- સ્વચ્છતા હી સેવા-2024”
- ડમ્પિંગ સાઈટ્સ/સ્વચ્છતા લક્ષિત એકમોની સફાઈ કરીને ત્યાં “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવાનો નવતર અભિગમ
- ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિએ તાપીના સોનગઢ તાલુકામાં સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને શ્રમદાન-વૃક્ષારોપણ કર્યુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનથી મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે રાજ્યભરમાં સ્વચ્છતાનો પર્વ ઉજવાઈ રહ્યો છે. ગુજરાતના નાગરીકો પણ મોટી સંખ્યામાં જોડાઈને સ્વચ્છતા અભિયાનને જન અંદોલન બનાવી રહ્યા છે. રાજ્ય સરકારે સ્વચ્છતા હી સેવા અંતર્ગત “એક પેડ માં કે નામ” અભિયાનની ઉજવણી કરીને સ્વચ્છતા સાથે પર્યાવરણ સંરક્ષણને પણ પ્રાધાન્ય આપ્યું છે. આ નવતર પહેલના પરિણામે રાજ્યભરની ડમ્પિંગ સાઇટ્સ તેમજ CTU એટલે કે, સ્વચ્છતા લક્ષિત એકમોની સફાઈ કરીને ત્યાં વૃક્ષોનું વાવેતર કરીને હરિયાળા બનાવવામાં આવી રહ્યા છે.
ડમ્પિંગ સાઈટ્સ અને સ્વચ્છતા લક્ષિત એકમો ખાતે સફાઈ બાદ વૃક્ષોનું વાવેતર કરીને આ જગ્યાઓને સુશોભિત કરવાની રાજ્ય સરકારની પહેલથી આ વિસ્તારો ફરી કચરાના ઢગમાં ન ફેરવાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી શરુ થયેલી સ્વચ્છતા સાથે વૃક્ષારોપણની પહેલથી રાજ્ય સરકારની પર્યાવરણ સંરક્ષણ માટેની પ્રતિબધ્ધતા પ્રતિબિંબિત થાય છે. પર્યાવરણ અને સ્વચ્છતા પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનો અંદાજ કરાવતી આ પહેલ હેઠળ રાજ્યભરમાં તા.૧૭ મી સ્પ્ટેમ્બરથી તા.૨૬ સ્પ્ટેમ્બર સુધીમાં ૧૧,૦૦૦થી વધારે સ્વચ્છતા લક્ષિત એકમોની સફાઈ કરીને ત્યાં દોઢ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરીને આ વિસ્તારની કાયાપલટ કરવામાં આવી છે.
ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ આજે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઘાસિયામોઢા ગામમાં આવા જ એક સ્વચ્છતા લક્ષિત એકમની નાગરીકો સાથે મળીને સફાઈ કરી હતી અને ત્યાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. મંત્રીએ શ્રમદાન કરીને જન સમુદાયને સ્વચ્છ-સ્વસ્થ અને ગ્રીન ગુજરાતની પ્રેરણા આપી હતી. સ્વચ્છતાના મહત્વને પ્રોત્સાહન આપતી રાજ્ય સરકારની આ નવતર પહેલ થકી ગુજરાતના ગ્રીન કવર ઉપરાંત આપણી આસપાસની સુંદરતામાં પણ વધારો થશે, તેમ ગ્રામ વિકાસ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું.
હળપતિએ નાગરિકોને સ્વચ્છતા હી સેવા અભિયાનમાં ભાગ લેવા તેમજ તેમના સંબંધિત વિસ્તારોમાં વૃક્ષરોપણ થકી સ્વચ્છ વાતાવરણ સુનિશ્ચિત કરવા પ્રોત્સાહિત કરતો રાજ્યવ્યાપી સંદેશ પણ આપ્યો હતો. મંત્રી દ્રારા સ્વચ્છતા લક્ષિત એકમોની સફાઈ કરવામાં આવી હતી તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનની પ્રેરણાથી શરુ થયેલું ‘એક પેડ મા કે નામ’ અભિયાન હવે માત્ર વૃક્ષરોપણ સુધી જ સીમિત નથી રહ્યું, આ અભિયાન હવે વૃક્ષારોપણની સાથે સાથે સ્વચ્છ-સ્વસ્થ અને ગ્રીન ગુજરાતના બહુઆયામી મંત્રને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ અભિયાન રાજ્યમાં ડમ્પિંગ સાઇટ્સ અથવા બ્લેક સ્પોટ બનતા અટકાવીને પર્યાવરણ સંરક્ષણ અને સમુદાયની સુખાકારી માટે સ્વચ્છ, સ્વસ્થ પર્યાવરણને ટકાવી રાખવાના મહત્વને પ્રકાશિત કરી રહ્યું છે.