- નર્મદા જિલ્લાની સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરીઓને પોષણયુક્ત આહાર આપી મહત્તમ કાળજી લેતી આંગણવાડી કાર્યકરો
- સરકાર દ્વારા મળતી વિવિધ યોજનાઓના લાભ થકી લાભાર્થી તડવી રુદ્રકુમાર અને તક્ષકુમારના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો
- ભાણદ્રાની આંગણવાડીઓની કાર્યકરો દ્વારા બાળકોનું નિયમિતપણે ગૃહ મુલાકાત કરી બાળકોની કાળજી લેવાય છે
- મધર કેર અને ઉપરી આહાર દરરોજ ઉપયોગમાં લેતા મારા બાળકોના વજનમા વધારો જોવા મળ્યો: લાભાર્થીના માતા હેતલ
નર્મદા: સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરીઓને પોષણયુક્ત આહાર મળી રહે તેમજ બાળકો કુપોષિત થતાં અટકે એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં આવી છે. નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી અને જિલ્લા વિકસ અધિકારી અંકિત પન્નુના રાહભરીમાં આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્ના પટેલના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાની દરેક આંગણવાડીઓને પ્રાધાન્ય આપી કુપોષિત બાળકો, કિશોરીઓ, અને સગર્ભા બહેનોને મહત્તમ દેખરેખ રાખવામાં આવતી હોય છે.
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના નવા વાઘપુરા ગામના તડવી રુદ્રકુમાર સંદિપ અને તડવી તક્ષકુમાર સંદિપને ભાણદ્રા આંગણવાડી કેન્દ્ર માંથી પોષણયુક્ત દૂધ સંજીવની યોજના,ટી.એચ.આર-બાલશકિત સહિત કાંગારુ મધર કેર યોજનાનો લાભ મળવાથી બંને બાળકો સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો છે. લાભાર્થીઓની વાત કરીએ તો પિતા તડવી સંદિપ અને માતા તડવી હેતલ સંદિપ તડવીના બન્ને જુડવા પુત્રો (રૂદ્રકુમાર એસ. તડવી અને તક્ષકુમાર એસ. તડવી) છે. આ બન્ને જુડવા પુત્રોનો જન્મ તા. 22/11/2022 ના રોજ થયો છે. જન્મ વખતે રુદ્રકુમારનો 1.700 કી.ગ્રામ વજન અને 49 સે.મી ઊંચાઈ જ્યારે તક્ષકુમારનુ 1.400 કી.ગ્રામ વજન અને 50 સે.મી ઊંચાઈ હતુ. સરકાર દ્વારા મળતી યોજનાનો લાભ મળતા હાલનુ રુદ્રકુમારનો વજન 6.400 કી.ગ્રામ અને 62 સે.મી ઊંચાઈ જ્યારે તક્ષકુમારનુ વજન 6.800 કી.ગ્રામ અને 64 સે.મી ઊંચાઈ છે. જન્મ વખતે બંન્ને બાળકોનુ વજન ઓછુ હોવાથી બન્ને બાળકોને વારંવાર દવાખાનામાં લઈ જવુ પડતું હતું.
જ્યારથી ભાણદ્રાની આંગણવાડીઓની મુખ્ય સેવિકા તથા કાર્યકર ધ્વારા બાળકોનુ નિયમિતપણે ગૃહ મુલાકાત કરીને યોગ્ય માર્ગદર્શન થકી લાભાર્થીના વાલીઓને બાળકોની કાળજી રાખવા માટે આંગણવાડીમાંથી પોષણયુક્ત આહાર આપવા માટે સલાહ આપવામાં આવી હતી. ત્યારથી બાળકોનાં વજનમાં તથા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો છે.
કાર્યકર તથા મુખ્ય સેવિકા ધ્વારા ગ્રોથ મોનિટરિંગ તેમજ માતાને બાળકની સ્થિતીમાં થતા સુધારાની સમજ તથા ટી.એચ.આર નો યોગ્ય નિયમિત ઉપયોગ કરવા સમજ આપવામાં આવી હતી. લાભાર્થીઓના માતા દ્વારા કાંગારુ મધર કેર અને 6 માસ સુધી ફક્ત માતાનું ધાવણ આપવાથી બાળકોનાં વજનમાં વધારો થયો છે. અને બાળકોના ૬ માસ પુર્ણ થયે ઉપરી આહારમાં બાલશક્તિ, પોષણ યુક્ત આહાર તથા દુધ સંજીવનીનો લાભ લેવાથી બાળકોના વજનમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. લાભાર્થીના વાલીઓએ હકારાત્મક પ્રતિભાવ આપતા જણાવ્યુ કે, મારા બાળકોને કાર્યકર બહેનો અને મુખ્ય સેવિકાઓ દ્વારા મધર કેર તેમજ ઉપરી આહાર દરરોજ ઉપયોગમાં લેતા વજનમા ઘણો સુધારો જોવા મળ્યો છે. ટી.એસ.આર નો ઉપયોગ કરવાથી સારો સુધારો જોવા મળતા હું દરરોજ ઉપયોગ કરુ છુ. મારા બાળકોમાં વજન, ઊંચાઈ અને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળતા સરકારશ્રી અને આઇસીડીએસ સાથે સંકળાયેલા તમામનો આભાર માનુ છુ.