ડાયાબિટીસના દર્દીઓમાં આમ પણ હાઇપરટેન્શન એટલે કે હાઈ બ્લડ-પ્રેશર થવાનું રિસ્ક ઘણું વધારે હોય છે, પરંતુ જ્યારે ડાયાબિટીસને કારણે કિડની પર અસર થાય કે ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍપ્નીઆ થાય કે એનાથી થતા ઍથરોસ્ક્લરોસિસને કારણે વ્યક્તિને હાઇપરટેન્શન આવી શકે છે જે સામાન્ય લોકોને થતું પ્રાઇમરી હાઇપરટેન્શન નહીં પરંતુ સેકન્ડરી હાઇપરટેન્શન છે.
હાઇપરટેન્શન એટલે હાઈ બ્લડ-પ્રેશર. આ રોગ થવા પાછળનાં કારણો ખાસ સ્પક્ટ નથી છતાં જે રીતે એનો વ્યાપ વધતો જાય છે એ ઘણો ચિંતાજનક છે. વળી પહેલાં એ મોટી ઉંમરે જ આવતો રોગ હતો, પરંતુ આજકાલ એ નાની ઉંમરે પણ જોવા મળે છે જેનું કારણ આપણી ખોટી લાઇફ-સ્ટાઇલ છે, પરંતુ ખરા અર્થમાં જોઈએ તો મુખ્ય રૂપે હાઈ બ્લડ-પ્રેશર ઉંમર સંબંધિત બીમારી છે. હાઈ બ્લડ-પ્રેશર એટલે લોહીની નળીઓમાં જ્યારે દબાણ ખૂબ વધી જાય એને હાઈ બ્લડ-પ્રેશર કહે છે. આ વસ્તુ સમજવા રબરના બનેલા પાઇપનું ઉદાહરણ સમજીએ. રબરનો પાઇપ નવો હોય ત્યારે એકદમ લૂઝ હોય, સ્થિતિસ્થાપક હોય અને એમાંથી પાણી સહેલાઈથી વહી શકતું હોય, પણ જેમ જૂનો થતો જાય એમ આ પાઇપ એની સ્થિતિસ્થાપકતા ગુમાવતો જાય છે અને વધુ ને વધુ કડક બનતો જાય છે અને એક દિવસ તૂટી જાય છે. લોહીની નળીઓનું પણ એવું જ છે. આ કારણોસર ૫૦ વર્ષની ઉંમર પછી લોકોને હાઈ બ્લડ-પ્રેશરની સમસ્યા આવે છે. આ પરિસ્થિતિમાં હાઈ બ્લડ-પ્રેશર પાછળ ખાસ કોઈ કારણ છે એમ કહી ન શકાય, જેને પ્રાઇમરી હાઇપરટેન્શન કહે છે. જોકે અમુક લોકોમાં બ્લડ-પ્રેશર થવા પાછળનું એક ખાસ કારણ હોય છે અને એ કારણ તેમના શરીરમાં થયેલી બીજી કોઈ તકલીફ કે બીજી કોઈ બીમારી હોય છે. આ પ્રકારના હાઈ બ્લડ-પ્રેશરને સેક્ધડરી હાઇપરટેન્શન કહે છે. ખૂબ ઓછા લોકો જેના વિશે જાણે છે એવા સેક્ધડરી હાઇપરટેન્શન વિશે વાત કરીએ.
કારણો
મોટા ભાગે લોકોને પ્રાઇમરી હાઇપરટેન્શન જ થાય છે. અંદાજિત આંકડો એ છે કે ૯૦ ટકા લોકોને પ્રાઇમરી હાઇપરટેન્શન થાય છે. જ્યારે ૧૦ ટકા લોકોને સેક્ધડરી હાઇપરટેન્શન થાય છે. કોઈ પણ બીજી મેડિકલ કન્ડિશનને કારણે જ્યારે વ્યક્તિનું બ્લડ-પ્રેશર વધી જાય એને સેક્ધડરી હાઇપરટેન્શન કહે છે. મહત્વની વાત એ છે કે પ્રાઇમરી હાઇપરટેન્શન મુખ્યત્વે જિનેટિક્સ, ખોટું ડાયટ, એક્સરસાઇઝનો અભાવ અને ઓબેસિટી સાથે સાંકળવામાં આવે છે, પરંતુ એની પાછળ ખાસ કોઈ ઠોસ કારણ મળતું નથી, જ્યારે સેક્ધડરી હાઇપરટેન્શન માટે જે કારણ છે એ દરદીની પોતાની જ કોઈક બીમારી હોય છે. એ માટે સમજાવતાં ગોરેગામ અને બોરીવલીમાં ડાયાબિટીઝ કેર સેન્ટર ધરાવતા ડાયાબેટાલોજિસ્ટ ડોકટર કહે છે, સેક્ધડરી હાઇપરટેન્શન પાછળ વ્યક્તિની એવી પરિસ્થિતિ કે રોગ રહેલાં છે જેમાં તેની કિડની, હાર્ટ, એન્ડોક્રાઇન સિસ્ટમ અને નસો અસરગ્રસ્ત થાય. મહત્વની વાત એ છે કે અહીં મોટા ભાગની પરિસ્થિતિને ઊભી કરવાનું કામ ડાયાબિટીઝ કરી શકે છે. ડાયાબિટીઝ છે જે કિડનીને અસર પહોંચાડી શકે છે, હાર્ટ-અટેક માટે જવાબદાર બની શકે છે અને નસોને પણ પ્રભાવિત કરી શકે છે. એક ડાયાબિટીઝના દરદી પર આ કારણોસર જ બ્લડ-પ્રેશર થવાની શક્યતા ઘણી વધુ રહે છે.
કઈ રીતે અસર?
જિનેટિક્સ, ખોટું ડાયટ, એક્સરસાઇઝનો અભાવ અને ઓબેસિટી જેવા ડાયાબિટીઝ અને બ્લડ-પ્રેશર બન્નેનાં રિસ્ક-ફેક્ટર સરખાં છે એટલે મોટા ભાગના દરદીઓને આ બન્ને રોગ હોય છે, પરંતુ અમુક દરદીઓમાં ડાયાબિટીઝને કારણે બ્લડ-પ્રેશર આવે છે જેને સેક્ધડરી બ્લડ-પ્રેશર કહે છે. ખાસ કરીને જે દરદીને દસેક વર્ષથી ડાયાબિટીઝ હોય કે પછી ૪-૫ વર્ષથી ડાયાબિટીઝ હોય, પરંતુ ક્ધટ્રોલમાં ન રહેતું હોય તેને ડાયાબિટીઝને કારણે બીજા પ્રોબ્લેમ શરીરમાં શરૂ થઈ જતા હોય છે એ તરફ ધ્યાન દોરતાં ડોકટર કહે છે, ડાયાબિટીઝની અસર કિડની પર થવી સામાન્ય છે. જ્યારે ડાયાબિટીઝને કારણે કિડનીની નસો અસરગ્રસ્ત થાય અથવા કિડની કોઈ રીતે ડેમેજ થાય તો એને કારણે વ્યક્તિને હાઈ બ્લડ-પ્રેશરની સમસ્યા આવી શકે છે. માટે જ જે વ્યક્તિને ડાયાબિટીઝ હોય તેના ડોક્ટર સમય-સમયે તેની કિડનીની ટેસ્ટ કરાવતા રહે છે જેના દ્વારા કિડનીને કોઈ જાતનું ડેમેજ થયું હોય તો સામે આવી શકે. એ સિવાય ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍપ્નીઆ એટલે કે ઊંઘમાં શ્વાસની તકલીફ આપતો રોગ પણ ડાયાબિટીઝને કારણે દરદીને થઈ શકે છે અને આ રોગ પણ હાઈ બ્લડ-પ્રેશરનો કારક છે.
ઍથરોસ્ક્લરોસિસ:
ડાયાબિટીઝના દર્દી બ્લડ-પ્રેશરનો ખતરો વધારે હોવા પાછળનું કારણ શું છે એ સમજાવતાં ડોકટર કહે છે, જ્યારે કોઈ પણ વ્યક્તિના શરીરમાં અને ખાસ કરીને લોહીમાં શુગર વધે ત્યારે લોહીની નળીઓની અંદરની લાઇનિંગ જેને ઇન્ટિમા કહે છે એ ડેમેજ થાય છે અને એને કારણે લોહીની નળીઓમાં ક્રેક એટલે કે તિરાડ પડે છે. સામાન્ય રીતે શરીરમાં રહેલા કોલેસ્ટરોલનું કામ છે કે એ આ લોહીની નળીઓની તિરાડોને ભરે અથવા કહીએ કે એને સાંધે અને અેને રિપેર કરે, પરંતુ જ્યારે આ પ્રકારના સાંધા વધી જાય ત્યારે લોહીની નળીઓ નાની થતી જાય જેને કારણે એ કડક પણ થઈ જાય અને બ્લડ-પ્રેશરનો પ્રોબ્લેમ વધી જાય, જેને ઍથરોસ્ક્લરોસિસ કહે છે. આ કારણો જ છે જેને લીધે હાર્ટ-પ્રોબ્લેમ્સ આવે છે અને વ્યક્તિની નસો પણ અસરગ્રસ્ત થાય છે. ઍથરોસ્ક્લરોસિસને કારણે દરેક ડાયાબિટીઝના દરદી પર સેક્ધડરી હાઇપરટેન્શનનો ખતરો રહે જ છે.
તો શું એનો અર્થ એ થયો કે જે વ્યક્તિને ડાયાબિટીઝ છે તેને ભવિષ્યમાં હાઈ બ્લડ-પ્રેશરની તકલીફ આવે તો એ હાઈ બ્લડ-પ્રેશર સેક્ધડરી જ હોય? આનો જવાબ નકારમાં આપતાં ડો. પ્રદીપ ગાડગે કહે છે, જે વ્યક્તિને સમજો કે ૫-૧૦ વર્ષથી ડાયાબિટીઝ છે તેને ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍપ્નીઆ કે ઍથરોસ્ક્લરોસિસને કારણે હાઇપરટેન્શન આવ્યું હોય તો જ એને સેક્ધડરી હાઇપરટેન્શન કહે છે. બાકી આવા દરદીઓને પ્રાઇમરી હાઇપરટેન્શન પણ આવી શકે છે. એવું બિલકુલ નથી કે ડાયાબિટીઝના દરદીને જે હાઇપરટેન્શન આવે એ સેક્ધડરી જ હોય, પરંતુ એ સેક્ધડરી હોઈ શકે છે એ બાબત ચૂકવી ન જોઈએ.
ધ્યાનમાં શું રાખવું?
જો તમને ડાયાબિટીઝ છે તો તમારે એનું જ ધ્યાન નથી રાખવાનું, પરંતુ તમને હાઈ બ્લડ-પ્રેશર આવે નહીં એની પૂરી કાળજી પણ લેવાની છે. એ માટે સૌપ્રથમ તો બન્નેનાં રિસ્ક-ફેક્ટર એટલે કે લાઇફ-સ્ટાઇલ પર પૂરતું ધ્યાન આપો. ડાયટમાં સોલ્ટનું પ્રમાણ ઘટાડો. દરરોજ એક કલાક કસરત ચાલુ રાખો. ઊંઘ પૂરતી લો અને એમાં કોઈ પણ તકલીફ ચાલુ થાય તો તરત નિષ્ણાતની સલાહ લો.
દર ૩-૬ મહિને દરેક ડાયાબિટીઝના દરદીએ કિડનીને લગતી જરૂરી ટેસ્ટ ડોક્ટરની સૂચના મુજબ કરાવવી જરૂરી છે. ડાયાબિટીઝ કાબૂમાં હોય તો પણ આ ટેસ્ટ ચોક્કસ કરાવો.
ડાયાબિટીઝ આવતાં આવી ગયું, પરંતુ તમે હાઇપરટેન્શનને આવતાં રોકી શકો છો. એના માટે થોડા સજાગ પ્રયત્નોની જરૂર છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.