- જે એલ ઇંગ્લિશ સ્કૂલ સામેની મેચમાં સેંટ ઝેવિયર્સનો એક ઇનિંગ્સ અને 712 રનના વિશાળ માર્જીનથી વિજય થયો
સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ (સીબીસી), અમદાવાદના ઉપક્રમે યોજાતી દીવાન બલ્લુભાઈ કપ અંડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સેંટ ઝેવિયર્સ સ્કૂલના બેટમસેન દ્રોણ દેસાઈએ જંગી સ્કોર નોંધાવીને અનોખો વિક્રમ સર્જ્યો હતો. જે એલ ઇંગ્લિશ સ્કૂલ સામેની આ મેચમાં સેંટ ઝેવિયર્સનો એક ઇનિંગ્સ અને 712 રનના વિશાળ માર્જીનથી વિજય થયો હતો. જે પણ એક વિક્રમ છે. અમદાવાદની સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દીવાન બલ્લુભાઈ કપ ઘણી જૂની ટુર્નામેન્ટ છે અને છેલ્લા પાંચેક દાયકામાં ગુજરાત માટે રણજી ટ્રોફીમાં રમેલા મોટા ભાગના ખેલાડીઓ એક સમયે આ ટુર્નામેન્ટમાં ભાગ લેતા હતા. 23 અને 24મી સપ્ટેમ્બરે શિવાય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મેચમાં જે એલ સ્કૂલે પ્રથમ બેટિંગ કરી હતી પરંતુ તેઓ માત્ર 48 રન કરી શક્યા હતા જેના જવાબમાં સેંટ ઝેવિયર્સ સ્કૂલે સાત વિકેટે 844 રનનો વિશાળ સ્કોર રજૂ કર્યો હતો. ઝેવિયર્સ (લોયોલા) માટે ત્રણ બેટ્સમેને સદી ફટકારી હતી જેમાં દ્રોણ દેસાઈ મોખરે રહ્યો હતો. તેણે 320 બોલની ઇનિંગ્સમાં આક્રમક બેટિંગ કરીને 498 રન ફટકાર્યા હતા. આમ તે બે રનથી પાંચસો રન ચૂકી ગયો હતો. દ્રોણે આ દરમિયાન 86 ચોગ્ગા અને સાત સિક્સર ફટકારી હતી. અગાઉ આ ટુર્નામેન્ટમાં સર્વોચ્ચ સ્કોર 372 રનનો હોવાનું મનાય છે. સેંટ ઝેવિયર્સ માટે દ્રોણ ઉપરાંત હેત દેસાઈએ 94 બોલમાં 142 અને વિરાજ તલાટીએ 93 બોલમાં અણનમ 104 રન ફટકાર્યા હતા. જે એલ સ્કૂલના બોલર્સ લાચાર બની ગયા હતા પરંતુ તેના કરણ કમેજીયાત્રએ 323 રન આપીને છ વિકેટ આપી હતી. સ્કૂલ ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં આટલા રન આપવાનો પણ આ રેકોર્ડ હોઈ શકે છે.દ્રોણ દેસાઈ પ્રતિભાશાળી ખેલાડી છે તેણે અગાઉ અંડર-14 અને અંડર-15 કક્ષાના ક્રિકેટમાં પણ આવું જ પ્રદર્શન કર્યુ હતું. સેંટ ઝેવિયર્સ લોયોલાના કોચ મિતુલ પટેલે પોતાના ખેલાડીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તે પ્રતિભાશાળી ક્રિકેટર છે. સારા બોલર સામે તેની સ્ટ્રોક રમવાની ક્ષમતા અદભૂત છે અને દ્નોણનું ભાવિ ઉજ્જવળ છે.
સાત વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું: દ્રોણ દેસાઈ
દ્રોણ દેસાઇએ કહ્યું કે મેં સાત વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને મારા પિતાએ મને ખૂબ પ્રેરણા આપી હતી. તેમને લાગ્યું કે મારામાં એક સારો ક્રિકેટર બનવાની ક્ષમતા છે. તેઓ મને જેપી સર (જયપ્રકાશ પટેલ) પાસે લઈ ગયા હતા. જેમણે 40થી વધુ ક્રિકેટરોને કોચિંગ આપ્યું હતું. એવી સ્થિતિ હતી કે ધોરણ 8થી 12 સુધી હું માત્ર મારી પરીક્ષા માટે જ સ્કૂલે જતો હતો. મેં ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું. આશા રાખું છું કે, એક દિવસ હું એક મોટું નામ બનાવીશ.