજ ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન એવા સાપુતારાની 11.39 લાખ એમ મળીને કુલ 192.96 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.આજ રીતે હેરીટેજ એટલે કે, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસામાં ગુજરાત મહત્વનું સ્થાન ધરાવે છે. જેના ભાગરૂપે ઐતિહાસિક શહેર વડનગરની 6.93 લાખ, પોરબંદર ખાતે આવેલા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ એવા કીર્તિ મંદિરની 4.06 લાખ, ગાંધીનગર ખાતે સ્થિત અડાલજ વાવની 3.86 લાખ, યુનેસ્કોની યાદીમાં વૈશ્વિક વારસામાં સ્થાન પામેલ પાટણમાં રાણી કી વાવની 3.83 લાખ, તેમજ એકમાત્ર સૂર્ય મંદિર મોઢેરાની 3.81 લાખ એમ મળીને કુલ 22.49 લાખ પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી.
ગુજરાત સરકાર દ્વારા નવા પ્રવાસન સ્થળો વિકસાવવામાં આવ્યા છે, જેમ કે બોર્ડર ટુરિઝમ તરીકે -નડાબેટ અને કચ્છના સરક્રિક ખાતે સમુદ્રી સીમા દર્શન પ્રોજેક્ટ, ડાયનોસોર ફોસીલ પાર્ક-બાલાસિનોર, પોરબંદરના મોકરસાગર ખાતે વેટલેન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, બેટ-દ્વારકા ખાતે ટુરિસ્ટ ફેસીલીટી નો વિકાસ, ધરોઇ ડેમનો વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકાસ, ગુજરાતની ઓળખ સમા એશિયાટિક લાયનના વિસ્તાર એવા ગીરની આસપાસના સ્થળોને આવરી લઈને ગ્રેટર ગીર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અને બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુરને વૈશ્વિક કક્ષાના બીચ તરીકે વિકસાવવાના કામો હાલ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.
માત્ર 8 મહિનામાં 15.5 લાખ ભારતીયો અમેરિકામાં મહાલ્યા
આ વર્ષે રેકોર્ડ સંખ્યામાં ભારતીયો અમેરિકા જવાના છે. વર્ષ 2023માં યુ.એસ.માં 17.6 લાખ ભારતીયો ગયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટના આઠ મહિનામાં 15.5 લાખથી વધુ ભારતીયો ત્યાં ગયા છે. સપ્ટેમ્બરમાં વિદ્યાર્થીઓનું સત્ર સમાપ્ત થાય ત્યાં સુધીમાં, ગયા વર્ષની તુલનાએ આ વર્ષનો આંકડો વધી જશે. યુ.એસ.માં 51 લાખ-મજબૂત ભારતીય ડાયસ્પોરાનો અર્થ એ છે કે મોટી સંખ્યામાં મિત્રો અને સંબંધીઓ મુસાફરી કરે છે, ત્યાં ખૂબ જ મજબૂત વ્યવસાયિક અને વિદ્યાર્થીઓની મુસાફરી પણ છે.
ભારત 2023માં યુ.એસ.ના આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓના બીજા સૌથી મોટા વિદેશી સ્ત્રોત બજાર તરીકે ઉભરી આવ્યું છે, યુકે અને જર્મની પછી ભારત ત્રીજો સૌથી મોટો વિદેશી સ્ત્રોત દેશ (કેનેડા અને મેક્સિકો સિવાય) હતો. આ જાન્યુઆરી-ઓગસ્ટમાં ભારતે જર્મનીને પાછળ છોડી દીધું છે. 2019 માં, ભારત યુએસ માટે એકંદરે 10મું સૌથી મોટું સ્ત્રોત બજાર હતું
અને વિદેશમાં આઠમું સૌથી મોટું સ્ત્રોત બજાર હતું.
જ્યારે યુએસ મિશન ભારતને રેકોર્ડ વિઝા ઇશ્યૂ કરી રહ્યું છે, ત્યારે માંગ એટલી વધારે છે કે ઇન્ટરવ્યૂ-જરૂરી મુલાકાતી વિઝા માટે રાહ જોવાનો સમયગાળો (ગુરુવારે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ અનુસાર) કોલકાતામાં 477 દિવસનો હતો; દિલ્હીમાં 466; ચેન્નાઈમાં 433; હૈદરાબાદમાં 352 દિવસ અને મુંબઈમાં 312 દિવસ. સફળ અરજદારોને 10-વર્ષના મલ્ટિપલ-એન્ટ્રી વિઝા આપવાની યુએસ નીતિ સ્પષ્ટપણે ફળ આપે છે.