- માનવ સાંકળ વડે ‘‘ક્લિન ઈન્ડિયા, ક્લિન વલસાડ’’નો સંદેશ આપ્યો
- જિલ્લાભરની શાળાઓમાં ચિત્રકામ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રેલી, શપથ અને ક્વિઝ કોમ્પ્ટીશનનું આયોજન કરાયું
વલસાડ: સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ સમગ્ર ગુજરાત સ્વચ્છતાના રંગે રંગાયુ છે ત્યારે વલસાડની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને સ્વસ્છતાના પાઠ અને તેનુ મહત્વ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમજાવાય રહ્યું છે. વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવે અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના નેતૃત્વમાં જિલ્લા શિક્ષણાધિકારી રાજેશ્રી ટંડેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સ્વચ્છતા હી સેવા અભિયાને જોર પકડયું છે.
ત્યારે વલસાડના સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત જમના સાર્વજનિક કન્યા વિદ્યાલયના વિદ્યાર્થિનીઓ દ્વારા સ્વચ્છતા અંગે જાગૃતિનો સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે માનવ સાંકળની રચના કરી ‘‘ક્લિન ઈન્ડિયા, ક્લિન વલસાડ’’નો સંદેશ જિલ્લાભરમાં ગુંજતો કરવામાં આવ્યો હતો. આ સિવાય જિલ્લાની વિવિધ શાળાઓમાં સ્વચ્છતાને લગતી ચિત્રકામ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, હાથ કેવી રીતે ધોવા, સ્વચ્છતા જાગૃતિ રેલી અને શપથ અને સૂકો તેમજ ભીનો કચરો અલગ અલગ કચરાપેટીમાં નાંખવા અંગે પણ વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. કેટલીક શાળાઓ દ્વારા ક્વિઝ કોમ્પ્ટીશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.