ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, ફિલાડેલ્ફિયામાં હાલત ખરાબ: સમગ્ર પૂર્વ અમેરીકા અને કેનેડામાં માયનસ ૩૦ ડિગ્રી તાપમાન: નાયગ્રા ફોલ્સ થીજીને બરફ થઈ ગયો
અમેરીકામાં બોમ્બ સાયકલોને કેર વર્તાવ્યા બાદ વધુ એક કુદરતી આફત માથું ઉંચકી રહી છે. તાજેતરમાં અમેરીકાના અનેક વિસ્તારોમાં આર્કટિક કાતિલ ઠંડા પવને બેહાલી સર્જી છે.
સમગ્ર પૂર્વ અને ઉત્તર અમેરીકાંમા ઠંડા પવન અને બરફના તોફાનના કારણે ન્યૂ હેમ્પશાયરનાં માઉન્ટ વોશિંગ્ટન ખાતે વિક્રમી હદે તાપમાનનો પારો નીચે ગગડી જતા જનજીવન દોહયલુ થઈ ગયું છે. ટૂંકમાં અમેરીકા અને કેનેડા ફરી હીમયુગમાં પ્રવેશી ગયું હોય તેમ લાગે છે. કેનેડામાં માયનસ ૩૦ ડિગ્રી સુધી તાપમાન નીચે ગયું છે. અમેરીકા અને કેનેડાની બોર્ડર પર આવેલો નાયગ્રા ધોધ ૧૯૪૮ પછી પ્રથમવાર જામીને બરફ થઈ ગયો છે. ૧૬૭ ફીટ ઉંચેથી નીચે પડતો આ ધોધ ધણા દશકા પછી પ્રથમવાર જામી ગયો છે. અમેરીકાના ન્યૂ જર્સીમાં પણ ઘણા વર્ષો પછી માયનસ ડિગ્રી તાપમાનનો ચમકારો જોવા મળ્યો છે. અહી લોકો વહેલી સવારે અને મોડીરાતે બહાર નીકળવાનું ટાળે છે. દિવસે પણ રાતનાં અંધારા જેવું વાતાવરણ જોવા મળે છે.
ટૂંકમાં સમગ્ર પૂર્વ અમેરીકા અને કેનેડા પર કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ન્યૂયોર્ક તેમજ અન્ય એરપોર્ટ પર બરફની ચાદર છવાતાં અનેક ફલાઈટ્સ રદ થઈ છે. કેટલાક વિસ્તારોમાં પારો ગગડીને છેક માઈનસ ૪૦ ડિગ્રી સુધી પહોચ્યો છે. કેનેડાના કેલગેરી શહેરમાં અત્યારે તાપમાન માયનસ ૩૪ ડિગ્રી છે. બોમ્બ સાઈકલોન પછી અમેરીકા ગ્રેસન સાઈકલોનનો સામનો કરી રહ્યું છે. જેના સપાટામાં લાખો મુસાફરો અટવાયા છે. ઘર આંગણે દિલ્હી ન્યુયોર્કની બે ફલાઈટ મોડી પડી છે.
હાડ ગાળી નાખતી ઠંડીમાં કુલ ૨૫ના મોત થયા છે. અમેરીકાના અનેક રાજયોમાં પારો શૂન્યથી નીચે છે. ફિલાડેલ્ફિયા, ન્યૂજર્સી અને ન્યૂયોર્કમાં સ્થિતિ ખરાબ છે.