- નાર્કો સેન્ટરની બેઠકમાં કોલેજ-યુનિવર્સિટીમાં દુકાનો પર વોચ ડ્રગ્સ રેકેટ તોડવા કડક પેટ્રોલીંગની તાકીદ
રાજ્ય સરકાર ડ્રગ્સના દુષણ સામે ’નો ટોલરન્સ પોલિસી’ સાથે ગંભીરતાપૂર્વક ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિને સખ્ત હાથે ડામી દેવા કટિબદ્ધ છે, ત્યારે રાજકોટમાં પણ ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિ અટકાવવા કોલેજ – યુનિવર્સીટી વિસ્તારમાં દુકાનો પર વોચ રાખવા, રેકેટ તોડવા ખાસ કોમ્બિંગ કરવા પોલીસ વિભાગને અધિક પોલીસ કમિશનરશ્રી મહેન્દ્ર બગડિયાએ નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટર (નાર્કોડ)ની બેઠકમાં તાકીદ કરવામાં આવી હતી.
જે.સી.પી. મહેન્દ્ર બગડિયાએ યુવા ધનને ડ્રગ્સથી બચાવવા માટે ડ્રગ્સના મૂળ એવા સિન્થેટિક ડ્રગ્સ અને ગાંજાના ઉત્પાદન પર ચાંપતી નજર રાખવા તેમજ ડ્રગ્સ ગુજરાત રાજ્યમાં જે રસ્તેથી પ્રવેશે છે તે વિસ્તારમાં કોમ્બિંગ વધારવા ખાસ સૂચના આપી હતી.
અ ફૂડ એન્ડ ડ્રગ્સ, ખેતીવાડી, આરોગ્ય વિભાગ અને અન્ય સંસ્થાઓને પણ બદલાતા ડ્રગ્સના પરિમાણો સામે સતર્કતા સાથે સહભાગી થવા જણાવ્યું હતું. સાથોસાથ યુવાધન નશીલા પદાર્થોના સેવનથી દૂર રહે તે માટે પ્રિવેંશન પર ભાર મૂકી કોલેજના છાત્રોને ડ્રગ્સની આડ અસરો અને સામાજિક,આર્થિક દુષ્પરિણામો વિષે માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો હાથ ધરવા જણાવ્યું હતું.
નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટર બેઠકમાં પોલીસ વિભાગ દ્વારા એન્ટી-ડ્રગ્સ કેમ્પઇન અંગે ડી.સી.પી. પાર્થરાજસિંહ ગોહિલે રાજકોટ શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડવામાં આવેલ ડ્રગ્સનાં કેસની માહિતી પુરી પાડી હતી. તેઓએ જણાવ્યું હતું કે, એસ.ઓ.જી દ્વારા ડ્રગ્સ અવેરેન્સ પ્રોગ્રામ, ડ્રગ્સ ડિટેક્શન તેમજ ડ્રગ્સ એડિક્ટ રિહેબિલેશન અને મોનીટરીંગ એમ ત્રિવિધ કાર્યક્રમો વિવિધ સંસ્થાઓના સહયોગથી કરવામાં આવે છે. જનજાગૃતિ અર્થે શાળા કોલેજમાં ‘નો ડ્રગ્સ’ અવેરનેસ કેમ્પઇન ચલાવવામાં આવી રહ્યું હોવાનું ડી.સી.પી.એ માહિતી આપતા જણાવ્યું હતું.
એસ.ઓ.જી. તેમજ મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ડ્રાઈવ ચલાવી શહેરમાં પાન ગલ્લાઓ, બગીચા તેમજ અન્ય સ્થળોએ ચેકીંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પાર્થરાજસિંહે વિગતો આપતા જણાવ્યું હતું. બેઠકમાં આપેલ સૂચના મુજબ યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓની ઈતર પ્રવૃત્તિ પર ધ્યાન રાખવા ખાસ નોડલ અધિકારી નીમવામાં આવ્યા છે.
આ તકે આસિસ્ટન્ટ કલેકટર મહેક જૈન, ડી.સી.પી. જોન -1 સજ્જનસિંહ પરમાર, ઝોન – 2 જગદીશ બંગરવા, સીટી પ્રાંત – 1 વિમલ ચક્રવર્તી, એસ.ઓ.જી., ડી.સી.બી. સહીત વિવિધ પોલીસસ્ટેશનના અધિકારીઓ, સમાજ સુરક્ષા વીભાગ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક વિભાગ, મહાનગર તેમજ સિવિલ તબીબી વિભાગ, મનોચિકિત્સક વિભાગ, રિહેબિલિટેશન વિભાગ, કૃષિ, વન વિભાગ, તોલમાપ. સાઇન્ટિફિક વિભાગ સહિત કમિટીના અધિકારીઓ તેમજ રાજકોટની વિવિધ યુનિવર્સીટીના નોડલ અધિકારીઓ જોડાયા હતાં