નવસારી જિલ્લાની મહુડી પ્રાથમિક શાળાના શિક્ષકો-વિદ્યાર્થીઓએ મહુવાના સણવલ્લા ગામે નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્રની મુલાકાત લીધી. નવસારી જિલ્લાની મહુડી પ્રાથમિક શાળાના શિક્ષકસ્ટાફ- ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓએ મહુવા તાલુકાના સણવલ્લા ગામે નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્રની મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ, દેશીગાય આધારિત પંચગવ્ય પ્રોડક્ટસ, વિવિધ કિટ નિયંત્રકોનો ઉપયોગ, દેશીગાય સંવર્ધન અને ગૌપાલન વિષે જાણકારી મેળવી હતી. વિજ્ઞાન-પર્યાવરણ શિક્ષક સતીષભાઈ પટેલ અને સ્ટાફગણ, વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિના મહત્વથી વાકેફ થયા હતા. બાળકો પ્રાથમિક શાળામાંથી પ્રાકૃતિક કૃષિ, દેશીગાય, ગૌપાલનનું મહત્વ, પ્રાકૃતિક શાકભાજી, મસાલાપાક, અનાજ, કઠોળ, ફળપાકનું ઝેરમુકત ભોજન,કૃષિ ઉત્પાદન અને જૈવ ચક્ર, ઇકો ક્લબ પ્રવૃતિ શીખી-સમજી શકે એ માટે શાળાએ બાળકોને આ પ્રાકૃતિક મોડેલ ફાર્મની ફિલ્ડ વિઝીટ કરાવી હતી. ધો.3 થી 8ના વિજ્ઞાન-પર્યાવરણ વિષયની ઘણી બધી અધ્યયન નિષ્પતિ જાત-અનુભવથી સિદ્ધ કરી શકાય છે. છેલ્લા પાંચ વર્ષમાં દ.ગુજરાતના દેશી ગાય ગૌપાલન અને ગાય આધારીત પ્રાકૃતિક કૃષિ બાબતે નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર-સણવલ્લાએ ખેડૂતોને સમજ પૂરી પાડી છે. જેમાં આજ સુધી આત્મા પ્રોજેક્ટ- સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, સુરત, વલસાડ તથા અધિકારીઓ તથા વિદ્યાર્થીઓએ મુલાકાત લઈને પ્રેરણા મેળવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.