• પાણીના ધસમસતા પ્રવાહમાં બસનો કાચ ફોડી 29 યાત્રાળુઓને બહાર કાઢી ટ્રકમાં બેસાડી દેવાયા
  • ટ્રક પણ પાણીના વહેણમાં ફસાઈ જતાં યાત્રાળુઓનો જીવ તાળવે ચોંટ્યો

ભાવનગરના કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવના દર્શન માટે તામિલનાડુથી એક ખાનગી બસ લઈને 29 લોકો ખાસ દર્શન કરવા આવ્યા હતા. જ્યારે ગુરુવારે ભાવનગર શહેર અને જિલ્લામાં સવારથી અવિરત વરસાદને લઈને ઘોઘા વિસ્તારમાં 6 ઇંચથી વધારે વરસાદ વરસી જતા ઘોઘાની માલેશ્રી નદીમાં ઘોડાપુર આવતા દર્શન કરીને પરત ફરી રહેલા આ યાત્રાળુઓની બસના ડ્રાઇવરની બેદરકારીને કારણ પાણીના ધસમસતા પ્રવાહમાં આ બસ ફસાઈ હતી. જેને લઈને 27 યાત્રાળુ અને ડ્રાઇવર ક્લિનર સહિત 29 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. જેમને 8 કલાકની જહેમત બાદ હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.

બસ પાણીમાં ફસાતા ગ્રામજનો દ્વારા તાત્કાલિક તંત્રને ગામના સરપંચ દ્વારા જાણ કરવામાં આવી હતી, જેને લઇને તાત્કાલિક ધોરણે ઘોઘાના મામલતદાર અને વહીવટી તંત્ર, પોલીસ વિભાગ સહિત મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો, પરંતુ પરિસ્થિતિ બેકાબૂક થતા ભાવનગર કલેકટર, ભાવનગર એસપી, ધારાસભ્ય જીતુ વાઘાણી સહિતના લોકો ઘટના સ્થળ પર પહોંચીને બચાવ કાર્યમાં જોડાયા હતા અને ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગની ટીમ અને સ્થાનિક લોકો, તરવૈયા સહિત મોટો કાફલો રેસ્ક્યુમાં જોડાયો હતો.

આ બાદ એક ટ્રક દ્વારા બસની નજીક ટ્રકને પહોંચાડી સલામત રીતે 29 લોકોને બસનો કાચ ફોડીને રેસ્ક્યુ કરીને તમામ લોકોને ટ્રકમાં લઈ લેવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે એ ટ્રક પણ આ પાણીના પ્રવાહમાં ફસાઈ જતા ભારે મુશ્કેલી સર્જાઈ હતી અને આખરે 29 લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આખરે આ ઘટનામાં ભાવનગર કલેકટર દ્વારા એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી હતી અને એનડીઆરએફની ટીમ અમરેલી થી 12:30 થી 1 વાગ્યા આસપાસ ભાવનગરના કોળિયાક પહોંચી હતી, તેણે પણ તંત્ર સાથે પરિસ્થિતિથી ચર્ચા કરી કોઈ હલ કરવા મહેનત હાથ ધરી હતી. બસના પાછળથી કાચ ફોડી તમામ મુસાફરોને ટ્રક મારફતે બચાવવામાં આવ્યા હતા પરંતુ કમનસીબે એ ટ્રક પણ પાણીના વહેણમાં ફસાયો હતો. 10:30 થી 11 વાગ્યા આસપાસ એ ટ્રક પણ ફસાતા મુસાફરો સહિત તમામના જીવ તાળવે ચોટ્યા હતા.

ત્યારબાદ અનેક ઉપાયો કર્યા પણ પાણીના વહેણ સામે તમામ ઉપાયો નિષ્ફળ નીવડ્યા હતા અને વરસાદ બંધ થતાં આખરે 2થી 3 કલાક બાદ પાણીના વહેણ નીચા ઉતરતા રાહત થઈ હતી અને બીજા ટ્રક મારફતે તમામ મુસાફરોને બચાવી લીધા હતા. આમ, એનડીઆરએફની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી આખરે 29 લોકોના જીવ બચાવતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. તમામ મુસાફરોને ટ્રકમાંથી નીચે ઉતારી તમામ મુસાફરો માટે ચેકઅપ અર્થે 108 ઘટના સ્થળે ખડેપગે તૈનાત કરવામાં આવી હતી અને ડોક્ટરોની ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી. હાલ તમામ મુસાફરો માટે કળિયાબીડ ખાતે આવેલી પટેલ બોર્ડિંગ ખાતે રહેવા જમવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.

આ ઘટના અંગે ભાવનગર જિલ્લા કલેકટર આર.કે.મહેતાએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. તમિલનાડુની બસ કોળીયાકના દર્શનાર્થે આવ્યા હતા અને ડ્રાઇવર અજાણ્યા હોવાને કારણે ગામના લોકોએ કોઝ-વેમાંથી પસાર ન થવા માટે જણાવ્યું હતું. પાણીના ધક્કાથી અડધી બસ કોઝવે ઉપર રહી અને અડધી પાણીમાં ગઈ હતી, અમને સાંજે 6:45 થી 7 આજુબાજુ જાણ થઈ હતી. તાત્કાલિક સ્થાનિક લોકો, સ્થાનિક આગેવાનો, પોલીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, મામલતદાર, પ્રાંત ઓફિસર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. ત્યારબાદ હું, કમિશનર તથા એસપી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, ફાયર બિગડની બે ટીમ, અમારી પણ ટીમ આ ઉપરાંત મોડી રાત્રે એનડીઆરએફની ટીમ પણ ઉપલબ્ધ થઈ ગઈ હતી. તમામના સંયુક્ત સહયોગથી આજે મોટી સંખ્યામાં યાત્રિકોને બચાવી શક્યા છીએ અને તમામને સલામત જગ્યાએ લઈ આવ્યા છીએ એમના માટે પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરી રહ્યા છીએ કોઈને નાનું મોટું વાગ્યું હોય કે બ્લડપ્રેશર સહિતની ઓક્સિજન લેવલ વધુ ઘટયું સહિતની સારવાર કરી હતી. આ ઉપરાંત તમામ યાત્રિકોને ભાવનગર રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.